પ્રાસંગિક -લોકમિત્ર ગૌતમ
આજે અમે જે ઘટના વિશે તમને જણાવી રહ્યા છીએ તે કોઈ ફિલ્મી સ્ટોરી નથી, પરંતુ હકીકત છે. આ ઘટના આસામના નૌગાવ જીલ્લાના મોરી ગામની છે. આ ગામનો ૨૭ વર્ષીય યુવક બીટુપન તામુલી અને આ જ જીલ્લાની કોસુઆ ગામની ૨૪ વર્ષીય પ્રાર્થના બોરાની સાચી કહાની છે. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. બંનેના ઘરના લોકોને પણ આ વાત ખબર હતી, તેથી તેઓ પણ લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા.જો કે કિસ્મતને કૈંક અલગ જ મંજૂર હતું. એક વાર પ્રાર્થના કોઈ બીમારીની અચાનક ઝપેટમાં આવી ગઈ અને તેનું મોત થઇ ગયું. આ સાંભળીને બીટુના પગ તળેથી જમીન ખસી ગઈ અને રડી રડીને પોતાની હાલત ખરાબ કરી દીધી. બધાએ બીટુને ખૂબ જ સમજાવ્યો તેમ છતાં તેના આંસુ સુકાતાં નહોતાં. બીટુએ ફેસલો કર્યો કે પ્રાર્થનાની લાશ સાથે લગ્ન કરશે, કારણ કે તેને તો પ્રાર્થનાને જ પત્ની તરીકે જોઈ હતી. પહેલા તો આ વાત સાંભળી ઘરના લોકો ગુસ્સે થયા પરંતુ બીટુનો પ્રેમ જોઈ સૌ કોઈ રાજી થઇ ગયા. ૧૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ પ્રાર્થનાનું મૃત્યુ થયું અને બીજા દિવસે બીટુએ બધાની હાજરીમાં પ્રાર્થનાના મૃતદેહ સાથે લગ્ન કરી લીધાં. આ લગ્નમાં એ બધી જ વિધિ કરવામાં આવી જે સામાન્ય લગ્નમાં કરવામાં આવે છે.
આ લગ્ન માટે પ્રાર્થનાના મૃતદેહને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો. સોળ શણગાર સજી પ્રાર્થના બોરા ચિતા પર હતી ત્યારે તેના પ્રેમી બીટુએ તેને વરમાળા પહેરાવી. એટલું જ નહી તે રોતા રોતા તેની પાસે જઈને સૂઈ ગયો. એના આંસુ જોઇને હાજર લોકોના આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં. ત્યારબાદ બીટુએ પ્રાર્થનાની માંગ ભરી અને બધાની સામે કસમ ખાધી કે તે હવે ક્યારેય કોઈ છોકરીને પ્રેમ નહી કરે કે ના લગ્ન. શાયદ આ જ પ્રેમ, લાગણી અને સમર્પણની કહાની છે. બીટુ અને પ્રાર્થના નાનપણથી જ એકબીજાને ઓળખતા હતા અને સાથે જ મોટાં થયાં હતાં. એ લોકો નજીક નજીકમાં રહેતા હતા. એટલે મોટા ભાગનો સમય બન્ને જોડે જ વિતાવતાં હતાં. શાળાએ પણ જોડે જ જતાં અને રમવા પણ. આમ દિવસો પસાર થતા ગયા અને બન્નેને પ્રેમ થઇ ગયો. બન્નેને એકબીજાની કંપની ખુબ જ ગમતી હતી, એટલે તેઓ જ્યાં પણ જાય સાથે જ હોય. ગામના મિત્રો પણ તેમને ચીડવતા અને મજાક ઉડાવતા હતા. ઘરના લોકોને જ્યારે આ વાતની ખબર પડી તો તે પણ આ બન્ને દૂર કરવાની કોશિશ કરવા લાગ્યા, પરંતુ બન્ને ટસના મસ થયાં નહી અને આખરે ઘરના લોકોએ પણ તેમના સંબંધોનો સ્વીકાર કરી લીધો. જો કે ભગવાનને આ વાત મંજૂર ના હતી અને પ્રાર્થના ગંભીર બીમારીમાં સપડાઈ ગઈ. અને આખરે પ્રાર્થનાનું મોત થતા બંનેની પ્રેમકહાનીનો અંત આવ્યો.