આજે અમદાવાદનો જન્મદિવસ. ગુજરાતનું સૌથી ધમધમતું અને ધબકતું આ શહેર પર્યટકો માટે હંમેશાં ફેવરિટ રહ્યું છે. એરપોર્ટની સુવિધા, સારી હોટલોની સુવિધા ઉપરાંત અહીં પ્રાચીન અને અર્વાચીન એમ બન્ને જગ્યાઓ છે જેનો લાભ મળે છે. ઢાલગરવાડ જેવા ગીચ ટીપીકરલ બજારથી માંડી હાઈફાઈ મોલ્સ કે પછી રાષ્ટ્રપિતા ગાંધીજીના બે આશ્રમથી માંડી સાયન્સ સિટી કે અટલ બ્રીજ. સમયાંતરે શહેરમાં પર્યટકોમાં આકર્ષણ જગાડનારા સ્થળો ઉમેરાતા જાય છે. બે-ત્રણ દિવસ રહો તો પણ મુલાકાત લઈ સંતોષ ન થાય તેવા આ શહેરના ઘણા એવા સ્થળ છે જે ન જોય તો અમદાવાદ જોયું ન કહેવાય. બીજી એક ખાસ વાત. આ શહેર કોમી રમખાણો માટે બદનામ છે, પરંતુ પર્યટનની દૃષ્ટિએ જુઓ તો હિન્દુ અને મુસ્લિમ સભ્યતા અને ધર્મ તેમ જ શિલ્પ સ્થાપત્યના પુરાવા અહીં એકસરખા પ્રમાણમાં મળી રહે છે અને તેની જાળવણી પણ કરવામાં આવી છે, તો ચાલો લટાર મારીએ અમમમમમદાવાદની…
કોચરબ આશ્રમ-સાબરમતી આશ્રમ – સાબરમતી નદીં કિનારે આવેલા આ આશ્રમને અમદાવાદીઓ ગાંધી આશ્રમ તરીકે જ ઓળખે છે. ગાંધી આશ્રમ એ ગાંધીજીનું આઝાદી પહેલાનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતીને કિનારે બેસીને પ્રાર્થના કરતાં હતાં. તમામ રાજકીય મહાનુભાવો અહીં આવે એટલે આ આશ્રમની મુલાકાત લે અને રેંટિયો કાંતતો તેમનો ફોટો બીજે દિવસે અખબારમાં આવે. અનેક વિદેશીઓ આશ્રમની મુલકાત લે છે.
અહી ગાંધીજીની જૂની વસ્તુઓ પણ મુકવામાં આવેલી છે. જોકે કોચરબ આશ્રમ સાબરમતી પહેલા બનેલો આશ્રમ અને ગાંધીજીનું રહેઠાણ. પાલડી વિસ્તારમાં આવેલો આ આશ્રમ થોડો ઓછો જાણીતો છે, પણ અચૂક મુલાકાત લેવા જેવી છે. બન્ને આશ્રમોમાં આજે પણ એટલી જ શાંતિ-સ્વચ્છતા અને ભક્તિનો અનુભવ થાય.
કેલિકો મ્યુઝિયમ – ઉદ્યોગપતિ ગૌતમ સારાભાઇ અને તેની બહેન ગીરા સારાભાઇ દ્વારા આ સંગ્રહાલયની સ્થાપના 1949માં કરવામાં આવી હતી. તે સમયે અમદાવાદ એક સમૃદ્ધ કાપડ ઉદ્યોગ કેન્દ્ર હતું. આ સંગ્રહાલય અમદાવાદ કાપડ ઉદ્યોગ ક્ષેત્રના હાર્દ વિસ્તારની કેલિકો મિલ્સ ખાતે રાખવામાં આવ્યું હતું. પરંતુ સંગ્રહાલયનો સંગ્રહ વધવાને કારણે સંગ્રહાલય 1983માં તેને શાહીબાગમાં આવેલા સારાભાઈ હાઉસમાં ખસેડવામાં આવ્યું હતું. અમદાવાદ તેની ટેક્સટાઈલ્સ મિલોને લીદે જ ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે.
હઠીસિંહનાં દેરાં – હઠીસિંહનાં દેરાં, કે જે હઠીસિંહની વાડી પણ કહેવાય છે, તે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના શહેર અમદાવાદમાં આવેલાં જૈન દેરાસરો છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૮૪૮માં કરાવવામાં આવ્યું હતું. અહીંનું આર્કિટેક્ટ તમને મોહી લે તેવું છે.
સીદી સૈયદની જાળી – સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જાળીઓ છે. આ મસ્જિદમાં ઈસ્લામધર્મીઓ નમાઝ પઢે છે. અહીં હિન્દુઓ અને વિદેશીઓ તમરે અચૂક જોવા મળશે. માત્ર જાળીની કોતરણી જોવા લોકો અહીં આવે છે અને આ નાનકડી જગ્યામાં કલાકો વિતાવે છે. અહીં નજીકમાં આવેલી લકી ચાની દુકાને પણ લોકો જાય છે કારણ કે એક સમયે મશહૂર ચિત્રકાર એમએફ હુસૈન અહીં બેસી ચિત્રો બનાવતા હતા. આ ચાની દુકાનમાં તેમની યાદો હજુ જીવંત છે.
