અગ્નિપથ: સૈન્યમાં જવા ઈચ્છુક ઉમેદવારની ઉમ્મીદનું નિકંદન?

ઇન્ટરવલ

કવર સ્ટોરી-દર્શના વિસરીયા

યે અગ્નિપથ હૈ ક્યા આખિર?
* ૧૪મી જૂન, ૨૦૨૨ના રોજ સંરક્ષણ ખાતાના પ્રધાન રાજનાથ સિંહે ‘અગ્નિપથ’ યોજનાની જાહેરાત કરી.
* આ યોજના હેઠળ ૯૦ દિવસમાં ૪૬ હજાર યુવકોની પસંદગી, આગામી ચાર-પાંચ વર્ષમાં તબક્કાવાર આ સંખ્યા વધારીને ૫૦થી ૬૦ હજાર સુધી લઈ જવામાં આવશે, ત્યાર બાદ આ સંખ્યા ૯૦ હજારથી લઈને ૧ લાખ ૨૫ હજાર સુધી લઈ જવામાં આવશે.
* ભરતી થવા માટેની ઉંમર ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ સુધી અને શૈક્ષણિક લાયકાત ૧૦માથી લઈને ૧૨મા ધોરણ સુધી.
* થઈ રહેલા વિરોધને જોતાં યોજનાના પહેલા બેચ માટે અધિકતમ વયમર્યાદા બે વર્ષ સુધી વધારવામાં આવી.
* જેમની પસંદગી થશે એમને છ મહિનાની ટ્રેઈનિંગ.
* પહેલા વર્ષે દર મહિને રૂ. ૩૦ હજારની સેલરી, ચોથા વર્ષે દર મહિને રૂ. ૪૦,૦૦૦નો પગાર.
* સ્કીમ હેઠળ ચાર વર્ષ માટે ભરતી કરવામાં આવશે અને ત્યાર બાદ સર્વિસ દરમિયાનના પર્ફોર્મન્સના આધારે મૂલ્યાંકન કરીને ૨૫ ટકા જવાનને કાયમી કરવામાં આવશે.
* જલ સેનાના જણાવ્યા અનુસાર આ સ્કીમમાં મહિલાઓની પસંદગી પણ કરવામાં આવશે.
———————————
‘મારા પપ્પા દિલ્હીમાં એક કંપનીમાં કામ કરે છે અને હું એમને છેલ્લાં સાત વર્ષથી નથી મળ્યો. મમ્મીને પણ વર્ષમાં એકાદ વખત જ મળવા જાઉં છું. આ બધાનું કારણ એટલું જ છે કે મારી રોજની સવારની દોડવાની પ્રેક્ટિસ ન છૂટી જાય, પણ હવે મને એવું લાગે છે કે મારું ભવિષ્ય પણ અંધકારમય થઈ ગયું છે. આર્મીમાં જોડાવાનું મારું સપનું જ તૂટી ગયું…’ દૂબળું-પાતળું, પણ કસાયેલું શરીરસૌષ્ઠવ ધરાવતો ૨૩ વર્ષીય સુરેન્દ્ર પાલ (નામ બદલ્યું છે) કહે છે. સુરેન્દ્ર હેરાન છે, પરેશાન છે અને તે બિહારના આરા શહેરની એક કોલેજમાં પોતાની ઉંમર જેટલા જ બીજા યુવાનો સાથે કસરત તો કરે છે, પણ એનું મન એના શરીરને સાથ નથી આપી રહ્યું. સુરેન્દ્રની ચિંતા અને મનની શાંતિ ડહોળાઈ જવાનું કારણ છે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના કે જેણે સુરેન્દ્ર જેવા જ અનેક યુવાનોના સેનામાં જોડાવાના સપનાને ચકનાચૂર કરી નાખ્યું છે…
મૂળ બિહાર નજીક આવેલા ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો રહેવાસી સુરેન્દ્ર જણાવે છે કે ‘હવે હું ક્યાંયનો નહીં રહું. મારું સપનું હતું દેશની સેવા કરવાનું, પણ સરકારના એક નિર્ણયને કારણે એ સપનું તૂટી ગયું. ૨૦૧૯માં જ્યારે મેં પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી ત્યારે મારી ઉંમર ૨૧ વર્ષની હતી અને આજે હું ૨૩ વર્ષ પૂરાં કરી ચૂક્યો છું. કોરોનાના સમયમાં સરકારે બાકીની બધી એક્ઝામ તો કરાવી દીધી, પણ સેનામાં ભરતી થવાની પરીક્ષા થઈ જ નહીં. હું મેડિકલ અને ફિઝિકલ ટેસ્ટ પાસ કરીને સેનામાં ભરતી થવાની રાહ જોઈ રહ્યો છું, પણ હવે તો એક્ઝામ જ કેન્સલ થઈ ગઈ. એટલે મારું તો દેશસેવાનું સપનું તૂટી ગયું.’
