CM ભૂપેન્દ્ર પટેલ બાદ કેબિનેટ પ્રધાન પુર્ણેશ મોદીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રથયાત્રામાં પહિંદ કોણ કરશે એ અંગે સસ્પેન્સ

આપણું ગુજરાત

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગઈ કાલે બુધવારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો ત્યાર બાદ મોડી રાત્રે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ પણ તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની જાણકારી આપી હતી. એક તરફ આવતી કાલે શુક્રવારે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને કોરોના થતાં તેઓ હાજર રહી શકવાના નથી આથી રથયાત્રા પૂર્વેની પહિંદ વિધિ કોણ કરશે તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની રથયાત્રામાં વર્ષોથી રાજ્યના મુખ્યપ્રધાન પહિંદવિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવતા આવ્યા છે. રથયાત્રાના ગણતરીના કલાકો જ બાકી રહી રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન કોરોના સંક્રમિત થતા હવે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયા છે. સામાન્ય લક્ષણો જણાતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં રિપોર્ટ પોઝિટિવ આવતા આખરે તેઓએ હોમ ક્વોરન્ટાઇન થવાનો નિર્ણય લીધો છે.
જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર જે પણ નામ કહેશે તેની પર ચર્ચા કરીને નામ જાહેર કરવામાં આવશે. હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પહિંદ વિધિ માટે કોઈ નામ જાહેર કરવામાં આવ્યું નથી.
જોકે, ચિંતાજનક બાબત એ છે કે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ છેલ્લા કેટલાક દિવસોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન વિવિધ વિસ્તારોમાં ગયા હતા અને નાનાં બાળકોના સંપર્કમાં પણ આવ્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને પણ મળ્યા હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.