વિશાખાપટ્ટનના કાંચરાપલેમ નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાનો બુધવારે બનાવ બન્યો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવાને કારણે ટ્રેનની વિન્ડોના ગ્લોસ તૂટ્યો હતો. આ ટ્રેનનો ટ્રાયલ રન પૂરો કરવામાં આવ્યા પછી વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશનથી મરીપાલેમના મેન્ટેનન્સ કોચ સેન્ટર પર જઈ રહી હતી.
વંદે ભારત એક્સપ્રેસને બિનજરુરી ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, જેમાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી 19મી જાન્યુઆરીના લીલીઝંડી આપવાના છે. આ બનાવની જાણ થયા પછી રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પથ્થરમારો કરનારા લોકોને ધરપકડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.
વંદે ભારત એક્સપ્રેસ પથ્થરમારાના બનાવમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, જેમાં બુધવારે વિશાખાપટ્ટનમાં આ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. અગાઉ પણ વિશાખાપટ્ટનમમાં ટ્રેન પર પથ્થરમારો કરવાને કારણે ટ્રેનના કાચને નુકસાન પહોંચ્યું હતું. આ બનાવ મુદ્દે રેલવેના વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે વિશાખાપટ્ટનમના કાંચરાપલેમની નજીક વંદે ભારત એક્સપ્રેસના એક કોચની વિન્ડો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ગ્લાસને નુકસાન થયું છે. આ કેસમાં તપાસ ચાલી રહી છે. આ કેસમાં રેલવે એક્ટ 154 અન્વયે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. 30મી ડિસેમ્બરે પણ કોલકાતામાં વંદે ભારત એક્સપ્રેસને વડા પ્રધાને લીલી ઝંડી આપી હતી, જે ટ્રેન પર પણ પથ્થરમારાનો બનાવ બન્યો હતો.