ભદ્રનો કિલ્લો – ભારતમાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ, અમદાવાદની દિવાલવાળા શહેરના વિસ્તારમાં સ્થિત, ભદ્રનો કિલ્લો વર્ષ 1411 માં અહમદ શાહ દ્વારા બનાવવામાં આવ્યો હતો. કિલ્લામાં સુંદર કોતરણીવાળી મસ્જિદો, શાહી મહેલો, દરવાજા અને ખુલ્લી જગ્યાઓ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા 2014 માં કિલ્લાનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ સ્થળે બેસી હજુયે પરંપરાગત અમદાવાદનું ચિત્ર તમારી સમક્ષ ઊભું થઈ જશે.
સરખેજ રોઝા – સરખેજ રોઝા એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. કંઈક અલગ જ રીતે બનાવવામાં આવેલા આ સ્થળને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના “એથેન્સના એક્રોપોલિસ”ની સાથે સરખાવવાથી “અમદાવાદનો એક્રોપોલિસ” તરીકે પણ ઓળખવામાં આવે છે.
માણેક ચોક – મુંબઈ જેવા શહેરોમાં જે નાઈટ લાઈફનો કોન્સેપ્ટ છે તે અમદાવાદમાં રાત બજારી તરીકે વર્ષોથી જોવા મળે છે. આ ચોક સવાર દરમિયાન શાકભાજી બજાર તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે બપોર દરમિયાન ઘરેણાં બજાર હોય છે, પણ રાત્રે અહીં જાઓ એટલે સ્પેશિયલ ઢોસા, ચોકલેટ અને પાઈનેપલ સેન્ડવીચ, ગાઠિયા, ગોલા જેવી અનેક સ્વાદિષ્ટ વસ્તુઓનો છપ્પનભોગ તમને મળશે. રાત્રે અગિયાર વાગ્યા બાદ અહીં લોકો ભીડ જમાવે છે અને અડધી રાત સુધી અહીં મિજબાની પિરસાઈ છે. આખું અમદાવાદ બંધ થઈ જાય પછી, પણ માણેકચોક તમને ભૂખ્યા સૂવા નહીં દે.
જામા મસ્જિદ – જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયે આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમદ શાહ, તેમના પુત્ર, અને તેમના પૌત્રની કબર આવેલી છે જે અહમદ શાહ રોજા તરીકે ઓળખાય છે અને નજીકમાં જ તેમની પત્નીઓની કબર પણ આવેલી છે જે રાણીના હજીરા તરીકે ઓળખાય છે. ખૂબ જ વિશાળ પટ્ટાંગણ ધરાવતી આ મસ્જિદમાં તમામ આસ્થાના લોકો આવે છે. અહીં પાંચ મિનિટ પણ બેસો તો શાંતિ મળે છે.
સાયન્સ સિટી – સાયન્સ સિટીના આકર્ષણોમાં 499 ના દરમાં મુખ્ય પ્રવેશ, એકવેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી, 5ડી થિયેટર, 1 વિઆર રાઈડ, થ્રિલ રાઈડ, મિશન ટુ માર્સ રાઈડ, 4ડી થિયેટર, અર્થકવેક એકસીપીયન્સ રાઈડ અને કોલ માઇન રાઈડનો સમાવેશ થાય છે. બાળકો અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ફેવરિટછે. એક આખો દિવસ પણ ઓછો પડે તેટલી વિવિધતા અહીં છે.
કાંકરિયા તળાવ -શહેરના હૃદય સમુ આ તળાવ આજે પણ અમદાવાદીઓની સૌથી લોકપ્રિય જગ્યા. અહીં સવારે જોગિંગ કરનારા અને સાંજે મિત્રો સાથે લટાર મારનારાની ખૂબ જ મોટી સંખ્યા
છે. બાળકો માટે પણ અહીં ઘણા આકર્ષણ છે.
સાબરમતી રિવરફ્રન્ટ – મોટા ભાગની ગુજરાતી ફિલ્મો આ લોકેશન વિના બનતી જ નથી. સાબરમતી રિવરફ્રન્ટ એટલે અમદાવાદીઓનો નરિમન પોઈન્ટ. અહીં તમામ ઉંમરના લોકો ટહેલવા આવે ને મજા માણે. અઙીં ગમી સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. દૂરથી પણ આ જનારો જાઈ મન ખુશ થઈ જાય તેમ છે.
અટલ બ્રિજ – આ નવા અમદાવાદની નવી ઓળખ સમો બ્રીજ 2022માં જ ખુલ્લો મૂકવામાં આવ્યો ને લોકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે. અટલ પેડેસ્ટ્રીયન બ્રિજ સાબરમતી નદી પર સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો છે. તેમાં પતંગોથી પ્રેરિત ડિઝાઇન કરેલી છે.
આ સિવાય અહીંની હેરિટેજ સાઈટ, સાંકડી ગલીઓવાળી નાકડી પોળો ને ગીચ બજારો તો ખરા જ. તો આવો કૂછ દિન તો ગુજારો અહેમદાબાદ મેં.