પપ્પાના અવસાન બાદ મને લાગ્યું કે મેં મારો બોયફ્રેન્ડ ગુમાવ્યો

પુરુષ

પ્રિય પપ્પા… – શચી જોશી

મારા પપ્પા હર્ષદરાય મોતીલાલ પારેખનું મૂળ વતન સુરત. મારો જન્મ સુરતમાં જ થયો હતો, પણ ઉછેર મુંબઈમાં થયો છે. મારા પપ્પા બહુ જ સીધા-સાદા માણસ હતા. મારાં દાદીનું અવસાન નાની ઉંમરમાં જ થયું હતું, તેથી તેમના સહિત પાંચ ભાઈ-બહેનોની જવાબદારી પપ્પા પર આવી પડી હતી, એટલે પપ્પાએ ભણતર પૂરું કર્યું વિદ્યાર્થીઓને ટ્યુશન કરાવતાં અને ખાનગી કંપનીમાં નોકરી પણ કરી. પપ્પાનું કુટુંબ મધ્યમ વર્ગનું હતું. મારા દાદા ખૂબ જ ખડતલ હતા. એ મલમલનું ધોતિયું અને ઝભ્ભો પહેરતા સાથે ચાંદીના હાથાવાળી લાકડી લઈને ચાલતા ત્યારે જાજરમાન લગતા હતા. તેઓ બ્રિટિશ કંપનીમાં નોકરી કરતા હતા. મારાં દાદીના અવસાન પછી ત્રણ દીકરા અને ત્રણ દીકરીઓની જવાબદારી તેમના માથે આવી પડતાં તેમણે નોકરીમાંથી વહેલાં નિવૃત્તિ લઇ લીધી હતી.
નિયતિ જ પપ્પાને મુંબઈ લઈ આવવી. પપ્પા અને મમ્મીએ પ્રેમલગ્ન કર્યાં હતાં. તેઓ સુરત રહેતાં હતાં ત્યારે જ એકમેકના પ્રેમમાં પડી ગયાં હતાં. મુંબઈમાં ઘાટકોપર ખાતેની રાષ્ટ્રીય શાળામાં શિક્ષિકા તરીકેની નોકરી મળતાં મમ્મી (મૃદુલાબહેન પારેખ) સુરતથી મુંબઈ શિફ્ટ થયાં હતાં. જ્યારે તેઓ નિવૃત્ત થયાં ત્યારે એ જ શાળાના આચાર્યના હોદ્દા પર હતાં. મારા દાદા પણ આધુનિક વિચારસરણીવાળા હતા. પપ્પાએ પોતાના અફેરની વાત દાદાને કરી. દાદાએ સંમતિ આપી, પણ થોડી વધુ રાહ જોવા માટે કહ્યું, પરંતુ પપ્પા વધુ રાહ જોયા વગર જ મમ્મીની પાછળ પાછળ મુંબઈ આવી ગયા અને મમ્મી સાથે લગ્ન કરી લીધાં. તેઓ વધારે પડતા ઈમાનદાર હતા, તેથી કંપનીમાં કંઈ પણ ખોટું થાય તો એમનાથી સહન ન થાય, તેના કારણે વારંવાર તેમને નોકરી બદલવી પડતી હતી. પહેલાં તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા, બાદમાં ભારતીય વિદ્યા ભવન્સની સામે સોમાણી કોલેજ છે, એમાં મારા કાકા પ્રિન્સિપાલ હતા, તો પપ્પા ત્યાં નોકરીએ લાગ્યા.
હું મીઠીબાઈ કોલેજમાં ભણતી હતી. એ સમયે જી. એસ. હતી. કોલેજમાં દરેક પ્રવૃત્તિમાં એક્ટિવ હતી. નાટ્યપ્રવૃત્તિમાં પણ ખૂબ જ પ્રવૃત્ત રહેતી હતી એના કારણે મારું મિત્રવર્તુળ મોટું હતું. એમાં ઘણા છોકરાઓ પણ સામેલ હતા. દીકરી લગ્ન કરવાની ઉંમરે પહોંચે ત્યારે સમાજમાંથી એના માટે માગાં આવતાં હોય છે. મારા માટે પણ આવવા લાગ્યાં. તે વખતે પપ્પાએ મને પૂછ્યું હતું કે તારા મિત્રવર્તુળમાં તને કોઈ છોકરો ગમતો હોય તો મને કહી દે. મને કોઇ વાંધો નથી. પપ્પા એટલા નિખાલસ હતા, પણ મારે એવું કશું હતું નહિ તેથી મારાં લગ્ન એરેન્જ મેરેજ છે. કહેવાનો મતલબ એ કે મારા પપ્પા પણ દાદાની જેમ જ આધુનિક વિચારોવાળા હતા. સાથે શિસ્ત પણ એટલી જ. મારા અને પપ્પા વચ્ચે પારદર્શિતા ખૂબ જ હતી અને એ મારા માટે ઘણું મહત્ત્વનું હતું.
