ઈરાનના કટ્ટરવાદી મુલ્લાઓ સામે હવે નવું જનરેશન બંડ પોકારી રહ્યું છે!

ઉત્સવ

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

થોડા સમય પહેલાં વિદેશ પ્રવાસ દરમિયાન સિટી ટૂર વખતે બસની બાજુની બેઠક પર એક હેન્ડસમ વિદેશી યુવાન અને એનો સાત-આઠ વર્ષનો મીઠડો દીકરો બેઠા હતા. બંને ફાંકડી અંગ્રેજીમાં વાતો કરતા હતા. ઔપચારિક વાત કરતાં ખબર પડી કે બાપ-બેટા ઇરાનથી વેકેશન મનાવવા માટે આવ્યા છે. બપોરે લન્ચમાં સાથે બેઠા ત્યારે એ બંનેએ પણ મારી સાથે શુદ્ધ શાકાહારી ભોજન જ પસંદ કર્યું. યુવાનના કહેવા પ્રમાણે ઇરાનમાં પણ તેઓ મોટેભાગે વેજીટેરિયન ખોરાક જ પસંદ કરે છે, અલબત્ત ત્યાંના ટેસ્ટનો! યુવાને ભારત વિશે ઘણી પૂછપરછ કરી અને પૂછયું કે એને ભારત ફરવા આવવાની ઘણી ઇચ્છા છે, પરંતુ શું ભારતની સરકાર એમને વિઝા આપશે? મેં હસી પડતા કહ્યું કે ચોક્કસ, શા માટે નહીં! ઇરાનના વિશ્ર્વવિખ્યાત ફિલ્મકાર મજીદ મજીદી વિશે મેં પૂછયું તો એણે એનું નામ નહોતુ સાંભળ્યું, પરંતુ અમિતાભ બચ્ચનને જાણતો હતો અને અમિતાભની ફિલ્મો પણ ઇરાનમાં જોઈ હતી! ખૂબ જ લાગણીશીલ બાપ-બેટા સાથે આખો દિવસ પસાર કરવાની ખૂબ મજા આવી. ખૂબ વાતો થઈ.
ઇરાન વિશે ફક્ત આપણા દેશમાં જ નહીં, પરંતુ વિશ્ર્વ આખામાં અનેક પ્રકારની ગેરસમજો છે. ઇરાન એટલે કટ્ટર મુલ્લાઓથી ભરેલો દેશ. ત્યાંના પુરુષો લાંબો ઝબ્બો અને મહિલાઓ મોં ઢંકાય એવા બુરખાનો પહેરવેશ પહેરીને જ ઘરબહાર નીકળતા હશે… વગેરે વગેરે. હા, એ વાત સાચી છે કે આશરે લગભગ ત્રીસ વર્ષ પહેલાં કટ્ટરવાદી આયાતોલ્લાહ ખોમેની સત્તા પર આવ્યા પછી ઘણા રૂઢિચૂસ્ત કાયદાઓ બનાવી એનો અમલ કરાવવાનું ચાલુ કર્યું એની અસરો આજ સુધી ચાલુ છે. ખોમેનીએ સત્તા સંભાળી એ પહેલાં ઈરાનનાં ી-પુરુષો, કદાચ યુરોપનાં કોઈપણ દેશ જેટલા જ આધુનિક હતાં. જોકે છેલ્લા થોડા વર્ષોથી ઇરાનમાં ફરીથી મુક્ત હવાની લહેર આવવાની ચાલુ થઈ છે. હાલના પ્રમુખની પણ કંઈ ખાસ લિબરલ નથી, પરંતુ ઇરાનિયન પ્રજા, ખાસ કરીને ઇરાનના યુવાનો, ધીમે ધીમે કટ્ટરતા સામે માથું ઊંચકવા માંડ્યા છે.
