ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: અદાણી ઇફેક્ટને કારણે સપ્તાહના અંતિમ ચારેક સત્ર દરમિયાન શેરબજારમાં સારી રોનક જોવા મળી હતી અને ખાસ કરીને અંતમિ સત્રમાં તો તેજીનો જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. અલબત્ત એફઆઇઆઇની લેવાલીનો સારો ટેકો મળવા સાથે અન્ય કેટલાક પરિબળો ભેગા થયા હોવાથી ઘણા સમયથી દબાઇ રહેલા આખલાને છલાંગ મારવાનો મોકો મળી ગયો હતો.
સમીક્ષા હેઠળના સપ્તાહની જોરદાર છલાંગ વર્તમાન કેલેન્ડર વર્ષમાં સૌથી મોટી રહી હોવાથી તેની બજારના સેન્ટિમેન્ટ પર ઘણી સકારાત્મક અસર જોવા મળી છે. આ ઉછાળાએ બજારને પાછલા સપ્તાહના કેટલાક નુકસાનને રીકવર કરવામાં અને ત્રીજી માર્ચે સમાપ્ત થયેલા સપ્તાહમાં અડધા ટકાથી વધુના વધારા સાથે બંધ કરવામાં મદદ કરી છે.
ફુગાવાના સતત દબાણને કારણે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા આક્રમક કડક નીતિના અમલના ભય અને આર્થિક મંદીની ચિંતાએ શરૂઆતમાં બજારના સેન્ટિમેન્ટ પર દબાણ રહ્યું હતુ, પરંતુ સપ્તાહના અંતમાં ફેડરલના અધિકારીઓ દ્વારા માત્ર ૨૫ બેસિસ પોઈન્ટના દર વધારાની તરફેણ અને યુએસ સેન્ટ્રલ બેંકને દરમાં ધીમો વધારો કરવાની અપાયેલી સલાહને કારણે તેજીવાળાઓને કારણ જડ્યું હતું. ઉપરાંત, જીક્યુજી પાર્ટનર્સને ચાર કંપનીઓમાં હિસ્સો વેચીને અદાણી જૂથ દ્વારા એકત્ર કરાયેલા રૂ. ૧૫,૪૪૬ કરોડે રોકાણકાર સમુદાયનો વિશ્ર્વાસ વધાર્યો હતો, જેના પરિણામે પીએસયુ બેન્ક તેમજ અદાણી શેરોમાં રીલીફ રેલી જોવા મળી હતી. ભારત અને ચીનમાં ફેબ્રુઆરી માટે અપેક્ષા કરતાં વધુ સારી સેવાઓ પીએમઆઇએ પણ બજારના સેન્ટિમેન્ટમાં સુધારો કર્યો છે.
નિષ્ણાતો માને છે કે, બજારમાં થોડા વધુ દિવસો માટે હકારાત્મક વાતાવરણ રહી શકે છે, પરંતુ સ્થાનિક ટ્રિગર્સના અભાવને જોતાં, સહભાગીઓ આગળની દિશા માટે વૈશ્ર્વિક સંકેતો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશ એવું જણાય છે.
આ સપ્તાહે હોળીની જાહેર રજાને કારણે ટૂંકુ ટ્રેડિંગ સપ્તાહ હશે અને મિશ્ર સંકેતો વચ્ચે બજાર વોલેટાઈલ બની રહેવાની ધારણા છે. ડેટાના મોરચે રોકાણકારો ૧૦ માર્ચના રોજ જાહેર થનારા આઈઆઈપી ડેટા પર નજર રાખશે, આ ઉપરાંત અમેરિકાના શેરબજાર સહિતના ગ્લોબલ ઈન્ડાઈસિસ પર પણ રોકાણકારોની નજર રહેશે
નિષ્ણાતો એવો મત વ્યક્ત કરી રહ્યાં છે કે, ફુગાવાના ઉંચા દરને કારણે યૂએસ ફેડ વ્યાજદર વધારાનું ચક્ર જારી રાખે તેવી સંભાવનાને પગલે ભારતીય શેરબજાર વોલેટાઈલ રહેવાની ધારણા છે. અમેરિકન બોન્ડ યીલ્ડમાં વધારા અમે મેક્રો ડેટા ટૂંકા ગાળામાં માર્કેટના મૂડ પર અસર કરે તેવી શક્યતા છે.
