અગ્નીપથ સ્કીમ પાછી ખેંચવામાં નહીં આવે! ત્રણેય સેના તરફથી સ્કીમ વિશે આપવામાં આવી જાણકારી

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

અગ્નીપથ યોજનાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે રવિવારે ત્રણેય સેના દ્વારા પ્રેસ કોન્ફેરેન્સનું આયોજન કરીને આ સ્કીમ ચાલુ રાખવાની વાત કરી હતી. સેનાના એડિશનલ સેક્રેટરી લેફ્ટનેંટ જનરલ અરુણ પુરીએ જણાવ્યું હતું કે, દર વર્ષે આશે 17,600 લોકો ત્રણેય સેવાઓમાંથી નિવૃત્તિ લઈ રહ્યા છે. કોઈએ પણ એ પૂછવાની કોશિશ ન કરી કે તેઓ સેવાનિવૃત્તિ બાદ શું કરશે. સેનાને યુવાનોની જરૂર છે. આજે સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ છે, તેને ઓછી કરીને 26 સુધી કરવાની કોશિશ કરી રહ્યા છીએ.

વર્ષ 1989માં આ યોજના પર વિચાર કરવાની શરૂઆત થઈ અને તેને લાગુ કરવા પહેલા ઘણા દેશોના સેનાના અધિકારી અને ત્યાના એક્ઝિટ પ્લાનનું અધ્યયન કરવામાં આવ્યું છે.

અગ્નીવીરોને સિયાચિન અને અન્ય ક્ષેત્રોમાં એ જ ભથ્થું મળશે જે વર્તમાનમાં સેવા આપી રહેલા નિયમિત સૈનિકોને મળી રહ્યું છે. સેવાની શરતોમાં અગ્નીવીરો સાથે કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. જે કપડાં જવાનો પહેરે છે એ જ કપડાં અગ્નીવીરો પહેરશે. જે લંગરમાં સેનાના જવાન જમે છે, એજ લંગરમાં અગ્નીવીરો જમશે. જ્યાં સેનાના જવાનો રહે છે ત્યાં જ અગ્નીવીરો રહેશે. જોકે, અગ્નીપથ સ્કીમ પાછી ખેંચવામાં આવશે નહીં.

સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી ચાર પાંચ વર્ષમાં આશરે 60,000 સૈનિકોની ભરતી કરવામાં આવશે, જે બાદમાં વધારીને એક લાખ સુધી કરવાની યોજના અમે બનાવી રહ્યા છે.

મીડિયાના સવાલોના જવાબ આપતાં એડજટંટ જનરલ લેફ્ટનેંટ જનરલ બંશી પુનપ્પાએ જણાવ્યું હતું કે અગ્નીવીરોની ભરતી માટે પહેલી જુલાઈના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે, જે બાદ રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ભરતી માટે પહેલી રેલી ઓગસ્ટના બીજા અઠવાડિયાથ શરી થશે. રેલીમાં ફિઝિકલ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે અને ત્યારબાદ એન્ટ્રન્સ એક્ઝામ આપવાની રહેશે. બાદમાં મેરિટના હિસાબે સિલેક્શન કરવામાં આવશે. ઓગસ્ટથી નવેમ્બર દરમિયાન બે બેચમાં રેલી થશે.

પહેલા તબક્કામાં 25,000 અગ્નીવીરની પસંદગી ડિસેમ્બરના પહેલા અઠવાડિયા સુધી કરવામાં આવશે અને બીજો બેચ ફેબ્રુઆરીમાં આવશે. દેશભરમાં કુલ 83 ભારતીય રેલી થશે. દેશભક્તિની સરખામણી પૈસા સાથે કરવામાં ન આવે. તેમને મળનારા 11 લાખ રૂપિયા ટેક્સ ફ્રી રહેશે. આજામી ચાર વર્ષમાં આશરે 60 ટકા જેટલી ભરતી કરવામાં આવશે.  

