પહેલા વિધાનસભ્ય પછી ચૂંટણીનું ચિન્હ હવે શિવસેનાની ઓફિસ શિંદેના કબજામાં!
નાગપુરઃ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને તેમના સાથીપક્ષોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ લેતી નથી. અગાઉ જૂન મહિનામાં એકનાથ શિંદેના 40 વિધાનસભ્ય દ્વારા બળવો કરીને પક્ષ (શિવસેના)નું વિભાજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ શિવસેનાના ચિન્હને લઈને ચૂંટણી પંચમાં રજૂઆતથી લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. હવે એકનાથ શિંદેની પાર્ટીએ નાગપુર વિધાનસભાનું શિવસેનાનું કાર્યાલય પણ પોતાના કબજામાં લીધું છે. હવે તમને એ વાત પણ જણાવી દઈએ કે સોમવારથી મહારાષ્ટ્ર વિધાનસભાનું વિન્ટર સેશનની શરુઆત નાગપુર વિધાનભવનમાં થઈ છે ત્યારે વિધાનસભ્યની સંખ્યાને ધ્યાનમાં રાખીને શિવસેના પાર્ટીની ઓફિસ એકનાથ શિંદે જૂથને આપવામાં આવી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથને એક વૈકલ્પિક જગ્યા આપવામાં આવી છે.
કોઈ પણ પક્ષમાં વિધાનસભ્યો, સાંસદો એક રહેવાનો અર્થ એ છે કે પક્ષ મજબૂત છે, પરંતુ છેલ્લા ચાર મહિનાથી શિવસેના આ જ મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી છે. કહેવાય છે કે 2019 પછી પહેલી વખત નાગપુરમાં વિન્ટર સેશન યોજવામાં આવ્યું છે, પરંતુ આ સત્રમાં શિવસેનાના વર્ષો જૂના કાર્યાલયને બદલવામાં આવ્યું છે અને આ ઓફિસ એકનાથ શિંદે જૂથને આપવામાં આવી છે.
નાગપુરમાં 19 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી દસ દિવસ માટે મહારાષ્ટ્ર સરકારનું વિન્ટર સેશન ચાલુ થઈ ગયું છે. સત્રના પહેલા દિવસે જ મહાવિકાસ આઘાડી (એમવીએ)ના પક્ષોએ એકનાથ શિંદે સરકારને ટાર્ગેટ બનાવી હતી અને આ સત્રમાં પણ પચાસ ખોખે એકદમ ઓકેના નારા લગાવવામાં આવ્યા હતા.