અગ્નિપથ:
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે અગ્નિવીરોના પ્રથમ બૅચ સાથે વાત કરી હતી. (એજન્સી)
—
નવી દિલ્હી: અગ્નિવીરોના પ્રથમ બેચને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટૂંકા ગાળાની લશ્કરી રોજગાર યોજના અગ્નિપથ, સશસ્ત્ર દળોને મજબૂત કરવા અને યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવામાં ચેન્જર સાબિત થશે.
મોદીએ તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં આ નવતર યોજનાના પ્રણેતા બનવા બદલ તેમને અભિનંદન આપ્યા હતા. રક્ષા પ્રધાન રાજનાથસિંહ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.
ગયા વર્ષે ૧૪ જૂને જાહેર કરાયેલી અગ્નિપથ યોજના હેઠળ, ત્રણેય સેનાઓ માટે સાડા ૧૭ વર્ષ અને ૨૧ વર્ષની વય વચ્ચેના યુવાનોની ચાર વર્ષ માટે ભરતી કરી રહી છે, જેમાંથી પચીસ ટકાને વધુ પંદર વર્ષ સુધી જાળવી રાખવાની જોગવાઈ છે.
વિરોધ પક્ષોએ આ કવાયતની ટીકા કરી છે, પરંતુ સરકારે કહ્યું છે કે તે સશસ્ત્ર દળોને વધુ યુવા બનાવશે અને તેની વર્તમાન જરૂરિયાતોને પૂરી કરશે. મોદીએ તેમના ભાષણમાં ભરતી થનારાઓને કહ્યું હતું કે વિવિધ પ્રદેશોમાં તહેનાત થવાથી તેમને વિવિધ અનુભવો મેળવવાની તક મળશે અને તેઓએ વિવિધ ભાષાઓ, સંસ્કૃતિઓ અને જીવન જીવવાની રીતો શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે ટીમ વર્ક અને નેતૃત્વ કૌશલ્યનું સન્માન તેમના વ્યક્તિત્વમાં એક નવું
પરિમાણ ઉમેરશે.
તેમણે અગ્નિવીરોને તેમની પસંદગીના ક્ષેત્રોમાં તેમની કુશળતાને બહેતર બનાવવા માટે કામ કરવાની સાથે સાથે નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક રહેવા માટે પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, યુવા અગ્નિવીર સશસ્ત્ર દળોને વધુ યુવા અને ટેક-સેવી બનાવશે. સૈનિકોની આ નવી યુવાપેઢી આપણા સશસ્ત્ર દળોમાં મુખ્ય ભૂમિકા ભજવશે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે નવું ભારત નવા ઉત્સાહથી ભરેલું છે અને સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા તેમ જ તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
તેમણે સંપર્ક વિનાના યુદ્ધના નવા મોરચા અને સાયબર યુદ્ધના પડકારો વિશે બોલતા કહ્યું કે ૨૧મી સદીમાં યુદ્ધો લડવાની રીત બદલાઈ રહી છે.
અગ્નિવીરોની ક્ષમતાની પ્રશંસા કરતાં, તેમણે કહ્યું કે અગ્નિવીરોની ભાવના સશસ્ત્ર દળોની બહાદુરીનું પ્રતિબિંબ છે જેણે હંમેશાં રાષ્ટ્રના ધ્વજને ઊંચો રાખ્યો છે. આ તક દ્વારા તેઓ જે અનુભવ મેળવશે તે તેમનાં જીવન માટે ગૌરવનો સ્ત્રોત બની રહેશે.
યુવાનો અને અગ્નિવીરોની ક્ષમતાને વખાણતા, વડા પ્રધાને એમ જણાવ્યું હતું કે તેઓ જ ૨૧મી સદીમાં રાષ્ટ્રને નેતૃત્વ પ્રદાન કરવા જઈ રહ્યા છે. અગ્નિપથ મહિલાઓને વધુ સશક્ત બનાવશે અને આજે મહિલા અગ્નિવીર નૌકાદળ માટે જે રીતે ગૌરવ વધારી રહી છે તેના પર એમણે ખુશી વ્યક્ત કરી હતી.
વડા પ્રધાને જણાવ્યું હતું કે તેઓ ત્રણેય દળોમાં મહિલા અગ્નિવીરોને જોવા માટે ઉત્સુક છે અને નોંધ્યું હતું કે તેઓ વિવિધ મોરચે સશસ્ત્ર દળોનું નેતૃત્વ કરી રહી છે અને સિયાચીનમાં તૈનાત મહિલાઓ અને આધુનિક ફાઇટર પ્લેન ચલાવનાર મહિલા પાઇલટોનાં ઉદાહરણો ટાંક્યાં હતાં.
(એજન્સી)