Homeપુરુષઆસોમાં ચંદ્રને માણ્યા પછી આરોગ્ય જાળવવા કારતકમાં સૂર્યનો સંગાથ જરૂર કરજો

આસોમાં ચંદ્રને માણ્યા પછી આરોગ્ય જાળવવા કારતકમાં સૂર્યનો સંગાથ જરૂર કરજો

તન-દુરસ્તી મન-દુરસ્તી-મુકેશ પંડ્યા

આજે દીપાવલીના શુભ પ્રસંગે સહુના તન-મન હંમેશા સ્વસ્થ રહે એવી શુભેચ્છા. હેલ્થ ઇઝ વેલ્થ – આ તથ્યની જાણ કુદરતને પણ છે એટલે શરદઋતુમાં ચંદ્રની સંગાથે તમે ગરબા કસરત કરી આરોગ્ય મેળવ્યું. આસો મહિનામાં ચંદ્રએ તમારા માટે એક દવા તરીકે કામ કર્યું તો નવા વર્ષનો સૂર્યોદય લિટરલી તમારા માટે ઔષધિનો ખજાનો લઇને આવશે. દિવાળીની રાત્રિએ શરદઋતુ પૂરી થઇ અને હવે કારતક સુદ એકમને ૨૬ ઑક્ટોબરે હેમંત ઋતુની શરૂઆત થશે.
‘ઊગે છે રવિ મૃદુ, હેમંતનો.. પૂર્વમાં’
ગુજરાતના પ્રખ્યાત રાજવી કવિ કલાપીની આ પંક્તિમાં વર્ણવ્યું છે તેમ નવા વર્ષનો હેમંત ઋતુનો મૃદુ સૂર્ય ખરેખર માણવા લાયક હોય છે. આ ઋતુમાં સૂર્યનો સંગાથ એટલે આરોગ્યનું રખોપું. ઉનાળામાં કાળઝાળ લૂ મોકલતો અને ચોમાસામાં વાદળા પછવાડે સંતાઇ રહેતો સૂર્ય શિયાળાની ઠંડીમાં દોસ્તીનો હાથ લંબાવીને આહ્વાન આપે છે કે હું તમારી મદદે આવ્યો છું. મારાથી જેટલો ફાયદો ઉઠાવવો હોય તે તમે આ ઋતુમાં ઉઠાવી શકો છો.
ભારતમાં બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કારતક સુદ છઠને દિવસે સૂર્યની ઉપાસના થાય છે તે હવે છઠ પૂજાના નામે પૂરા ભારતમાં પ્રચલિત છે. આ બહાને લોકોને સૂર્યના સાંનિધ્યનો લાભ મળે છે જે શિયાળામાં જરૂરી છે.
દિવાળીની ધમાલમાં જો સવારે ફરવા જવાનું છોડી દીધું હોય તો ફરી શરૂ કરી દેજો. સવારના સૂર્યકિરણો વધુ ફાયદાકારક અને સહન થઇ શકે એવા હોય છે. આવા કિરણો આપણી ચામડીમાં પ્રવેશી અતિ આવશ્યક વિટામિન ડી ઉત્પન્ન કરે છે, જે શરીરના હાડકાઓને મજબૂત બનાવે છે. શિયાળામાં ખાસ કરીને સિનિયર સિટિઝનોને સતાવતો સાંધાના દુખાવામાં સૂર્યકિરણોનો શેક દવાનું કામ કરે છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ અઠવાડિયામાં ત્રણથી ચાર વાર, પાંચથી પંદર મિનિટ જો તમે તમારા હાથ-પગ કે ચહેરા પર સૂર્યકિરણો ઝિલ્યા હોય તો શરીરને જોઇતું વિટામિન ડી તૈયાર થઇ જાય છે. ડૉ. ચાર્લ્સ ઠેનેન અને એડવર્ડ સોની તો પોતાના સંશોધનમાં સાબિત કરી ચૂક્યા છે કે માત્ર ચામડી જ નહિ, શરીરના અંદરના ભાગોમાં જઇને એમને સ્વસ્થ બનાવવાનું કાર્ય સૂર્યના કિરણો સફળતાપૂર્વક કરતા હોય છે. બ્રિટિશ વૈજ્ઞાનિક ડૉ. ડબલ્યૂ એમ. ફ્રેજરે લખ્યું છે કે સૂર્યકિરણોમાં જીવાણુંઓનો નાશ કરવાની અદ્ભુત શક્તિ છે. ડૉ. આર. ટી. ટ્રોલના સર્વેક્ષણ અનુસાર કે અંધારી જગ્યાઓમાં રહેતા લોકોમાં સામાન્ય રોગ પણ ગંભીર સ્વરૂપ ધારણ કરતા હોય છે એટલે જગ્યા ભલે નાની હોય પણ સૂર્યપ્રકાશ મળી રહે તેવી હોય એ હિતાવહ છે. સૂર્યસ્નાનથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. સ્નાયુઓમાં બળ વધે છે. સગર્ભા સ્ત્રી પણ સૂર્યસ્નાન કરે તો ધાવણ સારું આવે છે.
