Homeમેટિનીઐ વતન મેરે વતન આબાદ રહે તૂ, મૈં જહા રહૂં જહાંમેં યાદ...

ઐ વતન મેરે વતન આબાદ રહે તૂ, મૈં જહા રહૂં જહાંમેં યાદ રહે તૂ…

રંગીન ઝમાને -હકીમ રંગવાલા

“વિજય દિવસ પાકિસ્તાન સામે યુદ્ધ કરીને પાકિસ્તાનના બે ભાગ કરીને આજના દિવસે બાંગ્લાદેશનું સર્જન થયું. જવાનો,સેના,અમલદારો અને વડા પ્રધાનને અનેક અભિનંદન. આજે ૧૬ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ આપણે ૫૦મો વિજય દિવસ ઉજવી રહ્યા છીએ.
હિન્દી લેખક કમલેશ્ર્વરના ઘરે મિત્રોની એક મહેફિલ મળી હતી અને કમલેશ્ર્વરે પ્રસ્તાવ મૂક્યો કે,આપણે ફક્ત લેખક અને સાહિત્યકાર તરીકે રહીએ એનું કોઈ મૂલ્ય નથી, પણ આજે જ્યારે સમાચાર સતત આવતા રહે છે કે પાકિસ્તાની સૈનિકો બાંગ્લા લોકો પર અત્યાચાર કરે છે ત્યારે આપણે કોઈક રીતે સામાજિક નિસબત નિભાવવી જોઈએ અને એ માટે આપણે બાંગ્લા સરહદ પર જઈને આપણાથી થઈ શકે તે જવાબદારી નિભાવવી જોઈએ. આ વાત સાંભળીને દસ લોકોએ હાથ ઊંચા કર્યા કે અમે સહમત છીએ.
જે દિવસે જવાનું નક્કી કર્યું એ દિવસે કમલેશ્ર્વરના ઘરે એક પણ સાહિત્યકાર હાજર ન રહ્યો અને એકલો કમલેશ્ર્વર નીકળી પડ્યો અને બાંગ્લા સરહદ પર પહોંચીને રેડિયો પર એના અહેવાલ દેવા લાગ્યો.
કમલેશ્ર્વરે હિન્દી ફિલ્મો રંગ બેરંગી, છોટી સી બાત, આંધી, રામ બલરામ, ધ બર્નિંગ ટ્રેન જેવી ફિલ્મોની સ્ટોરી પણ લખી છે.
કમલેશ્ર્વર જેવા સાહિત્યકાર જેઓ સામાજિક નિસબત દિલથી ધરાવતા હોય એવા જવલ્લે જ જોવા મળશે.આજના વિજય દિવસે એક સલામ સાહિત્યકાર કમલેશ્ર્વરને પણ થઈ જાય!
૧૯૭૧નાં ભારત-પાકિસ્તાન યુદ્ધ વિષયક પહેલી ફિલ્મ મુકુલ આનંદના ભાઈ રવિ આનંદે પ્રોડ્યુસ કરેલી અને એનું દિગ્દર્શન સ્વાભાવિક રીતે ચેતન આનંદને સોંપ્યું, કારણ કે ચેતન આનંદે અગાઉ ભારત-ચીન યુદ્ધ પર એક સફળ ફિલ્મ બનાવેલી ‘હકીકત’ નામની. ‘હિન્દુસ્તાન કી કસમ’ નામની આ ફિલ્મમાં રાજકુમાર અને પ્રિયા રાજવંશ સાથે નાનકડી ભૂમિકા અમજદ ખાને પણ ભજવેલી જે આગળ જતાં ફિલ્મ ‘શોલે’ના જાણીતા વિલન ગબ્બર સિંહ બન્યા! ચેતન આનંદના ભાઈ વિજય આનંદની પણ નાનકડી ભૂમિકા ફિલ્મમાં હતી, આ ચેતન આનંદ અને વિજય આનંદ મશહૂર અભિનેતા દેવ આનંદના ભાઈઓ હતા!
આ ફિલ્મ ચાલી નહીં પણ ભારત-પાક ૧૯૭૧ યુદ્ધ વિષયક ફિલ્મો બનતી રહી. ‘આક્રમણ’, ‘વિજેતા’, ‘૧૯૭૧’ અને ‘૧૬ ડિસેમ્બર’ નામની ફિલ્મો બનતી રહી છે પણ સૌથી સફળ યુદ્ધ
ફિલ્મ જે.પી.દતાની મલ્ટીસ્ટારર ફિલ્મ ’બોર્ડર’
રહી છે!