અમે બે બહેનો જ છીએ. પપ્પા મને છોકરો જ માનતા. તેઓ મને એમના માટે ખૂબ જ નસીબદાર માનતા હતા. મારા જન્મ પહેલાં તેઓ અંધેરી ઈસ્ટમાં ભાડેથી રહેતા હતા. ત્યાં એમને ફાવ્યું નહિ, પરંતુ મારા જન્મ પછી તેમણે અંધેરી વેસ્ટમાં પોતાની માલિકીનું ઘર ખરીદ્યું. પપ્પાના મોઢેથી ક્યારેય સાંભળ્યું નથી કે મારે દીકરો નથી. તેઓ હંમેશાં કહેતા મારા માટે તું જ મારો દીકરો છે. એમના અવસાનના બે-ત્રણ દિવસ પહેલાં જ એમણે મને કહ્યું હતું કે જો મને કંઈ થાય તો અગ્નિદાહ તું આપજે. ૧૯૯૬માં એક રોડ અકસ્માતમાં એમનું અવસાન થયું. એમને અગ્નિદાહ મેં જ આપ્યો હતો. એ વખતે એક દીકરી તરીકે અગ્નિદાહ આપવો એ સામાજિક પ્રથાની વિરુદ્ધમાં હતું, પરંતુ મારાં મમ્મીએ પણ મને સપોર્ટ કર્યો અને કહ્યું કે ‘તું જા અને તારા પપ્પાની આખરી ઈચ્છા પૂરી કર. દુનિયા અને સમાજની ચિંતા ન કર. હું બેઠી છું.’ મારાં કાકા અને ફોઈએ પણ સપોર્ટ કર્યો. અમારું કુટુંબ બહુ જ બ્રોડ માઇન્ડેડ છે.
પપ્પાનો સ્વભાવ થોડો ગરમ ખરો. એ શોર્ટ ટેમ્પર હતા અને સિદ્ધાંતવાદી પણ ખરા, તેથી એમનાથી ખોટું સહન થતું જ નહોતું. જો કોઈ ખોટું કરે તો સામેવાળાનું આવી જ બન્યું સમજો. જ્યારે અમે સમજણા થયાં, ત્યારે અમે પપ્પાને કહેતાં કે હવે આ બધું છોડો, દુનિયા આમ જ ચાલવાની છે. તમે દુનિયાને નહિ સુધારી શકો. આ બધામાંથી બહાર નીકળો અને જમાનાની સાથે ચાલો, પણ એ એમના સિદ્ધાંતોને છેક સુધી વળગી રહ્યા. આમ તેઓ બહુ સપોર્ટિવ નેચરના. મારું ગ્રેજ્યુએશન પૂરું નહોતું થયું ત્યારે મને નાટકોની ઑફર આવતી તો મને સ્ટ્રિક્ટલી ના પડી દેતા. કહેતા કે પહેલાં ભણવાનું પૂરું કરો, પછી જે કરવું હોય એ કરો. આઇએનટી કોમ્પિટિશનમાં સતત ત્રણ વર્ષ મને બેસ્ટ અભિનેત્રીનો એવાર્ડ મળ્યો હતો. શૈલેશ દવે, કાંતિ મડિયા, અરવિંદ જોશી એ બધા મારે માટે ખૂબ જ વંદનીય છે, પૂજનીય છે. આ દિગ્ગજોનાં નાટકોમાં કામ કરવાની ઓફર મને મળી હતી, તેમ છતાં પપ્પા ધરાર ન માન્યા તે ન જ માન્યા. એમની એક જ વાત કે પહેલાં ભણવાનું પછી જ કારકિર્દીની વાત. ભણવાનું એટલે ફક્ત ભણવાનું એવું પણ નહિ. અન્ય પ્રવૃત્તિમાં ભાગ લેવા સામે એમને કોઈ વાંધો નહોતો. હું આઇએનટીની નાટ્યસ્પર્ધામાં ભાગ લેતી, ‘કોલેજ ડે’માં પણ ભાગ લેતી, ગરબામાં પણ ભાગ લેતી એની સામે એમને કોઈ વાંધો નહોતો.
