અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે. લુંટ-ચોરી બાદ હત્યાના એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. વસ્ત્રાપુર લેક પાસે સરેઆમ હત્યાનો બનાવ બન્યો છે. ગઈ કાલે રાત્રે વસ્ત્રાપુર લેક ગાર્ડનમાં મજુરી કામ કરતા અને ગાર્ડનમાં જ રહેતા યુવકને અજાણ્યા શખ્સે પાવડાથી ઘા મારીને હત્યા નિપજાવી હતી. આ હત્યા કોણે અને કયા કારણોસર કરી તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઈ છે.
મળતી માહિતી મુજબ વસ્ત્રાપુર લેકમાં દીવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ગઈકાલે રાતે 9 વાગ્યાના અરસામાં તળાવ પાસે ગાર્ડનમાંથી એક ખાટલા પર 30 વર્ષીય મજૂરની લોહીથી ખરડાયેલી લાશ મળી હતી. લાશના ગળા તથા માથામાં ભાગે તીક્ષ્ણ હથિયાર વડે ઘા કરાયેલા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરુ કરી હતી.
પોલીસે મેળવેલા સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એક અજાણ્યો શખ્સ પાવડો લઈને ખાટલા પર સુતેલા મજુર પર તૂટી પડે છે. મૃતક મજૂર ઊંઘમાં હોય બચવાનો પ્રયત્ન પણ ના કરી શક્યો. હત્યારાએ માથા અને ગળામાં 11 ઘા મારતાં મજૂરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હત્યાનો બનાવ બન્યો ત્યારે લેક ગાર્ડનમાં લોકો ચાલતા જોવા મળે છે. હત્યારાને મજુર પર ઘા કરતા જોતા જ લોકો નાસી છૂટ્યા હતા.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસમાં હત્યાના સંખ્યાબંધ બનાવ સામે આવ્યા છે. બે દિવસ પહેલા જ કાલુપુરમાં ધોળા દિવસે ભરબજારમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. જેમાં એક યુવકનું મોત થયું હતું. ચાર દિવસ પહેલા અમદાવાદના ભુવલડી ગામમાં બે મહિલાની ગળાં પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે. ગોમતીપુરમાં આડાસંબંધ મામલે એક કિશોરીની હત્યા થઇ હતી.