અમદવાદ: શ્રમિકોની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામીઓ સામે આવી, મેયરે તપાસના આદેશ આપ્યા

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

અમદાવાદમાં આજે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની નિર્માણાધીન બિલ્ડીંગના 13મા માળેથી માચડો તૂટી પડતાં આઠ શ્રમિકો નીચે પટકાયા હતાં. જેમાં સાતના મોત થયાં છે અને એકને ગંભીર ઈજા પહોંચી છે. પ્રાથમિક તપાસ બાદ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આઠ શ્રમિકો બિલ્ડીંગના 13મા માળે માચડા પર ઉભા રહી લિફ્ટ બનાવવા માટેનું કામ કરી રહ્યા હતાં. ભારે વજનના કારણે માચડો તૂટ્યો હતો જેથી આઠેય શ્રમિકો એક સાથે નીચે પડ્યા હતા. સુરક્ષા માટે 8માં માળે નેટ પણ બાંધવામાં આવી હતી. પરંતુ ભારે વજનના કારણે નેટ પણ તૂટી પડી હતી જેને કારણે શ્રમિકો નીચે પટકાયા હતા. જેમાં 2 શ્રમિકો ગ્રાઉન્ડ ફ્લોર પર પડ્યા હતા જ્યારે 6 શ્રમિકો બેઝમેન્ટ-2માં પડ્યા હતા. બેઝમેન્ટમાં પાણી ભરાયેલું હોવાથી શ્રમિકોના લોહીથી પાણીનો રંગ પણ લાલ થઈ ગયો છે. મૃતદેહને PM માટે સોલા સિવિલ હોસ્પિટલ જઈ જવાયા છે.
મળતી માહિતી મુજબ આ ઘટના સવારના 9.30 વાગ્યે બની હતી. પરંતુ આ અતિ ગંભીર ઘટનાની જાણ પોલીસને એક કલાક બાદ 10.30 વાગ્યે કરવામાં આવી હતી. જેને લઈને અનેક તર્ક વિતર્કો થઇ રહ્યા છે. આ ઘટના બનતા સાઈટ સુપરવાઈઝર ઓફિસમાં લાઈટ-પંખા-એસી ચાલુ મૂકી ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ શૈલેષભાઈ નામની વ્યક્તિ સાઇટ સંભાળે છે. કલાકો બાદ તેઓ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકોની તપાસ કરવા માટે આવ્યા હતા, ત્યારે મીડિયાએ તેમને સવાલ કરતા તેઓ મીડિયાથી ભાગતા જોવા મળ્યા હતા.
આ સમગ્ર મામલે ડિવિઝન ના SP એલ બી ઝાલાએ જણાવ્યું કે, આ ઘટના સંદર્ભે હાલ અકસ્માતે મોત નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. લોકો બિલ્ડરો કોણ છે તે અંગે નામ આપતા પણ અટકાતા હતા. કન્સ્ટ્રક્શન સાઇટ પર સેફટીના તમામ નિયમોનું પાલન થયું છે કે નહીં તે પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે.
અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું હતું કે, પોલીસ અને કોર્પોરેશનને મોડા જાણ કરી છે તે મામલે પોલીસ તપાસ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું કે, અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે.
એક પરિવારે આ દુર્ઘટનામાં દીકરો અને ભત્રીજો ગુમાવ્યો છે. મૃતકો સંજયભાઈ બાબુભાઇ નાયક અને અશ્વિનભાઈ સોમાભાઈ નાયક એક જ પરિવારના દીકરા છે. બંનેની ઉંમર 20-20 વર્ષની હતી.
મળતી માહિતી મુજબ નિર્માણાધીન ઈમારતની માલિકી એડોર ગ્રૂપની છે. જેના માલિક વિકાસ શાહ અને આશિષ શાહ હોવાનું જાણવા મળ્યું છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.