મેં નિર્મલા નિકેતનમાં સેક્રેટરી ઑફ પ્રેક્ટિસનો કોર્સ કર્યો અને મને મફતલાલ સેન્ટરમાં પી.એ. તરીકેની બહુ જ સરસ નોકરી મળી ગઈ. મારામાં પપ્પાના થોડા ગુણો તો આવે જ. એક વાર કંપનીની કોઈ મીટિંગમાં મને કારણ વગર જ ઠપકો આપવામાં આવ્યો. હું કેબિનની બહાર નીકળીને નોકરીમાંથી રાજીનામું આપીને નીકળી ગઈ. ત્યાર બાદ બે-ત્રણ કંપનીમાં નોકરી કરી, પણ કંઈ જામ્યું નહિ. પછી મારું સગપણ થઇ ગયું અને મારા સાસરી પક્ષમાંથી નોકરી કરવાની મનાઈ કરવામાં આવી. મેં નોકરી છોડી દીધી. લગ્નના એક મહિના બાદ ચંદ્રિકાબહેન લાલુભાઇ શાહની ‘વિસામો’ નાટકની ઓફર આવી. એ મેં કર્યું. ત્યારે મારા સસરાને થોડો કચવાટ થયો, પણ મેં તેમને સમજાવ્યા કે નાટકો કરવાં એ મારો શોખ છે. તમે નોકરી તો છોડાવી દીધી, પણ મને આ કરવા દો. એ સમયે મારા પતિ અને મારા પિતાનો ખૂબ જ સહયોગ સાંપડ્યો. મારી દીકરી નાની હતી, ત્યારે હું નાટકનાં રિહર્સલ માટે જતી તો મારાં પપ્પા-મમ્મી એની સંભાળ રાખતાં. મારી નાની દીકરીનો જન્મ થયો ત્યારે તો મારાં નાટકો ફુલ ફ્લેજમાં ચાલતાં હતાં. મારી નાની દીકરીના ગર્ભાવસ્થાના સમય દરમિયાનના આઠ મહિના સુધી મેં નાટકોના શો કર્યા હતા. મારી બીજી દીકરીના જન્મ પછી મને થયું કે આ બબ્બે દીકરીઓની જવાબદારી સાથે કેવી રીતે કામ કરીશ? ત્યારે પપ્પાએ મને હિમ્મત આપતાં કહ્યું કે તારી બંને દીકરીઓને હું ઉછેરી આપીશ, તું બિનધાસ્ત કામ કર. મારા ઘરમાં ભણતરનું ખૂબ જ મહત્ત્વ છે, તેથી મારું ભણતર પત્યા પછી નાટ્યક્ષેત્ર માટે મને એટલો જ સપોર્ટ આપ્યો.
‘બા રિટાયર થાય છે’ નાટકની મારી અમેરિકાની પ્રથમ ટૂર વખતે મારાં મમ્મીની તબિયત થોડી ઢીલી હતી. ત્યારે પપ્પાએ મને કહ્યું કે ‘તું અમેરિકા હોય અને મમ્મીને કંઈ થાય તો તું ચિંતા ન કરતી. અમે બધા અહીંયાં છીએ જ, પણ તું કામ છોડીને આવતી નહિ. ‘શો મસ્ટ ગો ઓન’. જે થવાનું છે એ થઈ ગયું છે અને જે થવાનું છે એ થઇને જ રહેશે, તો એના માટે કામ છોડીને ન અવાય.’ આટલો બધો મોરલ સપોર્ટ કોણ આપે?
મારા જીવનમાં પણ ઘણા ઉતારચઢાવ આવ્યા જ છે, જે દરેકના જીવનમાં આવતા હોય છે. એ સમયે પણ તેઓ મને કહેતા કે જિંદગીમાં પ્રોબ્લેમ્સ તો આવ્યા જ કરવાના, પણ એની સામે મક્કમતાથી લડો. રડીને બેસી નહીં રહેવાનું. જિંદગીમાં કોઈ એવા પ્રોબ્લેમ્સ નથી જેનું સોલ્યુશન નથી. ઊભી થા અને લડ. એમની એ સલાહ મને આજની તારીખમાં પણ બહુ કામ આવે છે અને એને હજી અનુસરું છું.
