મધ્ય પ્રદેશના રેવામાં ડુમરી ગામમાં મંદિરના ગુંબજ સાથે અથડાઈને ટ્રેઇની વિમાન ક્રેશ થવાની દુર્ઘટના નોંધાઇ છે. આ દુર્ઘટનામાં પાઇલટનું મોત થયું છે અને ટ્રેઇની પાઇલટની હાલત ગંભીર છે.
આ દુર્ઘટના આજે વહેલી સવારે બની હતી. દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટ ટ્રેનિંગ ફ્લાઇટ હતી. એક ખાનગી કંપનીના એરક્રાફ્ટે ચોરહાટા એરસ્ટ્રીપથી ઉડાન ભરી હતી ત્યારે તે રીવા જિલ્લાના ડુમરી ગામમાં મંદિરના ગુંબજ સાથે અથડાઈને ક્રેશ થઈ ગયું હતું. રીવાના એસપી નવનીત ભસીને જણાવ્યું હતું કે, “ટ્રેનિંગ દરમિયાન પ્લેન મંદિર સાથે અથડાયું હતું. ઘાયલ ટ્રેઇની પાઇલટની સંજય ગાંધી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે.”
પ્લેન જ્યારે મંદિરના ગુંબજ સાથે અથડાયું ત્યારે તેમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. પ્લેનનો કાટમાળ ચારેબાજુ વિખરાયેલો હતો. આ વિસ્તારના ઘરોમાં સૂઈ રહેલા લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા.
પોલીસ કર્મચારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ખરાબ હવામાન અને આ વિસ્તારમાં પ્રવર્તતી ધુમ્મસની સ્થિતિને કારણે પ્લેન ક્રેશ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.