જગન્નાથની રથયાત્રા: ભાઈ અને બહેન સાથે ભગવાનનું નિજ મંદિરે આગમન, નેત્રોત્સવ વિધિ કરાઈ

આપણું ગુજરાત

અમદાવાદમાં આગામી 1 જુલાઈ એટલે કે અષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવા જઈ રહી છે ત્યારે જમાલપુર ખાતેના નિજ મંદિરમાં આજે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી હતી. આ પ્રસંગે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા.


ભગવાન જગન્નાથની રથયાત્રાની શહેરીજનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામ સાથે મામાના ઘર સરસપુર મંદિરથી જમાલપુર ખાતેના નિજ મંદિરે પરત ફર્યા હતા. આજે મંદિરમાં નેત્રોત્સવ વિધિ યોજવામાં આવી હતી.


વિધિ પ્રમાણે ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યા હતાં. એક લોકવાયકા પ્રમાણે ભગવાન મામાના ઘરેથી પરત આવે ત્યારે તેમને આંખો આવેલી હોય છે. એટલે ગર્ભગૃહમાં પ્રવેશ બાદ ભગવાનની આંખે ચંદનનો લેપ લગાવીને પાટા બાંધવામાં આવે છે. અષાઢી બીજના દિવસે વહેલી સવારે 4 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે.
આ પ્રસંગે ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ભગવાનની આરતી કરી હતી.

ગર્ભગૃહના કપાટ ખૂલતાની સાથે જય જય રણછોડ માખણચોરના નાદ સાથે ભકતોનું ઘોડાપુર ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યું હતું. ત્યાર બાદ ભગવાન જગન્નાથની મહાઆરતી યોજાઈ હતી. ત્યાર બાદ ધ્વજારોહણની વિધિ કરવામાં આવી હતી.


વિધિ પત્યા બાદ મંદિરમાં ધોળી દાળ (ખીર) અને કાળી રોટી (માલપુડા)નો ભંડારો યોજાયો હતો. અલગ-અલગ રાજ્યોમાંથી આવેલા સાધુ-સંતો ભંડારામાં ભોજન કર્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ ભંડારામાં હાજર રહ્યા હતા. અંદાજે 20000 લોકો આ ભંડારામાં ભાગ લીધો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.