લાંબા સમયથી મુંબઈની હવામાં પ્રદૂષણનું સ્તર વધી જવાને કારણે હવાની ગુણવત્તાનું સ્તર કથળી ગયું હતું. જોકે ત્રણ-ચાર દિવસથી મુંબઈના વાતવરણમાં પ્રદૂષણનો ઘટાડો થયો છે. મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં થયેલા હળવા વરસાદને કારણે વાતાવરણમાં રહેલી ધૂળ અને રજકરણો બેસી ગયા હોવાથી હવા થોડી ચોખ્ખી જણાઈ રહી છે. રવિવારે મુંબઈમાં ઍર ક્વોલિટી ઈન્ડેક્સ ૧૦૭ રહ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે મુંબઈમાં ગરમીનું પ્રમાણ પણ ઘટી ગયું છે. ગયા અઠવાડિયામાં મુંબઈમાં ૩૮ ડિગ્રીની ઉપર પારો નોંધાયો હતો, તેમાં ધરખમ ઘટાડો થયો છે. રવિવારે સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૨.૮ ડિગ્રી જેટલો નોંધાયું હતું. જ્યારે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૧.૬ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૪.૨ ડિગ્રી નોંધાયું હતું.