તારકાસુરના વધ બાદ કાર્તિકેયે કૈલાસ જઈને પિતા શિવજી અને માતા પાર્વતીના આશીર્વાદ લીધા

ધર્મતેજ

શિવ રહસ્ય -ભરત પટેલ

ગત સપ્તાહ સુધીનો સારાંશ: બ્રહ્માજીનું કથન સાંભળીને ભગવાન શિવજીના પુત્ર કુમાર કાર્તિકેય પ્રસન્નતાપૂર્વક બોલ્યા, તથાસ્તુ – એવું જ થશે. ત્યારે મહાન ઐશ્ર્વર્યશાળી ભગવાન શિવપુત્ર કુમાર કાર્તિકેય તારકાસુરના વધનો નિશ્ર્ચય કરીને વિમાનમાંથી ઊતરીને પગપાળા ચાલવા લાગ્યા. મહાતેજસ્વી અને મહાબલિ કુમાર કાર્તિકેય રોષ અને આવેશમાં આવીને ગર્જના કરવા માંડ્યા અને બહુ મોટી સેનાની સાથે યુદ્ધમાં દૃઢતાથી ઊભા રહ્યા. એ સમયે સમસ્ત દેવતાઓએ જયજયકારનો ધ્વનિ કર્યો અને દેવર્ષિઓએ ઈષ્ટ વાણી દ્વારા તેમની સ્તુતિ કરી. ત્યારે તારકાસુર અને કુમારના સંગ્રામનો પ્રારંભ થયો. કુમાર કાર્તિકેય અને તારકાસુર બંને શક્તિ યુદ્ધમાં પરમ પ્રવીણ હતા, તેથી અત્યંત રોષ-આવેશમાં આવી તેઓ પરસ્પર એકબીજા પર પ્રહાર કરવા લાગ્યા. પરમ પરાક્રમી એ બંને વિવિધ પ્રકારના પેંતરા-દાવ બદલી બદલીને ગર્જના કરી રહ્યા હતા. અનેક પ્રકારના દાવપેચથી એકબીજા પર પ્રહાર કરી રહ્યા હતા. એ સમયે દેવતા, ગંધર્વ અને ક્ધિનર સૌ ચૂપચાપ ઊભા રહીને એ દૃશ્ય જોઈ રહ્યા હતા. એમને પરમ વિસ્મય થયો. તે એટલે સુધી કે વાયુ પણ વહેતો બંધ થઈ ગયો. સૂર્યની પ્રભા ફિક્કી પડી ગઈ અને પર્વત તથા વનકાનનો સહિત આખી પૃથ્વી ધ્રૂજવા લાગી, કંપી ઊઠી. આ જ અવસર પર હિમાલય વગેરે પર્વત સ્નેહથી અભિભૂત થઈને કુમાર કાર્તિકેયની રક્ષા માટે ત્યાં આવી પહોંચ્યા. ત્યારે એ સર્વ પર્વતોને ભયભીત થયેલા જોઈ કુમાર કાર્તિકેય બોલ્યા, ‘હે મહાભાગ પર્વતો! તમે લોકો ખેદ ન કરો. તમારે કોઈ પ્રકારે ચિંતા ન કરવી. હું આજે તમારા બધાના દેખતાં જ આ પાપીને મારી નાખીશ.’ આ રીતે એ પર્વતો અને દેવગણોને ધૈર્ય ધારણ કરવા કહ્યું.
કુમારે ગિરિજા અને શંભુને પ્રણામ કર્યા તથા પોતાની કાંતિમયી શક્તિને હાથમાં લીધી. શિવપુત્ર કુમાર કાર્તિકેય મહાબલિ અને મહાન ઐશ્ર્વર્યશાળી તો હતા જ. જ્યારે તેમણે તારકાસુરનો વધ કરવાની ઈચ્છાથી શક્તિ હાથમાં લીધી, એ સમયે એમની શોભા અદ્ભુત થઈ ગઈ. ત્યાર પછી શિવજીના તેજથી સંપન્ન કુમાર કાર્તિકેયે શક્તિથી તારકાસુર પર, જે સમસ્ત લોકોને કષ્ટ આપતો હતો તેના પર, પ્રહાર કર્યો. એ શક્તિના આઘાતથી તારકાસુરનાં બધાં અંગ છિન્નભિન્ન થઈ ગયાં અને સંપૂર્ણ અસુરગણોનો અધિપતિ તારકાસુર ધરાશાયી થઈ ગયો. સમરાંગણમાં પ્રાણરહિત થઈને પડેલા જોઈને વીરવર કુમાર કાર્તિકેયે એ વીર પર પુન: વાર-ઘા કર્યો નહિ. એ મહાબલિ દૈત્યરાજ તારકાસુરના માર્યા જવાથી દેવતાઓએ ઘણા અસુરોને મોતને ઘાટ ઉતારી દીધા. કેટલાક મેદાન છોડી ભાગી ગયા. હજારો દૈત્યો જીવનની આશાએ દોડીને પાતાળમાં ઘૂસી ગયા. આ રીતે તે આખી દૈત્યસેના વિનિષ્ટ થઈ ગઈ. દેવગણોના ભયથી કોઈ ત્યાં ટકી શક્યું નહીં. આ બાજુ તારકાસુર માર્યો ગયો છે એ જોઈ-જાણીને બધા દેવતાઓ તથા અન્ય સમસ્ત પ્રાણીઓનાં મુખ હાસ્યથી છવાઈ ગયાં. તે ભક્તિપૂર્વક ભગવાન શિવજીના પુત્રની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, ‘હે કુમાર, આમ અસુરરાજ તારકાસુરને મારીને તથા દેવોને વરદાન આપીને તમે અમ સૌને તથા ચરાચર જગતને સુખી કરી દીધું છે. હવે તમારે પરમ પ્રસન્નતાપૂર્વક માતા પાર્વતી તથા ભગવાન શિવજીનાં દર્શન કરવા કૈલાસ પર જવું જોઈએ.’