પપ્પા ક્યારેક મારા પર ગુસ્સે પણ થતા. મને ગરબા રમવાનો શોખ. હું અમારી સોસાયટીમાં આખી રાત ગરબા રમતી. મારી કોલેજની પરીક્ષા હંમેશાં નવરાત્રીના સમયે જ આવે. એક બાજુ મારા ગરબાના શો ચાલે, બીજી બાજુ પરીક્ષા હોય અને પાછું રાત્રે પણ સોસાયટીમાં ગરબા રમવાના. ગરબા રમી રમીને પગ છોલાઇ ગયા હોય. મારું કામ પ્રત્યેનું આ સમર્પણ મને ખૂબ જ કામ લાગ્યું છે. કોઈ પણ પરિસ્થિતિમાં કામ કરતા રહેવાનું. સવારે કોલેજમાં જવા માટે પણ હું આનાકાની કરતી હોઉં. ત્યારે એક-બે વાર તો પપ્પાની થપ્પડ પણ પડી હતી. હું થોડીક તોફાની પણ ખરી. હું મારા મનનું ધારેલું જ કરતી, ત્યારે પપ્પા મને વઢે. હું ચૂપ થઈને બેસી જાઉં તો એ સમજી જાય કે મને ખરાબ લાગ્યું છે. તેઓ મારી પાસે આવે. મને મનાવે. મને સમજાવે કે હું જે પણ કરું છું એ તારા સારા માટે કરું છું. તો સામે હું પણ પપ્પાને કહેતી કે તો મને શાંતિથી સમજાવોને! ઘાંટા કેમ પાડો છો? મને પ્રેમથી કહો તો હું જીવ પણ આપી દઈશ.
મારી જિંદગીમાં એવી પણ ક્ષણ આવી જ્યારે મારું મનોબળ નબળું પડે તો પપ્પા મારા સપોર્ટમાં ઊભા જ હોય. ૧૯૯૩માં મને અકસ્માત નડ્યો હતો. એમાં મને માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. મારા માથામાં અત્યારે પણ ૫૮ ટાંકા છે. પંદર દિવસ પછી શફી ઇનામદાર મને મળવા માટે આવ્યા. મેં કહ્યું, શફી હમ પરસોં ભાઈદાસ મેં શો કર સકતે હૈં? ત્યારે પપ્પાએ હિંમત આપતાં શફીને કહ્યું કે ઉસકી ઈચ્છા હૈ તો ઉસે કરને દો. મૈં ઉસકે સાથ હૂં. ચિંતા મત કરો. એ શોના ત્રણ કલાક દરમિયાનમાં મારા પતિ, મારા પપ્પા અને શફી ઊભા ને ઊભા હતા. મારી દરેક એન્ટ્રી અને એક્ઝિટ વખતે પપ્પા ‘ઓલ ધ બેસ્ટ, ઓલ ધ બેસ્ટ, કીપ ઈટ અપ, બધું સારું જ થશે. તું કરી શકે છે,’ એમ કહીને મારો ઉત્સાહ વધારતા હતા. વિચારો તો ખરા, માથામાં ૫૮ ટાંકા આવ્યા હોય અને ઓપરેશનના પંદરમા દિવસે જ શો કરવો એ કેટલું ડિફિકલ્ટ હોય? નાટકના એ ત્રણ કલાક દરમિયાનમાં શફી, મારા પતિ અને મારા પપ્પાનો ખૂબ જ સપોર્ટ મળ્યો અને મારું મનોબળ મજબૂત થતાં હું કરી શકી. મારાં મમ્મીનું સવારે અવસાન થયું અને એ જ દિવસે બપોરે મારા નાટકનો શો હતો. મેં નાટકના નિર્માતા તેજસ ગોહિલને આ વિશે જાણ કરતો ફોન કર્યો. તેજસભાઈએ કહ્યું કે બહેન, તમે ચિંતા ન કરો. તમે કહેશો એમ કરીશું. ત્યારે મારી દીકરી, મારા પતિ, મારી બહેન, મારાં ફોઈ બધાંએ મને પૂછ્યું શો કરશો? મેં મક્કમતાથી કહ્યું કે હું શો કરીશ. રંગદેવતા મને એટલો સાથ તો આપશે જ અને પપ્પા-મમ્મીના આશીર્વાદ મારી સાથે છે. હું શો કરી શકીશ. આ બધી હિંમત મને પપ્પા પાસેથી વારસામાં મળી છે. એમના અવસાન પછી મને લાગી રહ્યું છે કે મેં મારો બોયફ્રેન્ડ ગુમાવ્યો. હું એમની સાથે બધી જ વાતો શેર કરી શકતી. હું એમની સાથે સહજતાથી વાત કરી શકતી અને એ પણ મને એટલી જ સહજતાથી જવાબ પણ આપતા. જેમ કે એ કોઈ વાર સરસ તૈયાર થઇને ઘરની બહાર જતા હોય તો હું એમને પૂછતી કે હર્ષદરાય, આમ બનીઠનીને ક્યાં ચાલ્યા? તો મજાકિયા મૂડ સાથે જવાબ આપતા તારી મમ્મી સાથે ઘણું ડેટિંગ કર્યું, હજી કેટલું ડેટિંગ કરું?
