Homeટોપ ન્યૂઝફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક બજાર પાછળ સોનામાં રૂ. ૩૮ની અને ચાંદીમાં રૂ....

ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક બજાર પાછળ સોનામાં રૂ. ૩૮ની અને ચાંદીમાં રૂ. ૨૦૦ની પીછેહઠ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: આજથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય બેઠક પૂર્વે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં તેમ જ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો ૩૩ પૈસા ગબડ્યો હોવાથી સ્થાનિક સોનાચાંદી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનાના ભાવમાં માત્ર ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭થી ૩૮ની પીછેહઠ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૨૦૦ ઘટી આવ્યા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૦૦ના ઘટાડા સાથે રૂ. ૬૭,૯૪૯ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૭ના ઘટાડા સાથે રૂ. ૫૬,૮૧૩ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૩૮ ઘટીને રૂ. ૫૭,૦૪૧ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ તેમ જ ફેડરલની બેઠક પૂર્વે રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવતા હાજર અને વાયદામાં સોનાના ભાવ ૦.૩ ટકાના ઘટાડા સાથે અનુક્રમે ઔંસદીઠ ૧૯૧૭.૫૬ ડૉલર અને ૧૯૩૩.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે આજે સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવા છતાં આ મહિનામાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં પાંચ ટકા જેટલો સુધારો નોંધાયો હોવાના અહેવાલ હતા. વધુમાં આજે સત્રના આરંભે હાજરમાં ચાંદીના ભાવ પણ ગઈકાલના બંધથી ૦.૭ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૨૩.૪૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આવતીકાલે સમાપન થતી ફેડરલ રિઝર્વની બેઠકમાં નીતિઘડવૈયાઓ વ્યાજદરમાં વધારાની ગતિ ધીમી પાડીને ૨૫ બેસિસ પૉઈન્ટનો વધારો કરે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે. આથી આ સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્વિક ભાવ ઔંસદીઠ ૧૯૦૦થી ૧૯૨૫ ડૉલર આસપાસની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. સોનાના વૈશ્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનમાં જાન્યુઆરી મહિનામાં આર્થિક પ્રવૃત્તિમાં સંચાર થયો હોવાનું આંકડાકીય માહિતી પરથી જાણવા મળતાં સોનાની માગમાં પણ સુધારો થવાની ધારણા પ્રબળ બની છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular