આગોતરા જામીન માટે કોર્ટમાં બનાવટી દસ્તાવેજ રજૂ કરનારી મહિલા સામે ગુનો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અંધેરીમાં રહેતા ફિલ્મ અભિનેતાની સોશિયલ મીડિયા પર બદનામી કરવાના કેસમાં આગોતરા જામીન મેળવવા માટે કોર્ટમાં કથિત બનાવટી દસ્તાવેજ રજૂ કરવા પ્રકરણે પોલીસે મહિલા સહિત બે જણ સામે ગુનો નોંધ્યો હતો.
અંધેરી પશ્ર્ચિમમાં ઓશિવરા નજીક આવેલા જિમમાં આરોપી મહિલા અને તેના સાથીની ઓળખાણ ફરિયાદી અભિનેતા સાથે થઈ હતી. ઓશિવરામાં જ અભિનેતાની એક દુકાન પણ છે, જેમાં એક્સરસાઈઝ કરનારાઓ માટે પ્રોટીન સહિતની અન્ય ખાદ્ય વસ્તુઓ વેચવામાં આવે છે. બન્ને આરોપીએ આ દુકાનમાંથી બાવન હજાર રૂપિયાની વસ્તુ ખરીદી હતી. આભિનેતાએ રૂપિયાની માગણી કરતાં સોશિયલ મીડિયા પર અશ્ર્લીલ તસવીરો અને વીડિયો જાહેર કરી તેની કથિત બદનામી આવી હતી. આ મામલે અભિનેતાએ ૨૦૧૯માં ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોરેગામ પોલીસે મહિલા અને તેના સાથી વિરુદ્ધ ગુનો નોંધતાં તેમણે દિંડોશી સેશન્સ કોર્ટમાં જૂન, ૨૦૧૯માં આગોતરા જામીન માટે અરજી કરી હતી. અરજીની સુનાવણી પછી નવેમ્બર, ૨૦૧૯માં કોર્ટે બન્નેના આગોતરા જામીન મંજૂર કર્યા હતા. જામીન મેળવવા મહિલાએ કોર્ટમાં ભારતીય ચૂંટણી પંચનું વૉટર આઈડી કાર્ડ રજૂ કર્યું હતું, જે બનાવટી હોવાનો દાવો અભિનેતાએ કર્યો હતો. મહિલાએ ઓશિવરાના જિમમાં પ્રવેશ મેળવતી વખતે તેના પાસપોર્ટની નકલ આપી હતી. પાસપોર્ટ અનુસાર મહિલા બંગલાદેશી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. આ પ્રકરણે કુરાર પોલીસે બનાવટી દસ્તાવેજ રજૂ કરવા પ્રકરણે મહિલા અને આ બનાવટી ઓળખપત્ર બનાવવામાં મદદરૂપ થવા બદલ તેના સાથી સામે ગુનો નોંધ્યો હતો.