સુરેન્દ્રના પરિવારમાં તેની ત્રણ નાની બહેન અને માતા-પિતાનો સમાવેશ થાય છે. ‘મારાં માતા-પિતાની એવી ઈચ્છા છે હું મારી બહેનોની જવાબદારી ઉઠાવું, પણ સરકારના એક નિર્ણયને કારણે મારું સપનું પૂરું થવાને આરે પહોેંચાડીને તોડી નાખ્યું, આ મારા એકલાની રામકહાણી નથી, મારા જેવા અનેક યુવાનોની આ જ દુવિધા છે…’
આરા શહેરમાં આવેલાં મોટાં મોટાં મેદાનો શિયાળો, ઉનાળો કે ચોમાસું હોય, સવારે ચાર વાગ્યાથી જ એકદમ ગુલઝાર થઈ જાય છે, કારણ કે સેનામાં ભરતી થવા ઈચ્છુક ઉમેદવારોના જુસ્સા અને પરિશ્રમથી આ મેદાનો મહેકી ઊઠે છે. સુરેન્દ્ર જણાવે છે કે ‘છોકરો ચાર વર્ષ નોકરી કરીને પછી કરશે શું? તમે જે ૨૫ ટકા રિટેન કરવાની વાત કરો છો તો એ તો એવા છોકરાઓ હશે કે જેઓ ઓફિસરની જીહજૂરી કરશે અને ૭૫ ટકા પાછા આવીને કરશે શું? તમે સ્ટેટ ગવર્નમેન્ટની નોકરીમાં આવા ઉમેદવારો માટે કટઓફ રાખો…’
૨૦૨૧માં જ્યારે સુરેન્દ્રકુમાર અને તેના મિત્રોએ મેડિકલ અને ફિઝિકલ પરીક્ષા પાસ કરી હતી એ વખતે તેમને જેટલો આનંદ થયો હતો, એનાથી વધારે દુ:ખ અને નિરાશાની ગર્તામાં તેઓ અત્યારે ધકેલાઈ ચૂક્યા છે. તેમને એવું જ લાગી રહ્યું છે કે જાણે સરકાર એમની સાથે મજાક કરી રહી છે. આ યુવાનો વર્ષોથી પરસેવો પાડીને દિવસ-રાત જોયા વિના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે અને સરકાર એક એસી રૂમમાં બેસીને તેમની તકદીરનો ફેંસલો લઈ લે છે.
એવું નથી કે સેનામાં ભરતી થવા ઈચ્છુક યુવાનો જ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, આવી જ સમસ્યાનો સામનો એક્સ આર્મીમેન પણ કરી રહ્યા છે અને એમાં પણ ખાસ કરીને એવા આર્મીમેન કે જેમને ત્યાં લશ્કરમાં જોડાવાની પરંપરા રહી છે. આરા શહેરથી આશરે પંદર કિલોમીટર દૂર ઉદવન્તનગરના છોટા સાસારામ નામના એક ગામમાં તો દરેક ઘરમાંથી એક વ્યક્તિ આર્મીમાં જોડાય એવી પરંપરા રહી છે.
સેનામાં જોડાવા ઈચ્છનાર ઉમેદવાર કે સેનામાં સેવા આપી ચૂકેલા જવાનોનું એવું માનવું છે કે આ જરા પણ યોગ્ય નથી. ચાર વર્ષની સર્વિસ પછી છોકરો ઘરે બેસશે? ઓફિસર્સને જે રીતે શાર્ટ સર્વિસમાંથી લાવ્યા હતા, એવું કંઈક અત્યારે દેશના જવાન સાથે પણ થઈ રહ્યું છે. સરકાર ચાર વર્ષ માટે જવાનને સૈન્યમાં ભરતી કરશે, પણ જો પાંચમા વર્ષે યુદ્ધ છેડાઈ ગયું તો સરકાર શું કરશે? દેશનું લશ્કર આ રીતે કામ કરે છે કે?
અગ્નિપથને લઈને આવી રહેલા તમામ મીડિયા રિપોર્ટમાંથી જે એક સૂર આવે છે એ સૂર મહિલાઓનો છે. ફોજમાં સેવા બજાવી રહેલા પોતાના પતિ અને દીકરાથી લાંબા સમય સુધી દૂર રહેનારી મહિલાઓ આ વિશે શું વિચારે છે? આ સવાલના જવાબમાં લશ્કરમાં જ ફરજ બજાવનાર મનોજ કુમાર સિંહની પત્ની જણાવે છે કે ‘અમારાં સંતાનો લશ્કરમાં દાખલ થવા માટે જે મહેનત કરી રહ્યાં છે એ તો બધુ નકામું થઈ જશે, એનો કોઈ અર્થ જ નહીં રહે. મારો દીકરો પણ ફોજમાં ભરતી થવાનું સપનું સેવે છે. સરકારે પોતાના આ નિર્ણયને પાછો ખેંચવો જોઈએ. મારા પતિ કહે છે કે સેના દેશનું ગૌરવ છે અને શું સરકાર આ ગૌરવને જ ચાર વર્ષના કોન્ટ્રાક્ટ પર નાખી દેશે?’

 

 

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.