ગુજરતમાં લગ્ન પ્રસંગમાં દારૂની રેલમછેલ અને ફાયરીંગની ઘટના બાદ અમદાવાદમાં મિત્રના લગ્નમાં જુગાર રમતા 89 શખ્સોને પોલીસે પકડી પાડ્યા છે. અમદાવાદના પ્રિતમનગર વિસ્તારમાં એક લગ્નપ્રસંગ દરમિયાન લોકો જુગાર રમતા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે દરોડો પાડી 89 શખ્સોને રંગે હાથે ઝડપી લીધા હતા. આવતીકાલે વરરાજાના લગ્ન છે ત્યારે તેના મિત્રો હાલ પોલીસ લોકઅપની હવા ખાઈ રહ્યા છે.
પ્રિતમનગર વિસ્તારમાં આવેલા નીલકમલ ફ્લેટમાં રહેતા વણિક પરિવારમાં દીકરાનાં લગ્ન છે. એક તરફ લગ્નનો ધમધમાટ ચાલી રહ્યો હતો તો ઉપરના ફ્લેટમાં જુગાર રમાઈ રહ્યો હતો. એલિસબ્રિજ પોલીસને બાતામી મળી હતી કે 100થી વધુ જીગારીઓ મળીને જુગાર રમી રહ્યા છે. પોલીસે દરોડો પાડી 89થી વધુ શખ્સોને પકડી પડ્યા હતા. તમામને પોલીસ સ્ટેશન લઇ જવાતા પોલીસ સ્ટેશનમાં ભીડ થઇ પડી હતી..
પોલીસે જુગારીઓ પાસેથી 35થી વધુ વાહનો જેમા 20થી વધુ કાર કબજે કરી છે. આ ઉપરાંત 150થી વધુ મોબાઇલ સહીત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. લગ્નમાં મહેમાન બનીએ આવેલા લોકો અત્યારે પોલીસની મહેમાનગતિ માણી રહ્યા છે.
પોલીસ તમામની સામે કાર્યવાહી કરી રહી છે.