* * *
દેવગણોની વિનંતીનો સ્વીકાર કરી કુમાર કાર્તિકેય કૈલાસ જવા તૈયાર થયા. કુમાર કાર્તિકેય અને સમસ્ત દેવગણો વિમાનમાં સવાર થયા અને થોડા જ સમયમાં કૈલાસ પહોંચી ગયા. કૈલાસ પહોંચતાં જ શિવગણો દ્વારા દેવગણોનો સત્કાર કરવામાં આવ્યો. કુમાર કાર્તિકેયે કૈલાસ પહોંચતાં જ પ્રથમ ભગવાન શિવ અને માતા પાર્વતીનાં ચરણસ્પર્શ કરી આશીર્વાદ લીધા. ભગવાન શિવ દ્વારા કુમાર કાર્તિકેયને એક શિલા પર બેસાડી દૂધ અને દહીંનો અભિષેક કરવામાં
આવ્યો.
ભગવાન શિવ: ‘કુમાર, આ યુદ્ધમાં ઉદ્ભવેલી પ્રત્યેક કઠિનાઈ, પ્રત્યેક અવરોધ અને પ્રત્યેક પડકારે તમારું વ્યક્તિત્વ અને વિશેષતાઓને નિખાર્યું છે, તમને પરિપક્વ બનાવ્યા છે, મને અને પાર્વતીને અત્યંત પ્રસન્નતા છે કે સમસ્ત સંસારને તમારા પ્રત્યે જે પ્રાથમિક અપેક્ષાઓ હતી એ તમે પૂર્ણ કરી છે, તમે સફળ થયા છો કુમાર કાર્તિકેય. તમારી સફળતાએ આ મહાબળશાલી દેવતાઓને ભયમુક્ત કરી દીધા છે, તમે આ દેવતાઓને નવજીવન આપ્યું છે. તમારું કલ્યાણ હો.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘કાર્તિકેય, તમે શૂરવીર છો, તમારી ઉત્પત્તિ સંસારનાં અનિષ્ટોને દૂર કરવા માટે જ થઈ છે, તમારું કલ્યાણ હો.’
બ્રહ્માજી: ‘તારકાસુરને વરદાન આપીને હું ગ્લાનિથી ભરાઈ ગયો હતો. મને ભય હતો કે શું મારું આ વરદાન સૃષ્ટિનું અહિત કરશે, પણ કુમાર કાર્તિકેય તમે વિવેકબુદ્ધિ અને બળથી તારકાસુરનો વધ કરી મને ગ્લાનિથી મુક્ત કરી દીધો છો, તમારું કલ્યાણ હો.’
માતા પાર્વતી: ‘પુત્ર અહીં આવ, જોવા દો તમને કોઈ ઈજા તો નથી થઈ?’
કુમાર કાર્તિકેય: ‘જુઓ માતા, મને કંઈ નથી થયું.’
ભગવાન શિવ: ‘જે આદિશક્તિની શક્તિ અને માના આશીર્વાદથી સુસજ્જ હોય તેને કઈ રીતે ઈજા થઈ શકે?’
માતા પાર્વતી: ‘જેના પિતા અને ગુરુ દેવોં કે દેવ મહાદેવ હોય તેનો વિજય નિશ્ર્ચિત જ છે.’
નંદી: ‘કુમાર કાર્તિકેય કી જય.’
દેવરાજ ઈન્દ: ‘દેવો, આનંદ મનાવો, આપણે જીતી ગયા, આપણે અસુરોને પરાજિત કરી દીધા…’
ભગવાન શિવ: ‘અહીં સૃષ્ટિ સુરક્ષિત નથી થતી, યુદ્ધમાં થયેલી ભૂલ અને ઉપલબ્ધિઓથી શીખવું જરૂરી છે, અન્યથા આપણી ઉન્નતિ નહીં થાય.’
