વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ
સરદાર હરિસિંહ નલવાના કૌશલને પ્રતાપે કાશ્મીર ફરી સ્વર્ગ નહોતું બની ગયું, પરંતુ એક પછી એક સમસ્યાનો ઉકેલ આવવા માંડ્યો હતો. ઉદ્યોગ-ધંધા શરૂ થઈ ગયા, ખેતીવાડી વ્યવસ્થિતપણે થવા માંડી, રાજ્યની મહેસૂલી આવક વધવા માંડી, સૈનિકોને નિયમિતપણે પગાર મળવા માંડ્યા, શિયા-સુન્નીના વિવાદ પર પૂર્ણવિરામ મુકાયું અને ખાસ તો હિન્દુ-મુસ્લિમ વચ્ચે વિશ્ર્વાસ-પ્રેમ વધવા માંડ્યા. ફરી સંપૂર્ણપણે હિન્દુ રાજ્યની સ્થાપના થઈ અને સુખ-શાંતિ-સ્મિત દેખાવા માંડ્યા.
એક અદ્ભુત યોદ્ધા અને સફળ વહીવટકર્તાના ભાગ્યે જ સાથે દેખાતા ગુણવાળી વ્યક્તિ પોતાની સાથે હોવાનો મહારાજા રણજીતસિંહને ગર્વ હતો, પરમ સંતોષ હતો. કાશ્મીરની ગાડી એકદમ પાટે ચડી ગઈ હોવાની ગળા સુધી ખાતરી થઈ ગયા બાદ રણજીતસિંહને થયું કે નલવા નામના હીરાનો હવે અન્ય ઉપયોગ કરવાનો સમય આવી પહોંચ્યો છે. કાશ્મીરમાં નલવાએ ગાડીને એટલી સરસ-સજ્જડ રીતે પાટે ચડાવી દીધી હતી કે હવે કોઈ પણ તે આગળ વધાવી શકે.
આ બધુ ધ્યાનમાં રાખીને મહારાજાએ સરદાર નલવાને પત્ર લખીને અભિનંદન આપવા સાથે તેમની શક્તિમાં અમીટ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો. મહારાજાની ત્યાર પછીની લાગણીમાં મૂળ વાત વ્યક્ત થઈ. તમે હવે લાહોર પાછા ફરો કે જેથી ખાલસા રાજના વધુ એક મહત્ત્વપૂર્ણ-મહાન કાર્યને અંજામ આપી શકાય. મહારાજાએ કોયડાબાજીમાં વાતો કરવાને બદલે આશા વ્યક્ત કરી કે તમે કાશ્મીરની માફક પેશાવર અને જલાલબાદ જીતીને ત્યાં પણ સુખ-શાંતિની સ્થાપના કરશો. તેમણે લાઈન ઓફ એક્શન પણ સ્પષ્ટ કરી આપી કે અફઘાનોના કબજામાં બચેલા મુંધેર અને ડેરા-ઈસ્માઈલ ખાન જેવા વિસ્તારોને ખાલસા-રાજમાં ભેળવી દેવાય. આ કાર્ય સરદાર નલવા વગર શકય બનવાનું નથી જ.
માત્ર પત્ર-લખીને પ્રતીક્ષા કરવાને બદલે તેમણે કાશ્મીરમાં નલવાને સ્થાને દીવાન મોતીરામની નિમણૂક કરી સાથોસાથ નલવાને કહેવડાવ્યું કે હું લાહોરની પશ્ર્ચિમ તરફથી કૂચ કરતો નીકળી રહ્યો છું. તમે પણ મને રસ્તામાં, શક્ય હોય તો ખુશાળના પહાડો પર મળો કે જેથી આક્રમણ પૂર્વે ચર્ચા કરી શકાય.
હરિસિંહ નલવા માટે તો મહારાજાની ઈચ્છા એટલે આદેશ. તાત્કાલિક દીવાન મોતીરામને હવાલો સોંપી દીધો. કૂચની તૈયારી વચ્ચે તેમણે એક મોટા દરબારનું આયોજન કર્યું, જેમાં રાજ્યના હિન્દુ, શીખ અને મુસલમાનોને સપ્રેમ આમંત્રિત કર્યા. આ સૌને નલવાએ લાગણીસભર શબ્દોમાં યાદ કરાવ્યું કે આપ બધાના સાથ, સહાકાર અને પ્રેમ વગર કાશ્મીરમાં સુખ-શાંતિ પાછી લાવવાનું શક્ય નહોતું: મને આપ્યો એવો સહકાર અને સાથ દીવાન મોતીરામજીનેય આપશો જ એની મને ખાતરી છે. એક-એક આગેવાને વ્યક્તિગત રીતે નલવાનો આભાર માન્યો અને દીવાનની સાથે રહેવાનું વચન દોહરાવ્યું.
