પાકિસ્તાની કાર્યક્રમમાં ત્યાંના લોકોને અરીસો બતાવીને આવેલા ગીતકાર જાવેદ અખ્તરની ભારતમાં તો ઘણી પ્રશંસા થઈ રહી છે, પરંતુ પાકિસ્તાન હવે ગરમાયું છે. પાકિસ્તાની સિંગર અલી ઝફરે અખ્તરનું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. હવે તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ફૈઝ ફેસ્ટિવલમાં જાવેદ અખ્તરની વાત પર તાળીઓ વગાડનારી ઓડિયન્સ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. હવે પાકિસ્તાની પોતાના જ લોકોની નીંદા કરી રહ્યા છે. પાકિસ્તાની હીરોઈન મીશી ખાને જાવેદ અખ્તરને કહ્યું કે દૂધમાં માખી નાખીને ન આપાય.
તમે અમારા મહેમાન હતા. પ્રસંગ જોઈને વાત કરવી જોઈએ. તમે અમારી ચિંતા ન કરી, પરત જવાની ચિંતા હતી જેથી આવું કહ્યું કારણ કે ભારતીયોની વાહવાહી તમારે જોઈએ છે. તમારી પાસેથી આવી આશા ન હતી. તો એક્ટર પ્રોડ્યુસર એજાજ અસલમે ટ્વીટ કર્યુ જાવેદ અખ્તરના દિલમાં આટલી નફરત હતી તો તેમણે અહીં આવવું જોઈએ નહીં. તમે આમ કહ્યું તો પણ અમે તમને સુરક્ષિત અહીંથી જવા દીધા. તમને પાકિસ્તાન આતંકી દેશ લાગતો હોય તો અહીં શા માટે આવ્યા.
અખ્તરે પોતાના વાઈરલ વીડિયો બાદ વાત કરતા જણાવ્યું કે મેં જ્યારે કહ્યું ત્યારે ઘણાએ તાળી વગાડી. તેનો મતલબ કે તે મારી વાત સાથે સહમત છે. તેમને ભારત ગમે છે. આપણે આવા લોકો સાથે કનેક્ટ થઈએ જે ભારત સાથે જોડાઈ રહ્યા છે.