કુમાર કાર્તિકેય: ‘પિતાજી, આ યુદ્ધથી આપણે શું શીખવું રહ્યું?’
ભગવાન શિવ: ‘એ જ સમજવું જોઈએ કે તારકાસુરના અંત બાદ બૂરાઈનો અંત થયો નથી, બૂરાઈ અને ભલાઈ વચ્ચે નિરંતર યુદ્ધ ચાલતું રહેશે. આજે એક અધ્યાય પૂર્ણ થયો છે, તો કાલે બીજો અધ્યાય શરૂ થશે. જ્યાં સુધી સંસારમાં બૂરાઈ ચાલશે ત્યાં સુધી ભલાઈ પણ ચાલશે, પરંતુ બૂરાઈ અને ભલાઈના યુદ્ધમાં જીત સદૈવ ભલાઈની જ થશે.’
* * *
સામે પક્ષે તારકાસુરના પિતા વજરાંક તારકાસુરના નિધનથી વ્યથિત થાય છે.
વજરાંક: મારા પુત્ર તારકાસુરના મૃત્યુ માટે જે પણ દોષી હશે તેણે મૂલ્ય ચૂકવવું જ પડશે. આ સમસ્ત અસુર જાતિની પ્રતિષ્ઠાનો પ્રશ્ર્ન છે, મારા પુત્રનું બલિદાન વ્યર્થ નહીં જાય. મને એ જણાવો કે બ્રહ્માજીના વરદાન બાદ પણ તારકાસુરને કોઈ મારી કઈ રીતેે શકે? મારા પુત્રને કોણે માર્યો?’
અસુર ગુરુ શુક્રાચાર્ય: ‘પિતા વજરાંક, તમારા પુત્ર તારકાસુરને વરદાન હતું એ પ્રમાણે તેમનો વધ શિવપુત્ર કુમાર કાર્તિકેય દ્વારા કરવામાં આવ્યો છે.’
વજરાંક: ‘અસુર ગુરુ, આશીર્વાદ આપો, હું એ કાર્તિકેયને જીવતો નહીં છોડું.’
* * *
નક્ષત્રલોક ખાતે સમાચાર મળતાં જ નત્રક્ષમાતાઓ આનંદિત થઈ જાય છે કે તેમના પુત્રએ અસુર સમ્રાટ તારકાસુરનો વધ કરી દીધો છે. તેઓ કુમાર કાર્તિકેયને આશીર્વાદ આપવા કૈલાસ પધારે છે. કૈલાસ ખાતે પોતાની માતાઓને જોઈ કુમાર કાર્તિકેય હર્ષ અનુભવે છે અને તેમના આશીર્વાદ લે છે.
કુમાર કાર્તિકેય: ‘પિતાજી, માતા પાર્વતી, મારી બધી માતાઓ, દેવગણ, નંદી અને અન્ય ગણો, આ વિજય ફક્ત મારો વિજય નથી, આપ સૌનો વિજય છે. મને એક સફળ યોદ્ધ બનાવવા તમે લોકોએ સફળ યોગદાન આપ્યું છે. આપ દરેકે પોતાની શક્તિઓ આપીને આ કાર્ય હેતુ સક્ષમ બનાવ્યો, મારી સેનાના સમસ્ત યોદ્ધાઓએ તેમનું નેતૃત્વ કરવાનો મોકો આપ્યો, મારામાં વિશ્ર્વાસ કર્યો. આ યુદ્ધ જીતવામાં આપ સહુનું યોગદાન મહત્ત્વનું હતું, હું આપ સૌનો
આભારી છું, મારા નમન સ્વીકાર કરો.’
ભગવાન શિવ: ‘કુમાર કાર્તિકેયનું કહેવું ઉચિત છે, આપસી તાલમેલ અને સહયોગથી વિજય નિશ્ર્ચિત થયો છે, આ સફળતામાં પ્રત્યેક યોદ્ધા મહત્ત્વની કડી છે. વિજયનું શ્રેય ફક્ત એક વ્યક્તિને આપવામાં આવે એ ઉચિત નથી, યુદ્ધમાં સામેલ દરેક યોદ્ધાનું
મહત્ત્વ છે.’
ભગવાન શ્રીહરિ વિષ્ણુ: ‘પરંતુ આપણા દરેકના યોગદાનથી વધુ મહત્ત્વ હોય છે માતા-પિતાના આશીર્વાદ. તેમના આશીર્વાદ સિવાય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારની સફળતા મેળવી શકતી નથી. કુમાર કાર્તિકેય ભાગ્યશાળી છે કે દેવી પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદ તેમને પ્રાપ્ત છે.’
દેવર્ષિ નારદ: ‘મહાદેવની જય હો, શ્રી હરિ વિષ્ણુની જય હો, શું હવે સમય નથી આવી ગયો કે સ્વર્ગનું સિંહાસન કુમાર કાર્તિકેયને આપવામાં આવે.’ (ક્રમશ:)

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.