મધરાતે અમદાવાદ અચાનક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું, લોકોના જીવ તાળવે ચોંટ્યા, જાણો શું હતી ઘટના

આપણું ગુજરાત

દિવસ રાત ધમધમતા અમદાવાદ શહેરને ગઈ કાલે મોડી રાત્રે અચાનક પોલીસ છાવણીમાં ફેરવી દેવાતા ફફડાટ ફેલાયો હતો. પોલીસ દ્વારા બુધવારે રાતે 11.30 વાગ્યે શહેરના નાકાઓ-રસ્તાઓ-બ્રીજ પર અચાનક ટ્રાફિક રોકી દેવામાં આવ્યો હતો. શહેરમાં લોકો જ્યાં હતા ત્યાં જ રોકી દેવામાં આવતા લોકોમાં કંઇક અમંગળ થયાનો ડર ફેલાયો હતો. હકીકતે આ પોલીસ તંત્રની સતર્કતા ચકાસવા માટેનું એક સ્પેશિયલ ઓપરેશન હતું. એક કલાક સુધી ચાલેલા આ ઓપરેશન દરમિયાન લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
જાણો શું હતું આ સમગ્ર ઓપરેશન
મળતી માહિતી મુજબ બુધવારે રાત્રે કન્ટ્રોલ રૂમમાંથી મેસેજ આવ્યો હતો કે એક સિલ્વર કલરની કારમાં ચાર શકમંદો ફરાર થઇ ગયા છે, જેના પકડવા ખુબ જરૂરી છે. તુરંત જ આખા શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી. તેમજ બેરીકેડિંગ કરી દેવામાં આવ્યું હતું. મોટી સંખ્યમાં પોલીસ જવાનો રસ્તાઓ પર તૈનાત થઇ ગયા હતા. પોલીસ દ્વારા એક એક વાહનને ચેક કરવામાં આવી રહ્યા હતા, તેમજ શંકા પડે તો લોકોની પૂછપરછ પણ કરવામાં આવતી હતી. જોકે, આ સમગ્ર ઘટનાક્રમ અંગે શહેરીજનો અજાણ હતા. પોલીસની આ કાર્યવાહીને પગલે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો કે અચાનક જ આટલી મોટી સંખ્યામાં પોલીસ કેમ એક્શનમાં આવી ગઈ. અંતે અમદાવાદ પોલીસ જે સિલ્વર કલર કારની શોધમાં હતી એ શકમંદ કારને પકવાન ચાર રસ્તા પાસે જ પકડી લેવામાં આવી હતી. આ પકડેલી સિલ્વર કારમાંથી પોલીસકર્મીઓ જ નીકળ્યા હતા.
આ ઓપરેશન અંગે માહિતી આપતા અમદાવાદ શહેરના સંયુક્ત પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ પ્રક્રિયાને લોકડાઉન પ્રક્રિયા કહેવામાં આવે છે. જે ગઈ કાલે રાત્રે એક કલાક સુધી ચલાવવામાં આવી હતી. કોઈપણ સંજોગોમાં પોલીસ એલર્ટ કરવા માટેની આ પ્રક્રિયા છે. પોલીસ કંટ્રોલરૂમથી મેસેજ કર્યા બાદ પોલીસ કેટલી ઝડપી કાર્ય કરે છે તે જાણવા આ ઓપરેશન કરાયું હતું. આ માત્ર એક પોલીસ અભ્યાસ જ હતો.
નોંધનીય છે કે અમદાવાદમાં આગામી ૧લી જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાવાની છે. બીજી તરફ આતંકવાદી સંગઠનોએ દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં હુમલા કરવાની ધમકી આપી છે, ત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા પોલીસ કેટલી એલર્ટ છે એ જાણવા શહેરને લોક કરવામાં આવ્યું હતું

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.