યુ ટ્યુબ પર જઇને જો તમે આધુનિક ઇરાન વિશેની કોઈ વિદેશીએ બનાવેલી ડોક્યુમેન્ટરી જોશો તો દંગ રહી જશો. હા, હજી પણ યુવતીઓએ જાહેરસ્થળોએ માથા પર સ્કાર્ફ બાંધવો પડે છે કે અપરણિત યુવક-યુવતીઓને જાહેરસ્થળે એકલાં મળવાની છુટ નથી, પરંતુ કેટલાય યુવક-યુવતીઓ આવા કાયદાનો ડર વગર ભંગ કરી રહ્યાં છે. કોલેજમાં ભણતી યુવતીઓ ગાર્ડનમાં હુક્કાના કશની મજા વારાફરતી લઈને બિન્ધાસ્ત એનુ શુટિંગ પણ કરવા દે છે. રસ્તા પર ફરતી મોરલ પોલીસને સતાવવા ટાઇટ જીન્સ-ટીશર્ટ પહેરેલી યુવતિઓ માથાનો સ્કાર્ફ થોડી ક્ષણો માટે કાઢીને ખૂલ્લાવાળે સેલ્ફી લઈ લે ત્યારે પેલો પોલીસ સમસમીને જોઈ રહે છે. ઇરાનમાં ીઓ જાહેરમાં ગીત ગાઈ શકતી નથી કે ડાન્સ કરી શકતી નથી, ત્યારે ૭-૮ બહેનપણીઓ ત્યાંના તહેરાન જેવોં શહેરના રસ્તાઓ પર કોઈપણ પરવા કર્યા વગર મોબાઈલ પર વાગતાં અંગ્રેજી મ્યુઝિક પર ડાન્સ કરી લે છે!
આજે ઈરાનમાં યુવાનોનું ચલણ છે એમ કહેવામાં વાંધો નથી. ઇરાનની ૮ કરોડની વસ્તિમાંથી ૩૫ ટકા વસ્તિ ૧૫ થી ૨૯ વર્ષના યુવાન-યુવતીઓની છે. ૯૭ ટકા લોકો શિક્ષિત છે. પુરુષો કરતાં પણ યુનિવર્સિટીના શિક્ષણમાં યુવતીઓની સંખ્યા વધારે છે, અને દેશના ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે મેનેજમેન્ટ જેવા ક્ષેત્રે મહિલાઓનો ડંકો વાગે છે. ઇન્ટરનેટ પર જાતભાતના પ્રતિબંધ હોવા છતાં ઇરાનમાં ઇન્ટરનેટના ઊપયોગનું પ્રમાણ વસ્તિને પ્રમાણે વિશ્ર્વના બીજા કોઈ દેશ કરતાં ઊતરતું નથી. ટેક્નોલોજીથી માંડીને વિશ્ર્વના બીજા દેશોમાં શું ચાલી રહ્યું છે એની જાણકારીમાં ઇરાનીઓ કોઈથી પાછળ નથી.
મોટી નવાઈની વાત એ છે કે મુલ્લાઓએ લાદેલા તાલિબાની કાયદાઓને સ્વીકારવાને બદલે યુવાન ઇરાનીઓ સતત એનો ભંગ કરવા માટે તાલાવેલ રહે છે અને ખુલ્લેઆમ શાસકોનો વિરોધ કરવાની પણ હિંમત કરે છે. મરિયમ રાજાવી નામની આધુનિક મહિલા ઇરાનના મુલ્લા શાસકો સામે અવાજ ઊઠાવવા દર વર્ષે પેરિસમાં સંમેલનનું આયોજન કરે છે, અને એને સાંભળવા માટે ૧ લાખ જેટલા ઇરાનીઓ વિશ્ર્વભરમાંથી ભેગા થાય છે.
