નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ 60 સભ્યોની વિધાનસભા માટે મતદાન થવાનું છે, જેના પરિણામો 2 માર્ચે આવશે. આ પહેલા નાગાલેન્ડમાં પ્રચાર માટે ગયેલા ગૃહ પ્રધાન અમિત શાહે આગામી 4 વર્ષમાં AFSPA હટાવવાનું વચન આપ્યું છે. નાગાલેન્ડના તુએનસાંગમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે તેઓ આશા રાખે છે કે આગામી ત્રણ-ચાર વર્ષમાં નાગાલેન્ડમાંથી AFSPA હટાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે નાગા શાંતિ સમજૂતી અંગે વાતચીત ચાલી રહી છે. પૂર્વોત્તર રાજ્યોમાં લોકો લાંબા સમયથી AFSPA કાયદાને હટાવવાની માંગ કરી રહ્યા છે અને આ એક મોટો રાજકીય મુદ્દો પણ છે. અમિત શાહે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પૂર્વોત્તરમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય સુરક્ષા દળોના મૃત્યુમાં પણ 60 ટકા અને નાગરિકોના મૃત્યુમાં પણ 83 ટકાનો ઘટાડો થયો છે. અમિત શાહે કહ્યું હતું કે પૂર્વી નાગાલેન્ડના વિકાસ, અધિકારો સાથે જોડાયેલા કેટલાક મુદ્દા છે. જેનું નિરાકરણ ચૂંટણી બાદ કરવામાં આવશે.
વિવાદાસ્પદ AFSPA કાયદો શું છે?
આર્મ્ડ ફોર્સ સ્પેશિયલ પ્રોટેક્શન એક્ટ મૂળરૂપે બ્રિટિશ કાળ દરમિયાન લાગુ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ સરકારે ભારત છોડો આંદોલનમાં જોડાયેલા લોકોને કચડી નાખવા માટે લશ્કરી દળોને વિશેષ સત્તાઓ આપી હતી. વર્ષ 1947માં દેશની આઝાદી બાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુની સરકારે પણ આ કાયદાને (વટહુકમ દ્વારા) ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો. AFSPA 11 સપ્ટેમ્બર 1958 ના રોજ કાયદા તરીકે અમલમાં આવ્યો હતો. આ કાયદો ઉત્તર પૂર્વ અને પંજાબના અશાંત વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યો હતો. મોટા ભાગના સ્થળોએ જ્યાં આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો ત્યાં પાકિસ્તાન, ચીન, બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથે સરહદો હતી. જ્યારે કોઈ ભૌગોલિક વિસ્તારને અશાંત જાહેર કરવામાં આવે અને સરકાર ત્યાં શાંતિ પ્રવર્તે તેવું ઈચ્છે છે. આવી સ્થિતિમાં, આ કાયદો સુસંગત બને છે. વર્ષ 2018માં મેઘાલયમાંથી, વર્ષ 2015માં ત્રિપુરામાંથી અને 1980ના દાયકામાં મિઝોરમમાંથી આ કાયદો સંપૂર્ણપણે પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. હાલમાં, AFSPA જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ, આસામ, મણિપુર (રાજધાની ઇમ્ફાલના સાત વિધાનસભા મતવિસ્તારો સિવાય) અને અરુણાચલ પ્રદેશમાં લાગુ છે. AFSPA કાયદા હેઠળ, અશાંત વિસ્તારોમાં જાહેર વ્યવસ્થા જાળવવા માટે સશસ્ત્ર દળોને વિશેષ સત્તા આપવામાં આવી છે, જેમાં વોરંટ વિના કોઈપણની ધરપકડ, ગોળીબાર કરવાનો, માત્ર શંકાના આધારે ઘરની તપાસ કરવાના અધિકારનો સમાવેશ થાય છે. પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં, સ્થાનિક પોલીસ અથવા ભારતીય સૈન્ય પર આક્ષેપો થયા છે કે સેના નકલી એન્કાઉન્ટર કરે છે જેમાં સ્થાનિક નાગરિકો પણ માર્યા જાય છે અને ત્યાર બાદ ગુનેગારો સામે કોઈ કાર્યવાહી પણ કરવામાં આવતી નથી. નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ 60 સભ્યોની વિધાનસભા માટે મતદાન થવાનું છે, જેના પરિણામો 2 માર્ચે આવશે. 59 બેઠકો માટે કુલ 183 ઉમેદવારો મેદાનમાં છે અને માત્ર ચાર મહિલા ઉમેદવારો છે. હાલમાં, નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીની સરકાર છે અને નેફિયુ રિયો મુખ્ય પ્રધાન પદ પર છે. એનડીપીપી વર્ષ 2017માં અસ્તિત્વમાં આવી હતી. ત્યારપછી એનડીપીપીએ 18 અને ભાજપે 12 સીટો જીતી હતી. ચૂંટણી પહેલા બંને પક્ષોએ ગઠબંધન કર્યું હતું. NDPP, BJP, NPP સરકારમાં સામેલ છે. ગયા વર્ષે જ એનડીપીપી અને ભાજપે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સાથે મળીને ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. બંને પક્ષોએ સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે એનડીપીપી 40 બેઠકો અને ભાજપ 20 બેઠકો પર ચૂંટણી લડશે.