ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન ૩૧ પૈસા ગબડ્યા બાદ અંતે ૧૦ પૈસા તૂટ્યો

વેપાર વાણિજ્ય

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ વધીને ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો એક તબક્કે ગત શુક્રવારના ૭૯.૮૪ના બંધથી ૩૧ પૈસા ગબડીને ૮૦.૧૫ની નવી ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યા બાદ અંતે આગલા બંધથી ૧૦ પૈસાના ઘટાડા સાથે ૭૯.૯૪ની સપાટીએ બંધ રહ્યો હતો. ૨૦મી જુલાઈના રોજ ડૉલર સામે રૂપિયો ૮૦ની સપાટી પાર કરીને ૮૦.૦૫ની સપાટીએ બંધ રહ્યો હતો. ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૭૯.૮૪ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૦.૧૦ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૦.૧૫ અને ઉપરમાં ૭૯.૯૩ની રેન્જમાં અથડાઈને અંતે ૧૦ પૈસાના ઘટાડા સાથે ૭૯.૯૪ના મથાળે બંધ રહ્યો હતો. ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે જેક્સન હોલ ખાતેના વક્તવ્યમાં વધી રહેલા ફુગાવા સામે ઝિંક ઝીલવા માટે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક વધારાનું વલણ અપનાવશે, એવા અણસાર આપતા આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેકસ આગલા બંધથી ૦.૨૮ ટકા વધીને ૧૦૯.૧૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ આવ્યો હોવાનું બીએનપી પારિબાસના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરે તેમ હોવાથી વૈશ્ર્વિક આર્થિક વૃદ્ધિની ચિંતા પણ સપાટી પર આવી હોવાથી આગામી દિવસોમાં ડૉલર સામે રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા છે. માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટીમાં અનુક્રમે ૮૬૧.૨૫ પૉઈન્ટનો અને ૨૪૬ પૉઈન્ટનો ઘટાડો આવવાની સાથે ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૫૧.૧૨ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાથી વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ આગલા બંધથી ૦.૬૪ ટકા વધીને બેરલદીઠ ૧૦૧.૬૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી ગબડતા રૂપિયાને ઢાળ મળ્યો હતો.

ડૉલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ટોચે પહોંચતા વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૪૦૩ અને ચાંદીમાં ₹ ૧૨૯૧ તૂટ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગત શુક્રવારે ફુગાવાને ડામવા માટે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાના સંકેત આપતા આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ ઉછળીને ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે સોનામાં ઘટાડો આવ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો પડ્યો હોવાથી સોનામાં ભાવઘટાડો ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૧થી ૪૦૩ સુધી મર્યાદિત રહ્યો હતો. તેમ જ આજે વિશ્ર્વ બજાર પાછળ ચાંદીના ભાવ પણ કિલોદીઠ રૂ. ૧૨૯૧ના કડાકા સાથે રૂ. ૫૫,૦૦૦ની સપાટીની અંદર ઊતરી ગયા હતા.
આજે સ્થાનિક સોના-ચાંદી બજારમાં સોનામાં વધુ ઘટાડાના આશાવાદે જ્વેલરો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની લેવાલી પાંખી રહી હતી. તેમ જ રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૪૦૧ ઘટીને રૂ. ૫૧,૦૬૦ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૪૦૩ ઘટીને રૂ. ૫૧,૨૬૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૨૯૧ ઘટીને રૂ. ૫૪,૩૧૬ના મથાળે રહ્યા હતા.
ફેડરલ રિઝર્વના અધ્યક્ષે વ્યાજદરમાં આક્રમક ધોરણે વધારો કરવાના અણસાર આપતા આજે ડૉલર ઈન્ડેક્સ ૨૦ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સોનાની પડતરોમાં વધારો થવાને કારણે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારો નવી લેવાલીથી દૂર રહ્યા હતા પરિણામે હાજરમાં સોનાના ભાવ આગલા બંધથી ૦.૬ ટકા ઘટીને ૧૭૨૭.૨૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત ૨૭ જુલાઈની ઔંસદીઠ ૧૭૧૯.૫૬ પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૭૨૦.૩૧ ડૉલર અને વાયદામાં ભાવ આગલા બંધથી ૦.૬ ટકાના ઘટાડા સાથે ઔંસદીઠ ૧૭૩૮.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધથી ૧.૩ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૧૮.૬૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
સામાન્યપણે આર્થિક જોખમો સામે સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ રહેતી હોય છે, પરંતુ હાલને તબક્કે વ્યાજદરમાં વધારો અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી સોનામાં તેજી અવરોધી રહી છે. તેમ જ ફેડરલ રિઝર્વ આગામી સપ્ટેમ્બર મહિનાની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ૭૫ બેઝિસ પૉઈન્ટનો વધારો કરે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા બજાર વર્તુળો આગામી સમયગાળામાં સોનાના ભાવ ઘટીને ઔંસદીઠ ૧૬૮૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.