યુવાનોની વધતી વસ્તી વચ્ચે ઇરાનમાં એક નવી સમસ્યા ઊભી થઈ છે. અપરિણત યુવાન-યુવતિઓ જાહેરમાં એકલા મળી નહીં શકતા હોવાથી ૨૫ થી ૨૯ વર્ષના અપરિણત યુવાન-યુવતીઓની સંખ્યા વધી રહી છે. આનું નિરાકરણ લાવવા માટે કેટલીક મુસ્લિમ મહિલાઓએ ખાનગી મેરેજ-બ્યુરો શરૂ કર્યા છે, જ્યાં નામ નોંધવનાર યુવાન-યુવતિઓને રૂબરૂ બોલાવી મેળાપ કરાવી આપવામાં આવે છે. શરૂઆતમાં શાસકોએ આવા મેરેજબ્યુરો સામે વાંધો લીધો હતો, પરંતુ ‘યુવાબ્રિગેડ’નો રોષ પારખી જઈ છૂટ આપવી પડી! તાલિબાની માનસિકતાવાળા મુલ્લા શાસકોથી ઇરાનના યુવાનો ડરતાં નથી. થોડા સમય પહેલાં ૩૦ વર્ષની ઉંમરના એક સંગીતકારનું મોત કેન્સરને કારણે થયું. વાયબર નામની એપને ઇરાનમાં પરવાનગી આપવામાં આવી છે, પેલો સંગીતકાર ખાસ લોકપ્રિય ન હોવા છતાં વાયબર મારફતે આખા દેશમાં સંદેશો ફરી વળ્યો કે સરકારની બેદરકારીને કારણે એના કેન્સરની સારવાર શક્ય બની નહોતી. ગણતરીના કલાકોમાં જ દેશભરના મોટા શહેરોમાં લાખો યુવાન-યુવતિઓ રસ્તા પર ઊતરી પડ્યા અને સત્તાધિશોએ તપાસ સમિતિ નીમવાનો હુકમ આપવો પડ્યો!
ઇરાનની મોરલ પોલીસે ત્યાંની ફિલ્મ ઇન્ડસ્ટ્રી પર ખૂબ કડક નિયંત્રણો લાદયા છે. ફિલ્મ બનાવતા પહેલાં સત્તાધીશો સમક્ષ સ્ક્રીપ્ટ મંજૂર કરાવવી પડે છે. સરકાર કે ઇસ્લામિક પ્રથા વિરૂદ્ધ કંઈ બતાવી શકાતું નથી. ફિલ્મમાં પુરુષ અને ી કેરેક્ટર એકબીજાને અડી શકતાં નથી. વગેરે. આમ છતાં વિશ્ર્વની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો ઇરાનમાં બનતી રહે છે. ઇરાનનાં ફિલ્મમેકરોની નામના વિશ્ર્વઆખામાં છે. જાફર પનાહીની ‘ધ સર્કલ’ અને ‘ક્રિમસન ગોલ્ડ’, મજીદ મજીદીની ‘ચિલ્ડ્રન ઓફ હેવન’, અબ્બાસ કિયાટોસ્તામીની ‘ટેન’ અને ‘અ ટેસ્ટ ઓફ ચેરી’, બાહમદ ધોબાડીની ‘નો વન ન્હોઝ અબાઉટ પર્શિયન કેટ્સ’, … જેવી ફિલ્મો વિશ્ર્વમાં બનેલી અતિઉત્તમ ફિલ્મોમાં ગણતરી પામે છે.
ઇરાન જનારા રડયાખડયા ટૂરિસ્ટનાં કહેવા પ્રમાણે સામાન્ય ઇરાનિયન નાગરિક ખૂબ ઊષ્માસભર હોય છે. થોડી ઓળખાણમાં જ તમને એમના ઘરે ભોજનનું આમંત્રણ પણ આપી દે છે. હવેનું નવું જનરેશન એમની સૌથી મોટી મૂડી છે. આ જનરેશન કોઈ તાલિબાની સત્તાને લાંબો સમય ચલાવી લે એવું નથી. અને ત્યાંના શાસકો વધુ એક ક્રાંતિ માટે તૈયાર નથી. એટલે જ કદાચ ઇરાકનું ભવિષ્ય બીજા ઇસ્લામિક દેશો કરતાં ખાસ્સું ઉજ્જવળ છે!

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.