દિલ્હી સરકારે 1 જાન્યુઆરી સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

દિલ્હીની સરકારે 1 જાન્યુઆરી, 2023 સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ વખતે શહેરમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ અને વિતરણ પર પણ પ્રતિબંધ અમલમાં રહેશે, એમ દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલરાયે બુધવારે જણાવ્યું હતું.
આ અંગે ટ્વીટ કરીને રાયે જણાવ્યું હતું કે, “આ વખતે દિલ્હીમાં ફટાકડાના ઓનલાઈન વેચાણ/ડિલિવરી પર પણ પ્રતિબંધ રહેશે. આ પ્રતિબંધ 1 જાન્યુઆરી, 2023 સુધી અમલમાં રહેશે. પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) અને મહેસૂલ વિભાગ સાથે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે.”


શ્રાવણ મહિનાની શરૂઆત થાય એમ હિંદુઓના તહેવારની પણ શરૂઆત થઇ જાય છે. ગણપતિના તહેવાર બાદ હવે ટૂંક સમયમાં નવરાત્રિ અને દિવાળીના તહેવારની તૈયારી શરૂ થઇ જશે. તેવામાં દિલ્હી સરકારની જાહેરાત મુજબ આ વર્ષે દિવાળી, નવા વર્ષની પૂર્વ સંધ્યા અને અન્ય કેટલાક તહેવારો દરમિયાન ફટાકડા પરનો પ્રતિબંધ અમલમાં રહેશે.
નોંધનીય છે કે દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા દિનપ્રતિદિન વકરતી જાય છે. ઠંડીની સિઝનમાં તો આ સમસ્યા માઝા મૂકે છે. એવા સમયે દિલ્હી સરકારનું માનવું છે કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાથી વાયુ પ્રદૂષણની સમસ્યા કંઇક અંશે હળવી થશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.