બજારના એનાલિસ્ટ્સના મતે ધૂળેટીની જાહેર રજા સાથેના આ ટૂંકા ટ્રેડિંગ સપ્તાહે વૈશ્ર્વિક સંકેતો અને ફોરેન ફંડની ટ્રેડિંગ એક્ટિવિટી બજારની ભાવિ દિશા નિર્ધારિત કરશે. હોલીડે લિસ્ટ પ્રમાણે આગામી તારીખ ૭ માર્ચ (મંગળવારે) હોળી નિમિત્તે શેરબજાર બંધ રહેશે. જોકે, સ્ટોક બ્રોકર એસોસિએશન એનમીએ સરકારને અને એક્સચેંજિસ તેમજ સેબીને ૭ના બદલે ૮ તારીખે જાહેર રજા રાખવા માટે વિનંતી કરી છે.
હાલમાં ફરી એકવાર નેટ બાયર બનેલા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) અને સ્થાનિક સંંસ્થાકીય રોકાણકારો પર નજર રહેશે. વૈશ્ર્વિક મોરચે બેન્ક ઓફ જાપાન વ્યાજદર અંગે નિર્ણય કરશે જ્યારે યૂએસ મેક્રો ડેટા (યૂએસ નોન ફાર્મ પેરોલ્સ અને બેરોજગારીના આંકડા) ૧૦ માર્ચે જારી થવાના છે જ્યારે ઘરઆંગણે ભારતના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ડેટા પણ ૧૦ માર્ચના રોજ જારી થશે. આગામી શુક્રવારે શેરબજાર બંધ થયા બાદ જાન્યુઆરી મહીનાના ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ડેટા જાહેર થશે. આ ઉપરાંત રોકાણકારો આ સપ્તાહે યૂએસ ડોલર સામે રૂપિયાની ચાલ તેમજ બ્રેન્ટ ક્રૂડના ભાવ પર પણ નજર રાખે તેવી સંભાવના છે. સરવાળે વૈશ્ર્વિક મોરચે એક તરફ ફુગાવાનું જોખમ હળવું થવા સાથે ચાઈનાની કોવિડ ઝીરો પોલીસીના અંત બાદની ઝડપી રિકવરીએ વૈશ્વિક મંદીનું જોખમ હળવું કર્યું છે. આ સાથે યુક્રેન મામલે રશિયા અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત તરફી સંકેતને લઈ જીઓપોલિટીકલ ટેન્શન પણ હાલ તુરત ઘટતું જોવાઈ રહ્યું છે. ઘર આંગણે ફોરેન પોર્ટફોલિયોે ઈન્વેસ્ટરો(એફપીઆઈ) ફરી ગત સપ્તાહમાં ભારતીય શેર બજારોમાં મોટાપાયે ખરીદદાર બનતાં કરેકશન, અનિશ્ચિતતાના દોર હવે પૂરો થતો જોવાઈ રહ્યો છે.
દરમિયાન, અદાણી ગ્રુપના ઇન્વેસ્ટર્સને છેલ્લાં થોડા દિવસોમાં ઘણો સારો નફો થયો છે. આ દરમિયાન દેશના સૌથી મોટા ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર, લાઇફ ઇન્શ્યોરન્સ કોરપોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)નું પણ નુકસાન ઘણું રિકવર થઈ ગયું છે. અદાણી ગ્રુપ ઉપર હિંડનબર્ગના રિપોર્ટમાં લગાવવામાં આવેલાં આરોપ પછી ઇન્વેસ્ટર્સ અને એલઆઇસીને ભારે નુકસાન થયું હતું.
