નવી દિલ્હીઃ ભારત અને ફ્રાન્સની વચ્ચે મંગળવારે સિવિલ એવિયેશન ક્ષેત્રે સૌથી મહત્ત્વની સમજૂતી કરવામાં આવી છે. ન્યૂ એર ઈન્ડિયા-એર બસની વચ્ચે 250 એરક્રાફટની ડીલ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મેક્રોની સાથે વીડિયો કોન્ફરન્સ મારફત ડીલ કરવામાં આવી હતી.
ભારતીય એવિયેશન સેક્ટરને આગામી પંદર વર્ષમાં 2,000થી વધુ એરક્રાફ્ટની જરુર પડશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.
આ સોદામાં ટાટા ગ્રૂપની માલિકી હેઠળની એર ઈન્ડિયા માટે 40 એ350 વાઈડ બોડી લોંગ હોલ એરક્રાફટ અને 210 નેરો બોડી એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. એર બસના મુખ્ય કાર્યકારી ગુઈલૌમે ફાઉરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રતન ટાટા, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રો અને અન્ય નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં કહ્યું હતું કે એર ઈન્ડિયાને પુનર્જીવિત કરવામાં (મદદ કરવા) એરબસ માટે આ એક ઐતિહાસિક ક્ષણ છે. એરબસની સાથે આ સોદો એર ઈન્ડિયા દ્વારા 470 વિમાનનો સૌથી મોટો ઓર્ડરના હિસ્સાના ભાગ છે, જેમાં બોઈંગથી 220 વિમાનોનો ઓર્ડરનો પણ સમાવેશ થવાની અપેક્ષા છે. વડા પ્રધાન મોદીએ મીટિંગ દરમિયાન કહ્યુ હતું કે આ મહત્ત્વપૂર્ણ ડીલ ભારત અને ફ્રાન્સના ગાઢ સંબંધોની સાથે સાથે બંને દેશના સિવિલ એવિયેશન સેક્ટરની સફળતાના સંકેત આપે છે. અહીં એ જણાવવાનું કે એવિયેશન ક્ષેત્રના ઈતિહાસમાં આ સૌથી મોટા એરક્રાફ્ટનો ઓર્ડર છે. દરમિયાન વડા પ્રધાન મોદીએ ડીલ માટે ફ્રાન્સના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે ‘રિજનલ કનેક્ટિવિટી સ્કીમ’ મારફત દેશના દૂરના હિસ્સામાં પણ એર કનેક્ટિવિટી સાથે જોડાઈ રહ્યા છે, તેનાથી લોકોના આર્થિક અને સામાજિક વિકાસને પ્રોત્સાહન મળી રહ્યું છે. ભારતના ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘મેક ફોર ધ વર્લ્ડ વિજન’ અન્વયે એરોસ્પેસ મેન્યુફેકચરિંગમાં અનેક નવી તકોનું નિર્માણ થઈ રહ્યું છે, એવું વડા પ્રધાને જણાવ્યું હતું