રિપો રેટ વધારવાના આરબીઆઈના નિર્ણય બાદ સેન્સેક્સમાં ૩૫૦ પૉઈન્ટનો સુધારો ધોવાઈને અંતે મામૂલી ૮૯ પૉઈન્ટનો સુધારો

શેરબજાર

મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીની બેઠકના સમાપન પૂર્વે આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ આરબીઆઈએ બૅન્ચમાર્ક દરમાં ૫૦ બેઝિસ પૉઈન્ટનો વધારો કરવાનો નિર્ણય લીધાની જાહેરાત સાથે સુધારો ધોવાઈ ગયો હતો અને સત્રના અંતે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો ૩૦ શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ૮૯.૧૩ પૉઈન્ટના અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો ૫૦ શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી ૧૫.૫૦ પૉઈન્ટના સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો. એકંદરે આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદાના ભાવમાં ઘટાડો અને ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૪૭૪.૭૭ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના એક્સચેન્જના પ્રાથમિક અહેવાલોને કારણે બજારના સુધારાને ટેકો મળ્યો હતો. આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૮,૨૯૮.૮૦ના બંધ સામે સુધારાના ટોને ૫૮,૪૨૧.૦૪ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૫૮,૨૪૪.૮૬ અને ઉપરમાં ૫૮,૬૪૯.૧૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૮૯.૧૩ પૉઈન્ટ અથવા તો ૦.૧૫ ટકા વધીને ૫૮,૩૮૭.૯૩ની સપાટીએ બંધ રહ્યો હતો. આમ એકંદરે આજે રિઝર્વ બૅન્કના રિપો રેટ વધારવાના નિર્ણય પૂર્વે સેન્સેક્સમાં ૩૫૦ પૉઈન્ટની તેજી જોવા મળી હતી. તે જ પ્રમાણે આજે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૩૮૨ના બંધ સામે સુધારાના ટોને ૧૭,૪૨૩.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૧૭,૩૪૮.૭૫ અને ઉપરમાં ૧૭,૪૭૪.૪૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૧૫.૫૦ પૉઈન્ટ અથવા તો ૦.૦૯ ટકા વધીને ૧૭,૩૯૭.૫૦ની સપાટીએ બંધ રહ્યો હતો.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.