કેરળના કોઝિકોડથી દમ્મામ (સાઉદી અરેબિયા) જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું તિરુવનંતપુરમ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. આ ફ્લાઈટમાં 182 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા અને પ્રવાસીઓ સલામત હોવાનું કહેવાઈ રહ્યું છે. મળી રહેલી માહિતી પ્રમાણે વિમાનના હાઇડ્રોલિક ગિયરમાં ખરાબી આવતા ફ્લાઇટ તાત્કાલિક લેન્ડિંગ કરાવવામાં આવી હતી.
તિરુવનંતપુરમ એરપોર્ટના અધિકારીઓએ આ મામલે જણાવ્યું હતું કે એટીસી પાસેથી મળેલી માહિતી બાદ ફ્લાઈટના ઈમરજન્સી લેન્ડિંગ માટેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી હતી. સવારે 9.45 વાગ્યે ટેક ઓફ કર્યા પછી, વિમાનની પાછળની પાછળના હિસ્સામાં સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. ફ્લાઈટના હાઇડ્રોલિક ગિયરને નુકસાન થયું હતું. જેના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું જરુરી બની ગયું હતું.
એરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાનને તિરુવનંતપુરમમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ મુસાફરોને દમ્મામ લઈ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ અરેબિયાની ફ્લાઈટમાં (Air Arbia Flight) ટેકનિકલ ખામી સર્જાતા તેનું કોચી એરપોર્ટ (Kochi Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. કોચી એરપોર્ટ પર લેન્ડિંગ વખતે એરક્રાફ્ટનું (Aircraft) હાઈડ્રોલિક્સ ફેઈલ થઈ ગયું હતું. આ ફ્લાઈટમાં 7 ક્રૂ મેમ્બરો (Crew Member) સિવાય 222 મુસાફરો સવાર હતા. જો કે ફ્લાઈટ સારી રીતે લેન્ડ થતા મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.