સૂર્યકિરણો થકી આપણા મગજમાં રહેલા સિરોટોનિન નામના અંત:સ્રાવનું પ્રમાણ વધે છે જેને કારણે આપણો મૂડ સુધરે છે. ડિપ્રેશનથી મુક્તિ મળે છે. મગજ શાંત રહે છે. એકાગ્રતા વધે છે.
સૂર્યપ્રકાશ અનેક પ્રકારના કૅન્સરથી પણ બચાવે છે. ડૉ. હર્બટ શેલ્ટન લખે છે કે પૃથ્વીના જે જે ભાગમાં સૂર્યપ્રકાશ મળતો હોય ત્યાં કૅન્સરનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એ સાચું છે કે સૂર્યનો પ્રખર તડકો અને તેમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો શરીર માટે જોખમકારક છે, પણ આપણા ઋષિમુનિઓએ કારતક મહિનાથી શરૂ થતા શિયાળામાં સૂર્યના તહેવારો મૂકીને આપણા પર ઉપકાર કર્યો છે. શિયાળાનો કુમળો તડકો શરીરને આંતરડા, ગર્ભાશય, પેન્ક્રિયાઝ અને પ્રોસ્ટેટ જેવા અનેક અંગોના કૅન્સરથી બચાવે છે.
સૂર્ય નમસ્કાર : શ્રેષ્ઠ કસરત
શિયાળામાં તન-મનથી ચુસ્ત રહેવા સવારે ચાલવા જવાની કે કસરતનું પ્રમાણ વધારવાની સલાહ નિષ્ણાતો આપતા હોય છે. આપણી સંસ્કૃતિમાં સૂર્યનમસ્કારને મહત્ત્વ અપાયું છે એ ઉચિત છે, કારણ કે આ એક કસરતમાં અનેક પ્રકારની કસરતો સમાયેલી છે.
આ કસરતમાં અનેક જાતના યોગાસનોનો સમાવેશ થયો છે જેમ કે પર્વતાસન, હસ્તપાદાસન, એકપાદપ્રસારણાસન, મુદ્રાસન, અષ્ટાંગપ્રણિગયાદાસન, ભુજંગાસન વગેરે વગેરે. આ આસનોથી જે જે ફાયદા શરીરને થાય છે એ બધા ફાયદા એક સૂર્યનમસ્કાર કરવાથી થાય છે. વળી દોડવા કે તરવા જેવી એરોબિક કસરત કરવાથી શરીરને જે ફાયદા થાય છે તે જ ફાયદા સૂર્ય નમસ્કાર કરવાથી પણ થાય છે. જેને સવારે દોડવા કે તરવા જવાનો સમય ન મળતો હોય તેઓ ઘરમાં સૂર્યનમસ્કાર કરીને પણ શારીરિક ફાયદા મેળવી શકે છે.
આ ઉપરાંત પ્રાણાયમથી થતાં ફાયદા પણ સૂર્યનમસ્કારથી થાય છે, કારણ કે સૂર્યનમસ્કારના બાર આસનો કરતાં કરતાં જ્યારે જ્યારે તમે ઉપર તરફ જુઓ છો ત્યારે ઊંડા શ્ર્વાસ લેવાના હોય છે અને જ્યારે જ્યારે જમીન તરફ જુઓ છો ત્યારે ત્યારે શ્ર્વાસ છોડવાના હોય છે જે એક પ્રકારે પ્રાણાયમથી થતાં ફાયદાનો પણ લાભ આપે છે.
વળી આપણી પ્રાચીન કસરત કરવાની પદ્ધતિમાં જે દંડબેઠકને મહત્ત્વ અપાયુ છે, તે દંડબેઠકનો પણ આ સૂર્ય નમસ્કારની કસરતમાં સમાવેશ થયેલો છે. મતલબ કે દંડબેઠકથી થતાં ફાયદા સૂર્યનમસ્કાર કરવાથી પણ પ્રાપ્ત થાય છે.
આ રીતે જોઇએ તો બધી જ જાતની કસરતનો સમાવેશ સૂર્યનમસ્કારમાં થઇ જાય છે એ ભારતીય સંસ્કૃતિનું સબળ પાસું છે. વળી, આ કસરત કરવા જિમના ખર્ચા કરવા પડતા નથી.
ઘેરબેઠાં નિ:શુલ્ક થઇ શકે છે. હા શરૂઆતમાં જાણકાર પાસેથી શીખી લેવું પડે. તો તૈયાર થઇ જજો નવા વર્ષના સૂર્યોદયને આ રીતે પોંખવા માટે, ખરું ને?ઉ

RELATED ARTICLES

Most Popular