અહમ્ નિર્વિક્લ્પો નિરાકાર રૂપો

આમચી મુંબઈ સ્પેશિયલ ફિચર્સ

શ્રાવણની સરવાણી -મુકેશ પંડ્યા

આજે શ્રાવણી અમાસ. શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ. આપણે શ્રેણીની શરૂઆત ૧ ઑગસ્ટના દિને નિર્વાણ ષટકમ્થી જ કરી હતી. તેની જ એક પંક્તિ આજના છેલ્લા લેખમાં આપવામાં આવી છે. નિરાકારરૂપથી શરૂ કરેલી આ શ્રેણીમાં આપણે પૂરા શ્રાવણ મહિના દરમ્યાન શિવના વિવિધ સ્વરૂપોના દર્શન કર્યાં. તેમના વિવિધ ગુણોનું આચરણ કરીને આજના સમયમાં કેવી રીતે સુંદર જીવન જીવી શકાય એ શીખ્યા. કહેવાય છે કે વિષ્ણુ પોઢી ગયા બાદ શ્રાવણ મહિનામાં શિવજી ખુદ પૃથ્વી પર આપણને દર્શન આપવા, આપણું ધ્યાન રાખવા અને આપણું રક્ષણ કરવા પૃથ્વી પર પધારે છે. પૂરા મહિના દરમ્યાન આપણે તેમનાં અનેક રૂપ અને ગુણોનાં દર્શન કર્યા અને હવે જ્યારે તેઓ ગણપતિજીનો માર્ગ પ્રશસ્ત કરવા વિદાય લઇ રહ્યા છે ત્યારે સાકાર સ્વરૂપમાંથી ફરી પાછા નિરાકાર થતાં હોય એવી લાગણી થાય છે.
હજી વરસાદની મોસમ ચાલુ છે ત્યારે તેમને પ્રિય છે એ જળની ઉપમાથી પણ શિવજીના નિરાકારરૂપને પામી શકાય છે. તેમાંથી કશુંક શીખી શકાય છે. શિવજી પર સતત જલધારીરૂપે અને ગંગારૂપે પાણી વરસી રહ્યું હોય ત્યારે તેમના નિરાકાર સ્વરૂપને ઓળખવાનું સરળ રહેશે.
પાણીને કોઇ આકાર નથી હોતો. એ નિરાકાર હોય છે. એને જે પાત્રમાં ઢાળો એમાં ઢળી જાય છે. શિવજી નિરાકાર છે. તેઓ પણ પોતાની જાતને કોઇ પણ સ્વરૂપમાં ઢાળી શકે છે એ આપણે પૂરા મહિના દરમ્યાન જોયું. પાણી ગમે તેવી મુસીબતોમાં પોતાનો માર્ગ શોધી લે છે અને આગળ વધતું રહે છે છેવટે અનંત દરિયામાં ભળી જાય છે એ જ રીતે શિવજીએ પણ પૂરા મહિના દરમ્યાન શીખવ્યું કે વિવિધ સંજોગોમાંથી માર્ગ કાઢતા કાઢતા જીવ અનંત શિવમાં કેવી રીતે ભળી શકે. પાણીને કોઇ પણ રંગમાં ભેળવો એ તે રંગનું બની જાય છે. શિવજીએ પણ આ જ શીખવ્યું છે. સુખના ઊજળા રંગ પ્રસર્યા હોય કે દુ:ખના છાયારંગ પ્રસર્યા હોય,બેઉમાં ભળી જાવ. સુખમાં છકી ન જાવ અને દુ:ખમાં ગભરાઇ ન જાવ. પાણી પાસેથી લવચીકતા પણ શીખવા જેવી છે. કોઇ સોલિડ પદાર્થ પર તલવારના ઘા કર્યા હોય તો બે કટકા થઇ શકે છે. પણ પાણીમાં ગમે તેટલી તલવાર વીંઝો પાણીને તોડી કે મરોડી શકાતું નથી. શિવજીની સાકાર મૂર્તિને કોઇ હાનિ પહોંચાડી શકે છે. તોડી શકે છે. મરોડી શકે છે, પણ તેમના નિરાકારરૂપને કોણ હાનિ પહોંચાડી શકે ભલા માણસ? તમારા મનમાં પણ નકારાત્મક ભાવ આવે તેના કરતા નિરાકાર ભાવ આવે તો તેને કોઇ તોડી ન શકે. આપણે અકડ બન્યા. મનમાં અહંકાર વધ્યો,જડત્વ આવ્યું તો તૂટી ગયા સમજો, પણ જો જળત્વ અર્થાત્ પ્રવાહિતા આવી, મન જડ મટીને ચૈતન્યરૂપ બન્યું. જડ જીવ ચૈતન્યમય શિવ બન્યો તો કોઇ પણ સંજોગો તેને તોડી મરોડી શકાતા નથી. પાણી નિરાકાર છે છતાંય તે અનિવાર્ય છે તેના વગર જીવન શક્ય નથી. શિવજીના સાકાર સ્વરૂપ તો આપણે પૂરા મહિના દરમ્યાન જોયાં અને તેમાંથી ઘણું શીખ્યા પરંતુ પાણીની જેમ નિરાકાર સ્વરૂપ પણ આપણા માટે અનિવાર્ય છે.
એટલે જ તો ઉપરનું શિર્ષક હવે પછીના સમયમાં યાદ રાખવા જેવો છે.
અહમ્ નિર્વિક્લ્પો નિરાકાર રૂપો
અર્થાત્ હું નિર્ગુણ અને નિરાકારરૂપે પણ હાજર છું.
અત્યાર સુધી શિવજીના સાકારરૂપમાંથી ઘણું શીખ્યા. આજે શ્રાવણના છેલ્લા દિવસે પાણીના ઉદાહરણ દ્વારા, શિવના નિરાકારરૂપ પાસેથી પણ કશુંક શીખતાં શીખતાં શ્રેણી સમાપ્તની ઘોષણા કરીએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.