અમદાવાદના મણિનગર વિસ્તારના ભૂલાભાઈ ચાર રસ્તા પાસે આવેલી કર્ણ હોસ્પિટલમાં ગઈ કાલે માતા અને પુત્રીની લાશ મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. આ મામલે પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 15 વર્ષથી હોસ્પિટલમાં કામ કરતા કમ્પાઉન્ડરે જ આ હત્યાઓ કરી હોવું સામે આવ્યું છે. ડોક્ટરની ગેરહાજરીમાં કમ્પાઉન્ડર જાતે જ ઓછા રૂપિયે ઓપરેશન કરી આપવાનો ગોરખધંધો ચલાવતો હતો. ગઈ કાલે આવી જ રીતે ઓપરેશન કરવા જતા એનેસ્થેસિયાનો ઓવરડોઝ આપી દેતા ભારતી બેનનું મોતની પજ્યું હતું. મામલો છુપાવા કમ્પાઉન્ડરે ચંપાબેનની હત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદના મણિનગરમાં આવેલી કર્ણ હોસ્પિટલમાં મનસુખ નામનો શખ્સ 15 વર્ષથી કમ્પાઉન્ડર તરીકે કામ કરે છે. મનસુખ દેવાદાર થઈ ગયો હતો એટલે ઝડપથી રૂપિયા કમાઈ લેવાની લાલચે તેણે હોસ્પિટલમાં જ ગોરખધંધો ચાલુ કર્યો. મનસુખ દર્દીઓને ઓછા રૂપિયામાં ઓપરેશન કરાવી આપવાની લાલચ આપતો, અને જાતે જ ઓપરેશન કરતો હોવાનો ખુલાસો થયો છે. મનસુખ ઓપરેશન કરે ત્યારે ક્લિનિકના સીસીટીવી કેમેરા બંધ કરી દેતો.
ભારતીબેન વાળા નામની મહિલા પોતાના પતિથી અલગ થઇ માતા ચંપાબેન સાથે રહેતી હતી. ભારતીબેનના કાનમાં તકલીફ હતી, સારવાર માટે માતા સાથે કર્ણ હોસ્પિટલમાં ગઈ હતી. ઓપરેશન માટે ડોકટરે તેમને 30,૦૦૦ રૂપિયા થશે એમ કહ્યું હતું. આ રકમ તેઓ ચૂકવી શકે તેમ ન હતા. મોકાનો લાભ લઇ મનસુખે તેમને જાળમાં ફસાવ્યા હતા. રૂ.૩૦,૦૦૦ને બદલે રૂ.5,000માં જ ઓપરેશન કરાવી આપશે એવું તેમને કહ્યું.
ભારતીબેન માતા ચંપાબેન સાથે ગઈ કાલે સવારે ડોક્ટર આવે એ પહેલા હોસ્પિટલ પહોંચ્યા હતા. મનસુખ CCTV કેમેરા બંધ કરી તેમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયો હતો. મનસુખે જાતે જ એનેસ્થેસિયાનું ઈન્જેક્શન ભારતીબેનને આપ્યું પરંતુ બહુ અસર થઈ નહીં, એટલે મનસુખે એનેસ્થેસિયાનો બીજો ડોઝ આપ્યો હતો. જેને કારણે ભારતીબેનનું મૃત્યુ નીપજ્યું, નજર સામે દીકરીનું મોત થતા ચંપાબેન બેભાન થઈ ગયા હતા મનસુખે તેમનું ગળું દબાવીને હત્યા કરી હતી.
આ બાદ મનસુખ ગભરાઈ ગયો હતો. બહાર હોસ્પિટલ સ્ટાફ અને ડોક્ટરનો આવવાનો સમય થઇ ગયો હોવાથી મનસુખે ભારતીબેનની લાશને ગેસ મૂકવાના કબાટમાં છુપાવી દીધી હતી અને ચંપાબેનની લાશને ઓપરેશન થિયેટરના બેડ નીચે છુપાવી દીધી હતી, ત્યાર બાદ ફરાર થઇ ગયો હતો.
હોસ્પિટલના અન્ય સ્ટાફ કબાટમાંથી કોઈ વસ્તુ મૂકવા ગયા ત્યારે ભારતીની લાશ મળી આવી હતી. આ અંગે ડોક્ટરને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોલીસને માહિતી આપવામાં આવી હતી. પોલીસે મનસુખને પકડી પાડ્યો છે પૂછપરછ દરમીયાન તેણે ગુનો કબુલ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તેણે રૂપિયાની લાલચમાં બીજા કેટલા લોકોની હત્યા કરી છે અને ઓપરેશન કર્યાં છે તે દિશામાં તપાસ થઇ રહી છે.
અમદાવાદ: હોસ્પિટલમાં માતા-પુત્રીની હત્યા અંગે ચોંકાવનારો ખુલાસો, કમ્પાઉન્ડર જ હત્યારો નીકળ્યો
RELATED ARTICLES