મેડિકલ ઈમરજન્સી બાદ સોમવારે રાત્રે ન્યૂયોર્કથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને લંડન ડાયવર્ટ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્લેનમાં હાજર એક પેસેન્જરે વિમાનના ટેકઓફ કર્યા બાદ બેચેની અને તબિયત બગડવાની ફરિયાદ કરી હતી, જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સાથે જ મેડિકલ ઈમરજન્સી જાહેર કર્યા બાદ લંડનના હીથ્રો એરપોર્ટ પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં એમ કહેવામાં આવ્યું હતું કે એમ્બ્યુલન્સ અને આરોગ્ય વિભાગની ટીમ રનવે પર તૈનાત છે. જેવી ફ્લાઈટ લેન્ડ થશે, ત્યારે પેસેન્જરને નીચે ઉતરતાની સાથે જ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ પછી તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ ફ્લાઈટ નંબર AI-102 ન્યૂયોર્કથી નવી દિલ્હી જવા રવાના થઈ હતી. આ ફ્લાઇટમાં 350થી વધુ લોકો પ્રવાસ કરી રહ્યા હતા. ફ્લાઇટમાં એક મુસાફરની તબિયત લથડી હતી. તુરંત એર ટ્રાફિક કંટ્રોલર (ATC)ને આની જાણ કરવામાં આવી હતી. એટીસીએ વિમાનને નજીકના લંડન એરપોર્ટ તરફ વાળ્યું હતું. એર ઈન્ડિયાએ મીડિયામાં નિવેદન આપ્યું હતું કે હીથ્રો એરપોર્ટ પર અમારો ગ્રાઉન્ડ સ્ટાફ એલર્ટ પર હતો.