ઈ.સ. ૧૮૨૧ની છઠ્ઠી નવેમ્બરે હરિસિંહ પોતાના સાત હજાર સૈનિકોના લશ્કર સાથે રવાના થયા. ત્યારે સ્થાનિક પ્રજાજનો ક્યાંય સુધી તેમને વળાવવા આવ્યા હતા. આ એક સાચા નેતા હતા. જેના જવાથી પ્રજા વેદના અનુભવી રહી હતી.
કાશ્મીરમાં મીઠા સંભારણા વગોળવાનું બંધ થાય એ અગાઉ જ રસ્તામાં મોટું વિઘ્ન નલવાની રાહ જોઈ રહ્યું હતું: તેઓ ગઢી હબીબુલ્લાખાન અને મુઝફફરાબાદને રસ્તે પખલી ક્ષેત્રમાં પહોંચ્યા, ત્યાં ચોંકાવનારા વાવડ મળ્યા. હજારા પ્રાંતના જદુન અને તનાવલીમાં શત્રુના ત્રીસેક હજાર જવાનો તેમને આગળ વધતા રોકવા માટે રાહ જોઈ રહ્યાં હતા. દુશ્મનોએ માંગલી ઘાટીમાં જ બે-બે હાથ કરી લેવાની પેરવીમાં હતા.
આ બધું એકદમ ઓચિંતું આવી પડ્યું હતું: શત્રુઓ ૩૦ હજારથી વધુ હતા, ભરપૂર દારૂગોળા અને શસ્ત્રો સાથે. તેમનો યુદ્ધ કરવા માટે માનસિક રીતે પૂરેપૂરા તૈયાર હતા. સંખ્યા અને શસ્ત્ર સંખ્યાબળમાં નલવા સેનાનો જરાય ગજ વાગે એમ નહોતો.
હકીકતમાં નલવા લડવા કે આક્રમણ કરવા નહોતા આવ્યા. તેઓ તો માત્ર ત્યાંથી પસાર થવા માગતા હતા. આથી સમયનો વેડફાટ અને બિન-જરૂરી રક્તપાત ટાળવાનું નક્કી કર્યું. ઉતાવળીયા યોદ્ધાને બદલે શાંત ચિત્તે ઠરેલ ઠાવકા સેનાપતિએ પોતાની ધાક બતાવી દેવાનો સર્વથા ઉચિત માર્ગ અપનાવ્યો.
સરદાર હરિસિંહ નલવાએ પોતાની તરફથી એક શીખ અને બે મુસલમાનોને ચર્ચા માટે ગાઝિયોને સમજાવવા મોકલી દીધા. જદુન અને તનાવલિ મુસલમાનો સાથે ચર્ચા કરીને તેમણે સમાધાન સાધવાની ચેષ્ટા કરવાની હતી કે જેથી નાહક કોઈના જીવ ન જાય.
ત્રણેય દૂતોએ પોતાના સેનાપતિનો ઈરાદો લડાઈ કે આક્રમણનો નથી પણ માત્ર અહીંથી પસાર થવાનો જ છે. એ સ્પષ્ટ છતાં વિવેકપૂર્ણ શબ્દોમાં સમજાવ્યું. સાથોસાથ અકારણ યુદ્ધને બન્ને પક્ષે થનારા નુકસાનને ટાળવાની પણ અપીલ કરી. એમની વાત જરાય ખોટી નહોતી કે એમાં કોઈ ચાલ પણ નહોતી.
પરંતુ જદુન પ્રજામાં એક વિશિષ્ટતા હતી, જેને મર્યાદા પણ કહી શકાય. તેમણે આ અપીલનો કંઈક ભળતો જ અર્થ કાઢ્યો જેનું પરિણામ સારું આવવાનું નહોતું. (ક્રમશ:)