વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કોણ હશે?

દેશ વિદેશ

દેશના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની છે. આ માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ અને કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ ગઠબંધન વચ્ચે ખળભળાટ મચી ગયો છે. દરમિયાન, બે સંભવિત વિપક્ષી ઉમેદવારોએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યો છે.
પહેલા એનસીપીના વડા શરદ પવાર અને હવે નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ ઉમેદવાર બનવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં રાજકીય ગલિયારામાં અન્ય નામોની ચર્ચાએ જોર પકડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આમાંથી કોઈ એક નામ પર મહોર મારવામાં આવશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિપક્ષને એક કરવા માટે ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. 15 જૂને જ તેમણે 22 વિપક્ષી દળોની બેઠક બોલાવી હતી. આમ આદમી પાર્ટી, તેલંગાણાની TRS, ઓડિશાની BJD, આંધ્રપ્રદેશની YSR કોંગ્રેસ જેવી પાર્ટીઓ તેમાં સામેલ નહોતી થઇ.
ફારુક અને શરદ પવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની ના પાડી એના ઘણા કારણો છે. વિપક્ષ હજુ એકજૂટ નથી. વિપક્ષ એક થયા વિના રાષ્ટ્રપતિની આ ચૂંટણી જીતી શકશે નહીં. આવી સ્થિતિમાં શરદ પવાર અને ફારૂક અબ્દુલ્લા કોઈ જોખમ લેવા માંગતા નથી. બંને જણા ભાજપના કટ્ટર વિરોધી છે, પણ વડા પ્રધાન મોદી સાથે બંનેના સંબંધો સારા છે. મોદી બંનેનું સન્માન કરે છે. ઉપરાંત ફારુક અબ્દુલ્લાના નામ પર વિપક્ષોમાં સહમતિ નથી. તેમનું માનવું છે કે જો તેઓ ફારુક અબ્દુલ્લાને સમર્થન આપે છે તો 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ તેનો ફાયદો ઉઠાવી શકે છે. કારણ કે ફારુક અબ્દુલ્લા અનેક વખત વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે.
શરદ પવાર અને ફારુક અબ્દુલ્લાના ઈનકાર બાદ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે ગોપાલ કૃષ્ણ ગાંધીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. ગોપાલ કૃષ્ણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પૌત્ર છે. તેઓ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ અને IAS અધિકારી રહી ચૂક્યા છે. ગોપાલકૃષ્ણ ગાંધી 2019માં વિપક્ષ તરફથી સંયુક્ત ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પણ હતા. જોકે, તેઓ એનડીએના વેંકૈયા નાયડુ સામે ચૂંટણી હારી ગયા હતા.
ગોપાલ કૃષ્ણ ગાંધી સિવાય મુલાયમ સિંહ યાદવના નામની પણ ઘણી ચર્ચા થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મમતા બેનર્જીએ પણ મુલાયમનું નામ સૂચવ્યું છે. ઘણા પક્ષો પણ આ સાથે સહમત છે. જો કે મુલાયમની તબિયત આ દિવસોમાં બગડી રહી છે, તેથી વિપક્ષો કોઇ જોખમ લેવા તૈયાર નથી.
એક સમયે ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક એવા યશવંત સિંહા આ દિવસોમાં તૃણમૂલ કોંગ્રેસ માટે રાજકીય બેટિંગ કરી રહ્યા છે. વિપક્ષ પણ યશવંત સિન્હાના નામ પર વિચાર કરી રહ્યું છે.
કેરળના સાંસદ એન.કે. પ્રેમચંદ્રનના નામ પર પણ છેલ્લી બેઠકમાં ચર્ચા થઈ હતી. પ્રેમચંદ્રન કેરળ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રેમચંદ્રનનું નામ આગળ કરવાનું કારણ દક્ષિણ ભારતના રાજકીય પક્ષોનું સમર્થન મેળવવાનું છે.
આ નામો સિવાય વિપક્ષના નેતાઓએ દેશના મોટા અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, પૂર્વ રાજદ્વારીઓની યાદી પણ તૈયાર કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 21 જૂને યોજાનારી વિપક્ષની આગામી બેઠકમાં  આ નામો પર ચર્ચા કરવામાં આવશે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.