ભગવાન જગન્નાથની રથયાત્રા: દર્શન કરવા ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, સમગ્ર વાતાવરણ ‘જય જગન્નાથ’ના નાદથી ગુંજી ઉઠ્યું

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

બે વર્ષ બાદ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીની અમદાવાદમાં રંગેચંગે નગરયાત્રા નીકળી છે. કોરોનાના બે વર્ષ દરમિયાન ભક્તો વગર રથયાત્રા નીકળેલી, ત્યારે આજે રથયાત્રાના દર્શન કરવા હજારો ભક્તો ઉમટી પડ્યા છે.


આજે વહેલી સવારે ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભગવાન જગ્ગનાથની મંગળા આરતી કરી હતી. ત્યાર બાદ સવારે 5.30 વાગ્યે ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ જમાલપુર ખાતેના નિજ મંદિરે પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ભગવાનના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરો વાળીને પહિંદવિધિ કરી હતી અને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રા ધીરે ધીરે નિયત રૂટ પર આગળ વધી રહી છે. ત્યારે સમગ્ર વાતાવરણ જાય જગન્નાથના નાદ થી ગુંજી ઉઠ્યું છે.

ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું ઈન્દ્રદેવ પણ જાણે સ્વાગત કરતા હોય એમ રથયાત્રા દરમિયાન સરસપુર, જમાલપુર, ખાડિયા, કાલુપુર, ઢાળની પોળ અને કોર્પોરેશન વિસ્તારમાં હળવો વરસાદની વરસ્યો હતો. ત્રણેય રથ અમદાવાદ મ્યુની.કોર્પોરેશન ખાતે 10 મિનિટ રોકાયા હતા. અમદાવાદના મેયર અને ડેપ્યુટી મેયરે ભગવાનને હાર પહેરાવી દર્શન કર્યા હતા.

રથયાત્રાના રૂટ પર કોમી એખલાસનો પરિચય આપતા મુસ્લિમ ભાઈઓએ ભગવાન જગન્નાથના દર્શન કરવા આવેલા ભક્તો માટે ઠંડા સરબતનું આયોજન કર્યું  છે અને શ્રદ્ધાળુઓને આ પવન પર્વની શુભકામના પાઠવી હતી.


ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર તથા બહેન સુભદ્રાજીના રથ સિવાય 101 સુશોભિત ટ્રક જોડાયા છે.

તેમજ 18 શુસોભિત ગજરાજો, ભજન મંડળીઓ અને અખાડાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથ પહોંચે છે ત્યારે દર્શન કરવા આવતા તમામ ભક્તો માટે જમણવાર યોજવામાં આવે છે. સરસપપુરમાં કુલ ૧૫ રસોડા તૈયાર કરાયા છે. બે લાખથી વધુ ભક્તો પૂરી-શાક, બુંદી, મોહનથાળ, ફૂલવડી, ખીચડીનું ભોજન લે તેવો અંદાજ છે.

વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથની આસપાસ RAFના જવાનો ગોઠવવામાં આવ્યા છે. જગતના નાથની નગરચર્યાના બંદોબસ્તમાં આ વર્ષે 25,000 જેટલા વિવિધ રેન્કના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ખડેપગે રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.