પપ્પા એકદમ સરળ અને નિખાલસ સ્વભાવના માણસ. એમના જીવનમાં લાલચ નામનો તો શબ્દ જ નહોતો. જીવનપર્યંત મેં એમના મોઢેથી ‘હું થાકી ગયો છું’ એવો શબ્દ સાંભળ્યો નથી. અત્યારે મને પણ ક્યારેક એવું થાય કે હું બહુ કામ કરીને થાકી ગઈ છું, ત્યારે મને વિચાર આવે કે પપ્પા કેવી રીતે કામ કરતા હશે કે એમને ક્યારેય થાક જ નહોતો લાગતો. ૮૨ વર્ષની વયે તેમનું અવસાન થયું. એના આગલા દિવસે પણ તેઓ ટ્રેનમાં સફર કરીને મારા શેર (સ્ટોક માર્કેટ)ના કામ માટે ફોર્ટ ગયા હતા. એ ખૂબ જ મજબૂત મનોબળના માણસ હતા.
એમને મારા માટે ખૂબ જ અભિમાન થતું હતું. એ મને કહેતા કે તું ભણી પણ ખરી, તારી કારકિર્દી પણ બનાવી એના માટે મને ખૂબ જ અભિમાન છે તારા માટે. એ હંમેશાં મને દીકરો જ ગણતા. એ લોકોને કહેતા પણ ખરા કે શચી છે એટલે મને દીકરાની ખોટ જ નથી સાલતી. આનાથી વધારે મારા માટે સૌથી મોટું કોઈ કોમ્પ્લીમેન્ટ હોઇ જ ન શકે. એમની જીવવા માટેની જિજીવિષા ખૂબ જ હતી, પણ કમનસીબે રોડ અકસ્માતમાં એમનું અવસાન થયું.
પપ્પાએ મને સલાહ આપી હતી કે કોઈનું સારું ન થાય તો કંઈ વાંધો નહિ, પણ કોઈનું ખરાબ ક્યારેય ન કરતી અને એમની એ સલાહ આજ સુધી હું અક્ષરશ: પાળી રહી છું. એમણે ઇમાનદારીના પાઠ શીખવ્યા. ઈમાનદારીથી એક રૂપિયો મળશે તો ચાલશે, પણ બેઈમાનીના લાખો રૂપિયાને ઠોકર મારવી.
આજે હું જે છું એ ફક્ત મારા પપ્પાના કારણે જ છું. એમનો જુસ્સાવાળો સ્વભાવ, લડાયક મિજાજ, લાગણીશીલ વિચારસરણી એ બધું જ મને એમની પાસેથી વારસામાં મળ્યું છે. હું મારી જાતને ખૂબ જ નસીબદાર માનું છું કે મને મારા પપ્પા જેવા પપ્પા મળ્યા. એ મારા માટે રોલ મોડલ હતા. અત્યારે પણ હું ઘરની બહાર પગ મૂકતાં પહેલાં મારાં પપ્પા-મમ્મીના ફોટાને પગે લાગીને જ નીકળું છું અને ઘરે પરત આવીને પણ એમને સૌથી પહેલાં પગે લાગીને એમનો આભાર માનું છું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.