ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીને બ્રિટનની ઓક્સફર્ડ યુનિયન તરફથી ચર્ચાસત્રમાં ભાગ લેવાનું આમંત્રણ મળ્યું હતું. ચર્ચાનો વિષય હતો કે શું ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાચા રસ્તે જઇ રહ્યું છે? જોકે વરુણ ગાંધીએ આ વિષય ચર્ચા માટે યોગ્ય નથી એવો જવાબ આપી સન્માનપૂર્વક આમંત્રણનો અસ્વિકાર કર્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બાદ હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધી માટે પણ બ્રિટનથી આમંત્રણ આવ્યું છે. ઓક્સફર્ડ યુનિયન તફથી મોકલવામાં આવેલ આ નિમંત્રણમાં વરુણ ગાંધીને મોદી સરકાર સાથે સંલગ્ન એક વિષય પર ચર્ચા કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા. પણ એમણે આ ચર્ચામાં સામેલ થવાની ના પાડી હતી.
વરુણ ગાંધીને મળેલ નિમંત્રણમાં એમને જે વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરવાનું કહેવામાં આવ્યું હતું, એ વિષય ‘શું ભારત વડાપ્રધાન મરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સાચા રસ્તે જઇ રહ્યું છે?’ એવો હતો. જોકે વરુણે વિનમ્રતાથી આ નિમંત્રણનો અસ્વિકાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે વરુણ ગાંધીને ઓક્સફર્ડ યુનિયન તરફથી આમંત્રણ મળ્યું છે. આ સંસ્થા ઇગ્લેંન્ડના ઓક્સફર્ડ શહેરમાં આવેલી છે. સંસ્થાનો દાવો છે કે તેઓ દુનિયાભરમાં અલગ-અલગ મુદ્દાઓ પર લોકતાંત્રીક વિષયોને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહી છે.
એક વેબ પોર્ટલ પરથી મળતી માહિતી મુજબ વરુણ ગાંધીએ આ આમંત્રણનો અસ્વિકાર કરતા જણાવ્યું કે, ‘ઓક્સફર્ડ યુનિયન જેવા પ્રતિષ્ઠિત શૈક્ષણિક મંચ પર ચર્ચાસત્રમાં આમંત્રણ મળવું એ સન્માનની વાત છે. અહીં પરિવસંવાદમાં કોઇ લેખક, વિષ્લેશક કે પછી સાંસદને આમંત્રિત કરવું એ પરિસંવાદને ઉંચા સ્તરે લઇ જવા માટેનું સાર્થક યોગદાન છે. મને આમંત્રિત કરવા માટે હું આ સંસ્થાનો આભાર વ્યક્ત કરું છું. પણ હું આ આમંત્રણ સ્વિકારી નહીં શકું. મને લાગે છે કે ચર્ચા માટે જે વિષયની પસંદગી કરવામાં આવી છે, એમાં ચર્ચા કે વાદ-વિવાદ માટે કોઇ અવકાશ નથી’
તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ભારત વિકાસ અને સર્વસમાવેશકતા (Inclusiveness)ના યોગ્ય રસ્તા પર છે. એક એવો રસ્તો જ્યાં આઝાદીના 7 દશકા બાદ આર્થિક વિકાસ, કૃષિ, શિક્ષા અને આરોગ્ય સેવાઓને પુનર્જિવીત કરી ભારતને સર્વોપરી રાખવામાં આવ્યું છે. દરેક જીવીત લોકતંત્ર પોતાના નાગરિકોને કોઇ પણ મુદ્દાઓ પર પોતાનું મંત્યવ્ય મૂકવાની સ્વતંત્રતા અને અવસર આપે છે. એક ચૂંટાયેલા પ્રતિનિધીના રુપે મારી એ જવાબદારી છે કે હું યોજનાઓનો અભ્યાસ કરી એમના વિશે પોતાનું મંતવ્ય રજુ કરું. જેથી સિસ્ટમને વધુ મજબૂત કરી શકાય.’
તેમણે જણાવ્યું કે, ‘સંસદમાં અથવા તો અન્ય મંચના માધ્યમથી કાયમ અને રચનાત્મક રીતે રાષ્ટ્રીય પરિસંવાદમાં બાદ લેવો એ પ્રાથમિકતા છે. જોકે ભારતના નીતિ નિર્માતાઓએ આવા પ્રકારની ટિપ્પણી ભારતની અંદર જ કરવી જોઇએ. આંતરરાષ્ટ્રિય મંચ પર આંતરિક પડકારો અંગે વાત કરવામાં મને કોઇ વફાદારી દેખાતી નથી.’