(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આઈઆરસીટીસીના ઉપક્રમ હેઠળના વોટર વેન્ડિંગ મશીનો બંધ પડ્યા પછી રેલવે સ્ટેશનોના પરિસરમાં પીવાનાં શુદ્ધ અને સસ્તું પાણી મળવા મુદ્દે પ્રવાસીઓને મુશ્કેલી પડતી હતી, પરંતુ ફરીથી હવે રેલવે પ્રશાસન પોતાના ઉપક્રમ હેઠળ હવામાંથી પાણી બનાવવાની પ્રક્રિયાને જોર આપી રહ્યું છે. સીએસએમટીના સાત નંબરના પ્લેટફોર્મ પર નવું મશીન લગાવવામાં આવ્યું છે, જેમાં મોટાભાગના પ્રવાસીઓને પાણી વધુ શુદ્ધ લાગ્યું છે, જ્યારે અમુકને ગમ્યું નથી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
હવામાંથી ભેજને ખેંચવાનો અનોખા ઉપક્રમ અલગથી ડેવલપ કરવામાં આવ્યો છે, જેમાં મશીન હવામાંથી ભેજને ખેંચીને પાણી બનાવે છે. હવામાંથી ભેજને ખેંચવાની અમુક પરિસ્થિતિને આધારિત છે. સ્ટેશનના આસપાસના પરિસરનું તાપમાન ૧૮ ડિગ્રીથી ૪૫ ડિગ્રીની વચ્ચે હોવાનું જરૂરી છે. હવામાં ભેજનું પ્રમાણ પણ ૨૫ ટકાથી ૧૦૦ ટકા સુધી હોવું જોઈએ. અલબત્ત, આ પરિસ્થિતિ માટે મુંબઈ શ્રેષ્ઠ શહેર છે, જ્યાં ભેજનું પ્રમાણ સરેરાશ ૨૫ ટકાથી ૧૦૦ ટકાની આસપાસ છે. મશીન એક કલાક ચાલુ રાખવામાં આવ્યા પછી પાણીનું ઉત્પાદન થાય છે. આ નવી ટેકનોલોજીને ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી, હૈદરાબાદ સાથે મળીને તૈયાર કરવામાં આવી છે.
મધ્ય રેલવેના છ સ્ટેશન પર ૧૭ મશીન બેસાડવાની યોજના છે. હાલમાં સીએસએમટીમાં બે મશીન બેસાડવામાં આવ્યા છે. સીએસએમટી સિવાય દાદર, કુર્લા, થાણે, ઘાટકોપર, વિક્રોલીનો સમાવેશ થાય છે. આ મશીનમાં પાણી પૂરું પાડવા માટે વોટર કનેક્શન લેવામાં આવ્યું નથી. આ પ્રોજેક્ટની અગાઉ સિકંદરાબાદ સ્ટેશન પર પાઈલટ પ્રોજેક્ટ પર શરૂઆત કરવામાં આવી હતી અને તેને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યા પછી હવે મુંબઈમાં શરૂઆત કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજને ખેંચીને મશીન (એટમોસ્ફેરિક વોટર જનરેટર) પાણી બનાવે છે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.
આ ટેકનોલોજીથી પાંચ વર્ષ સુધીમાં દર વર્ષે મધ્ય રેલવેને ૨૫,૫૦,૦૦ લાખની આવક થશે. આ મશીનને ‘મેઘદૂત’ નામ આપવામાં આવ્યું છે. વોટર વેન્ડિંગ મશીનથી આ મશીન તદ્ન અલગ છે. વોટર વેન્ડિંગ મશીનથી પ્રવાસીને બે રૂપિયામાં ૩૦૦ મિલિલીટર અને આઠ રૂપિયામાં એક લીટર પાણી મળતું હતું. જોકે હવામાંથી પાણી બનાવનારા મેઘદૂત મશીનથી પ્રવાસીને ૩૦૦ એમએમલ પાણી પાંચ રૂપિયામાં (સાત રૂપિયા બોટલ સાથે), ૫૦૦ મિલિલીટર પાણી માટે આઠ રૂપિયા (સાત રૂપિયા ક્ધટેનર સાથે)માં અને એક લીટર પાણી માટે ૧૨ રૂપિયાના ભાવમાં મળશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.