આગમાં ખાખ: દક્ષિણ મુંબઈની પ્રખ્યાત ફેશન સ્ટ્રીટમાં ફાટી નીકળેલી આગમાં અનેક સ્ટોલ ખાક થઈ ગયા હતા અને દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું. (જયપ્રકાશ કેળકર)
———
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈની પ્રસિદ્ધ ફેશન સ્ટ્રીટમાં શનિવારે બપોરે આગ ફાટી નીકળી હતી, જેમાં આઠથી દસ સ્ટોલ બળીને ખાખ થઈ ગયા હતા. સદ્નસીબે આગમાં કોઈ જખમી થવાનો કે જાનહાનિ થવાનોે બનાવ બન્યો નહોતો.
ફાયરબિગ્રેડના જણાવ્યા મુજબ ચર્ચગેટ નજીક આવેલ ફેશન સ્ટ્રીટમાં લગભગ બાર વાગ્યાની આસપાસ એક સ્ટોલમાં આગ લાગી હતી. ક્ષણભરમાં આગ તેની બાજુના સ્ટોલમાં પણ ફેલાઈ ગઈ હતી.
ફેશન સ્ટ્રીટમાં કપડાંની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. તેમાં પણ રજાના દિવસે લોકોની ભીડ વધુ હોય છે. એવામાં શનિવારના બપોરના એક સ્ટોલમાં લાગેલી આગને કારણે અહીં ભાગદોડ મચી ગઈ હતી. આગ બુઝાવવાની કામગીરી માટે ફાયરબ્રિગેડના છ ફાયર ઍન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન અહીનો રસ્તો ટ્રાફિક માટે તાત્પૂરતા સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે. ફાયરબ્રિગેડને ૧૫ મિનિટમાં આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં ૮થી ૧૦ સ્ટોલમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો.
મુંબઈની ફેશન સ્ટ્રીટમાં અગ્નિતાંડવ: કપડાંના ૧૦ સ્ટોલ બળીને ખાખ
RELATED ARTICLES