૨૦૧૭માં સંકલ્પ રેડ્ડી એ દિગ્દર્શિત કરેલી ફિલ્મ ’ધ ગાઝી એટેક’ હિન્દી અને તેલગુ બે ભાષામાં બનાવેલી જે ભારત-પાકિસ્તાન યુદ્ધની એક નિર્ણાયક ઘટના પરથી બનાવેલી. આ ફિલ્મ હિન્દીમાં ઠીક-ઠીક ગઈ અને તેલગુમાં સુપરહીટ થઈ અને સાઉથની બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ જીતી ગઈ!
૧૯૭૧ના યુદ્ધની એક જાસૂસી નવલકથા ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી શ્રી હરિન્દર સિક્કાએ ‘કોલિંગ સહમત’ નામથી લખી અને એ નવલકથા સુપરહિટ થઈ બેસ્ટ સેલર બની. આ નવલકથા સત્યઘટના આધારે લખાયેલી અને એના પરથી ફિલ્મ બનાવવાના હકો ખરીદીને કરણ જોહર અને વિનીત જૈને એક ફિલ્મ બનાવી ‘રાઝી’ નામથી. આ ફિલ્મનું દિગ્દર્શન, ડાયલોગ અને પટકથા પણ મેઘના ગુલઝારે ભવાની ઐયર સાથે મળીને લખી. સંગીત વિભાગ શંકર અહેસાન લોયને સોંપવામાં આવ્યો અને કલાકારોમાં વિકી કૌશલ, જયદીપ આહલાવત, રજીત કપૂર જેવા કસબીઓ સાથે મુખ્ય ભૂમિકામાં આલિયા ભટ્ટને લઈને ચારથી પાંચ મહિનામાં જ માલેર કોટા, પતિયાલા, નાભા વગેરે લોકેશન પર ફિલ્મ શૂટ કરી!
આલિયા ભટ્ટે આ ફિલ્મમાં ગજબનું કાઠું બતાવ્યું છે અભિનયનું! નખશીખ વ્યક્તિત્વ અભિનય કરે એટલે શું એ જોવું સમજવું હોય તો આ ‘રાઝી’ ફિલ્મ જોઈ લેવી! આલિયા ભટ્ટના પગના અંગુઠાના નખથી લઈને માથા પરના એક-એક વાળ અભિનય કરે છે!
ભારતીય જાસૂસી સંસ્થા ‘રો’ વતી કામગીરી કરતા પિતાની દીકરી સહમત ખાન એટલે કે આલિયા ભટ્ટ પોતાના પિતાના પગલે ચાલીને ભારત દેશ માટે જાસૂસ બનવાનું કામ સ્વીકારે છે અને આ કામગીરી અંતર્ગત જ પાકિસ્તાની લશ્કરી અફસરના ઘરમાં વહુ બનીને જાય છે શાદી કરીને!
એક પછી એક બનતા દિલધડક પ્રસંગો અને કાબેલ દિગ્દર્શન સાથે ચુસ્ત પટકથા અને જબરદસ્ત એડીટિંગને કારણે ‘રાઝી’ ફિલ્મ જબરદસ્ત કમાણી તો કરી જ ગઈ પણ એવોર્ડની રેસમાં પણ સૌથી ટોપ પર રહીને છવાઈ ગઈ. ૧૫ નોમિનેશન અને એમાંથી કુલ પાંચ એવોર્ડની પ્રાપ્તિ આ ફિલ્મે કરી! બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેકટર, બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ લિરિકસ અને બેસ્ટ મેલ પ્લેબેકના એવોર્ડ ‘રાઝી’ ફિલ્મ એ કબજે કર્યા!
આલિયા ભટ્ટની શ્રેષ્ઠ અદાકારીના ફિલ્મો જ્યારે યાદ કરવામાં આવશે ત્યારે ‘રાઝી’ ફિલ્મ પ્રથમ હરોળમાં બિરાજશે અને ભારત-પાકિસ્તાન યુદ્ધ ૧૯૭૧ વિષયક ફિલ્મો જ્યારે યાદ કરવામાં આવશે ત્યારે ‘રાઝી’ ફિલ્મ પ્રથમ હરોળમાં હકથી બિરાજશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular