હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોંગ્રેસની જીત બાદ હવે રાજ્યના આગામી મુખ્યપ્રધાનને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. કોંગ્રેસમાં સીએમ પદના ઘણા દાવેદારો છે, જેમના નામની ચર્ચા થઈ શકે છે. હિમાચલના આગામી મુખ્યપ્રધાનની રેસમાં હિમાચલ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહ સહિત પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સુખવિંદર સિંહ સુખુ, મુકેશ અગ્નિહોત્રી, ઠાકુર કૌન સિંહ અને આશા કુમારીના નામની ચર્ચા થઈ રહી છે.
કોંગ્રેસે હિમાચલ પ્રદેશમાં તેના તમામ નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની આજે બપોરે 3 વાગ્યે શિમલામાં બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષને વિધાનસભ્ય મંડળના નેતાની પસંદગી માટે અધિકૃત કરતો ઠરાવ પસાર કરવામાં આવી શકે છે. અગાઉ પાર્ટીએ તેના તમામ વિધાનસભ્યો ચંદીગઢ બોલાવ્યા હતા, પરંતુ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પોતાનો કાર્યક્રમ બદલી નાખ્યો હતો.
ગુજરાતમાં પ્રચંડ બહુમતીથી જીતેલી ભાજપથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જ રહેશે, જેની જાહેરતા અમિત શાહે મતદાન પહેલા જ કરી હતી. ગઈ કાલે ગુજરાત ભાજપના પ્રમુખ પાટીલે પણ કહ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ચાલુ રહેશે. તેમનો શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે.