બિહાર: અત્યાર સુધી તમે પ્રેમમાં પડેલાં યુવક-યુવતીએ ભાગીને લગ્ન કરી લીધા એવા સમાચાર વાંચ્યા હશે, પણ બિહારમાં એક અનોખી જ ઘટના જોવા મળી છે, જેમાં સગાઈ બાદ એકબીજાને મળવા માટે ઉતાવળા થઈ ગયેલાં યુવક-યુવતી ઘરથી ભાગી ગયા અને આખરે પોલીસે દરમિયાનગિરી કરીને બંનેના લગ્ન કરાવી આપ્યા ત્યારે મામલો થાળે પડ્યો હતો.
સારણ જિલ્લાના પાનાપુર ખાતે બનેલી આ ઘટના વિશે મળેલી વધારાની માહિતી પ્રમાણે સંધ્યા નામની યુવતીના લગ્ન બોલબમ સાહની સાથે નક્કી કરવામાં આવ્યા હતા. સગાઈ થઈ અને આવતા વર્ષે બંનેના લગ્ન કરવાનો નિર્ણય વડીલો દ્વારા લેવામાં આવ્યો હતો, પણ એકબીજાનો વિરહ સહન થતા આખરે તેઓ ઘરથી ભાગી ગયા. સંધ્યાના ગુમ થવાની વાતથી ચિંતિત પરિવારે પાનાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ કરતાં પોલીસની એક ટીમને સંધ્યા મળી ગઈ અને તેમણે તેની પુછપરછ કરી ત્યારે આ આખો મામલો પ્રકાશમાં આવ્યો. આખી ઘટના જાણીને પોલીસે જ બંનેના લગ્ન કરાવવાનો નિર્ણય કર્યો અને બંને પરિવારના સભ્યોની હાજરીમાં હસી-ખુશી સંધ્યા અને બોલબમ લગ્નબંધનમાં બંધાઈ ગયા હતા.