વરસાદમાં ખાડામાં મુંબઈ, રસ્તા પર પડ્યા ફરી ખાડા

આમચી મુંબઈ ટૉપ ન્યૂઝ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગણેશોત્સવથી ચાલુ થયેલો વરસાદ હજી થમવાનું નામ લેતો નથી. સતત પડી રહેલા વરસાદને કારણે મુંબઈના રસ્તાઓ પર ફરી ખાડાઓ પડવાના ચાલુ થઈ ગયા છે. શહેર અને ઉપનગરમાં અનેક ઠેકાણે રસ્તાઓ પર ખાડા પડી ગયા છે, તેને કારણે વાહનચાલકોને વાહન ચલાવતા નાકે દમ આવી ગયો છે.
ગણેશોત્સવ પહેલાં રસ્તા પર એક પણ ખાડો નહીં હોય એવો દાવો કરનારી પાલિકાના દાવા ફરી એક વખત પોકળ સાબિત થઈ રહ્યા છે. ગણપતિબાપ્પા વિસર્જનની સાથે જ રસ્તાઓ પર ફરી એક વખત ઠેર ઠેર ખાડાઓ પડવાના ચાલુ થઈ ગયા છે. વરસાદ સતત પડી રહ્યો છે, તેને કારણે પાલિકાએ લાખો રૂપિયા ખર્ચીને ખાડા પૂરેલા તે જગ્યાએ ફરી ખાડા પડી ગયા છે.
પૂર્વ ઉપનગરમાં નાહુર રેલવે સ્ટેશન (પૂર્વ) તરફના હરિશચંદ્ર કોપરકર માર્ગ, કાંજુર માર્ગ, વિક્રોલી, ઘાટકોપર, ભાંડુપ, ચેંબુર, કુર્લાના એલ.બી.એસ. માર્ગ પર અને વિદ્યાવિહાર પર રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. હરિશચંદ્ર કોપરકર માર્ગનો ઉપયોગ નાહુર, ભાંડુપ અને કાંજુર માર્ગમાં જવા માટે થાય છે. હરિશચંદ્ર કોપરકર માર્ગ પર ડી.એ.વી. કૉલેજ, મેનન કૉલેજ અને અનેક શાળાઓ અહીં છે. રસ્તા પરના ખાડાને કારણે લોકોને હાલાકી વેઠવી પડી રહી છે.
ઘાટકોપરમાં ગારોડિયા નગરમાં પણ ખાડા પડી ગયા છે. ઘાટકોપર, શિવાજી ચોક (પૂર્વ), એલ.બી.એસ. માર્ગ-કુર્લા (પશ્ર્ચિમ) રમાબાઈ નગર, ગોવંડી, ચુનાભટ્ટીમાં પણ રસ્તાની હાલત ખરાબ છે. ગોરેગાંવમાં આરે-મરોલ રસ્તાની હાલત ખરાબ છે. મેટ્રો કારશેડ પાસેના રસ્તા પર મોટી સંખ્યામાં ખાડા પડી ગયા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.