ત્રણેય સેનાએ તેના સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે અગ્નીપથ સ્કીમ કોઈ કાળે પાછી ખેંચવામાં આવશે નહીં. કોચિંગ સંસ્થાઓ વિદ્યાર્થીઓને ભડકાવી રહ્યા છે. વિદ્યાર્થીઓ અને યુવા વર્ગને આ હિંસાનો હિસ્સો ન બનવાની સલાહ આપી છે.

નોંધનીય છે આ સ્કીમને લઈને વિપક્ષ પણ સરકાર પર પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ આ મુદ્દાને લઈને સત્યાગ્રહ આંદોલન કરી રહી છે ત્યારે આરજેડી નેતા તેજસ્વી યાદવે જણાવ્યું છે આ સ્કીમને લઈને યુવા વર્ગ મૂંઝવણમાં છે. જોકે, ત્રણેય સેનાએ પ્રેસ કોન્ફેરેન્સ યોજીને સ્કીમ અંગે મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે.

ભારતીય વાયુસેનાએ અગ્નિવીરોની ભરતી માટે ગાઈડલાઈન બહાર પાડી છે. ત્રણેય સેનામાંથી એરફોર્સે સૌ પ્રથમ ગાઈડલાઈન જાહેર કરી છે. આ મુજબ અગ્નિવીરોએ તેમની સેવાના ચાર વર્ષ પૂર્ણ કરવાના રહેશે. તે પહેલાં તેઓ નોકરી છોડી શકશે નહીં. આવું કરવા માટે તેઓએ અધિકારીની સંમતિ લેવી પડશે.

એરફોર્સના અગ્નીવીરો માટેના નિયમોઃ

અગ્નીવીરોમાં 17.5 વર્ષથી 21 વર્ષ સુધીના યુવાનોને ફિઝિકલ ફિટનેસ અને શૈક્ષણિક યોગ્યતાના આધારે ભરતી કરવામાં આવશે. 18 વર્ષથી નાના ઉમેદવારે માતા-પિતાની મંજૂરી લેવી આવશ્યક રહેશે. આ નિમણૂક ખાલી ચાર વર્ષ માટે હશે. સર્વિસ પૂર્ણ થયા બાદ વાયુસેના તરફથી અગ્નીવીરનું સર્ટિફિકેટ મળશે.

અગ્નીવીરોને કોઈપણ સેનામાં સામેલ થવાનો અધિકાર મળશે નહીં તેમનું સેના કે અન્ય નોકરીમાં સિલેક્શન સરકારી નિયમો મુજબ થશે. જો કોઈ અગ્નીવીર દેશની સેવામાં બલિદાન આપે તો સરકાર તેના પરિવારને એક કરોડ રૂપિયાનું વળતર આપશે. અગ્નીવીરોનો 48,00,000 રૂપિયાનો વીમો પણ ઉતારવામાં આવશે જે તેમના સર્વિસકાળ સુધીનો રહેશે. દરમિયાન વર્ષની 30 રજા પણ આપવામાં આવશે.

જો કોઈ ઉમેદવાર સામે એફઆઈઆર નોંધાયેલી હોય તો તેમનું સિલેક્શન કરવામાં આવશે નહીં. પોલીસ વેરિફિકેશન થયા બાદ પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

અગ્નીવીરોને પહેલા વર્ષે મહિનાનું 30,000 રુપિયા વેતન મળશે. આ ઉપરાંત ડ્રેસ અને પ્રવાસનો ખર્ચ પણ આપવામાં આવશે. ડ્યૂટી દરમિયાન તમામ પ્રકારની મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવશે.

વાયુ સેનામાં 24 જૂનથી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જ્યારે નેવીમાં 25 જૂનથી નોટિફિકેશન બાહર પાડવામાં આવશે. નેવીએ જણાવ્યાનુસાર 21 નવેમ્બર સુધી અગ્નીવીરની પહેલી બેચ આઈએનએસ ચિલ્કા ઓડિસામાં રિપોર્ટ કરવાની શરૂઆત કરી દેશે. મહિલાઓ પણ અગ્નીવીર બની શકે છે.

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.