હવે અદાણી ગ્રુપ આ દિવસોમાં દુનિયાના વિવિધ દેશોમાં ફિક્સ્ડ ઇનકમ રોડ-શો કરી રોકાણકારોનો વિશ્ર્વાસ જીતવાની કોશિશ કરી રહ્યું છે. હાલમાં જ સિંગાપુર અને હોંગકોંગમાં ગ્રુપના રોડ-શો પછી આ ગ્રુપને અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ ફર્મ જીક્યુજી પાર્ટનર્સના કો-ફાઉન્ડર અને ચેરમેન રાજીવ જૈન પાસેથી રૂ. ૧૫,૦૦૦ કરોડથી વધુનું રોકાણ મળ્યું છે, જેના કારણે છેલ્લાં ચાર ટ્રેડિંગ સેશનમાં ગ્રુપની ૧૦ લિસ્ટેડ કંપનીઓના શેરમાં જબરદસ્ત તેજી જોવા મળી છે. ત્યાં જ, શુક્રવારે પણ ગ્રુપના બધા ૧૦ શેરમાં તેજી રહી હતી.
સેબીએ ગ્રેટવેલ્યુ કેપિટલને ૧૫૦૦ કરોડની ડીસ્ટ્રેસ એસેટના સંચાલન કરવા માટે લાઇસન્સ ફાળવ્યું: સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા ગ્રેટવેલ્યુ કેપિટલને રૂ. ૧૫૦૦ કરોડના ડિસ્ટ્રેસ્ડ એસેટ ઓલ્ટરનેટિવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (એઆઇએફ)ના સંચાલન માટે લાયસન્સ આપવામાં આવ્યું છે. એસકેઆઇ કેપિટલ એઆઇએફની રચનામાં ગ્રેટવેલ્યુ કેપિટલની એડવાઇઝર છે. ગ્રેટવેલ્યુ કેપિટલના પ્રવકતાએ કહ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થા સતત વૃદ્ધિ પામી રહી છે, અને ખાસ કરીને રિયલ એસ્ટેટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાકીય સેવા જેવા ક્ષેત્રોમાં રોકાણની આકર્ષક તકો હશે. અન્ય કોર્પોરેટ હલચલમાં હોમ ઇલેક્ટ્રિક સોલ્યુશન કેટેગરીમાં તાજેતરમાં એવોર્ડ મેળવનાર જીએમ મોડ્યુલર દ્વારા પોતાની તમામ આધુનિક પ્રોડક્ટ ધરાવતી બસ સાથે શો રૂમ ઓન વ્હીલના નવા કનસેપ્ટ સાથે જીએમ ફ્રીડમ રાઈડ નામે સીઆઇએસએફના જવાનોના સન્માનમાં સાયક્લોથોનનું આયોજન કર્યું હતું, જેમાં ૩૫૦ થી વધુ સીઆઇએસએફ અધિકારી સહભાગી થયા હતા. પટેલ એન્જિનિયરિંગ લિમિટેડે એક વધુ ટર્નકી પ્રોજેકટ હાસંલ કર્યો છે. હાઇડ્રોપાવર અને સિંચાઈ ક્ષેત્રે વિશેષતા ધરાવતી સિવિલ ક્ધસ્ટ્રક્શન કંપની પટેલ એન્જીનીયરીંગ લિમિટેડે એક્સેન્જને જાણ કરી છે કે, જોઇન્ટ વેન્ચર પાર્ટનર્સ સાથે મળીને કંપનીને મધ્યપ્રદેશના જળ સંસાધન વિભાગ તરફથી રિહાન્દ માઇક્રો ઇરિગેશન પ્રોજેક્ટનો લેટર ઑફ એવોર્ડ હાંસલ થયોે છે, જે અગાઉ એલ-વન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. કંપની જોઇન્ટ વેન્ચરમાં ૮૦ ટકા ભાગીદાર છે, પ્રોજેક્ટમાં તેનો હિસ્સો રૂ. ૫,૧૨૦.૪૭ મિલિયન છે. પ્રોજેક્ટ અંતર્ગત પ્રેશરાઇઝડ પાઈપલાઈન સિસ્ટમ દ્વારા રાઈઝિંગ અથવા ગ્રેવીટી મેઈન્સ દ્વારા પાણી પહોંચાડવા માટે પ્રેશર ઈરીગેશન સિસ્ટમનું નિર્માણ કરવાનું છે. કરારની કિંમત રૂ. ૬,૪૦૦.૫૯ મિલિયન છે.