કેન્વાસ -અભિમન્યુ મોદી
મહાવીર જયંતી શબ્દ ખોટો છે એવું તો નહી કહીએ પણ મહાવીર જન્મ કલ્યાણક સાચો શબ્દ છે. મહાન પુરુષોના જન્મદિવસ જયંતી તરીકે ઉજવાય પણ જે જીવાત્મા મનુષ્યપદથી ઉપર હોય તેમનું જન્મ કલ્યાણક હોય. આંબેડકર જયંતી હોય પણ બૌદ્ધ જયંતી ન હોય, બુદ્ધ પૂર્ણિમા હોય. મહાવીર જન્મ કલ્યાણકને મહાવીર ત્રયોદશી પણ કહેવાય છે. ઇતિહાસકારો પણ જે વ્યક્તિત્વના અસ્તિત્વને પુષ્ટિ આપે છે તે મહાવીર સ્વામી છે. આ આરાની ચોવીસીના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર. અમાસના દિવસે નિર્વાણ પામનારા એકમાત્ર તીર્થંકર. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પ્રથમ દેશના (પ્રવચન) જેમનું અસફળ રહ્યું હોય એવા એકમાત્ર તીર્થંકર. ગયા ભવમાં નરકનું પણ આયુષ્ય ભોગવનાર તીર્થંકર. ત્રેવીસે તીર્થંકરનાં કર્મોનો કુલ સરવાળો થાય તેના કરતાં પણ વધુ કર્મો જેમણે ભોગવ્યા અને અતિ આકરા તપ વડે જેમણે પોતાનાં કર્મોની નિર્જરા કરી એવા મહાત્મા શ્રમણ ભગવાન મહાવીર.
જૈન ધર્મની અનેક ખાસિયતોમાંથી એક ખાસિયત એ છે કે એમાં કોઈ ઈશ્ર્વર નથી. લોકબોલીમાં જેને ભગવાન કહેવાય છે એવા ભગવાન પણ નથી. જે છે એ તીર્થંકર છે. તીર્થંકર કોઈ પણ સામાન્ય માણસ બની શકે છે. તીર્થંકર બનવા માટે જૈન પરિવારમાં જન્મ લેવો પણ જરૂરી નથી. બધા જ તીર્થંકરો ક્ષત્રિયકુળમાં જન્મ્યા હતા અને તીર્થંકર પદને પામ્યા હતાં. નિયમો પણ તૂટતાં હોય છે. બધા પુરુષો જ તીર્થંકર બન્યા પણ ઓગણીસમા તીર્થંકર મલ્લીનાથમાં અપવાદ સર્જાયો. તેઓ તો સ્ત્રી હતાં. ભાવની તાકાત સૌથી મોટી છે. પછી કર્મો આપમેળે રસ્તો કરી દે છે. ભાવધારા મજબૂત અને સતત જોઈએ તો કોઈ પણ પદ મેળવી શકાય છે. મહાવીર સ્વામીના લેવલ સુધી પહોંચવું ઓન પેપર અશક્ય તો નથી પણ એ તપ કરવાની તાકાત આપણામાં છે? આ ધીરજ છે? ફક્ત એક ભવમાં સાધના કરી લેવાથી કે તપસ્યા કરવાથી ગણધર પણ બનાતું નથી. કેવળજ્ઞાન તો બહુ દૂરની વાત છે. તેના માટે અતિશયો મેળવવા પડે, એ જ્ઞાન મેળવવું પડે અને શરીરનો મોહ છોડીને સમષ્ટિ સાથે એકાકાર થવું પડે. જે મહાવીર સ્વામી કરી શક્યા.
અરિહંત પદ એમનેમ મળે? અરિ એટલે દુશ્મન અને હંત એટલે હણવું. અહિંસાના પાયા ઉપર ઊભેલા જૈન ધર્મના સૌથી મુખ્ય મંત્રની પહેલી લીટીમાં જ હણવાની વાત છે. એ વિરોધાભાસ નથી. અહીં દુશ્મન એટલે કોઈ માણસ કે દૈત્યની વાત નથી. મહાવીર સ્વામી જ્યારે મહાવીર સ્વામી બન્યા ન હતા અને વર્ધમાન કુમાર હતા ત્યારે પણ બહુ બળવાન હતા. જન્મ સમયે જે બાળક પોતાના અંગૂઠાથી મેરુ પર્વત ડગાવી શકતા હોય એની તાકાતનું તો શું પૂછવું? પણ અહીં બાહુબળની તાકાતની વાત નથી. અહીં પોતાની અંદર રહેલા દુર્ગુણોને દુશ્મન માનવાની વાત છે અને તે દુશ્મનોને હરાવીને જીત મેળવવાની વાત છે. બાકી બળવાન લોકો તો હજાર હોય. આજે એક છે તો કાલે બીજો ને પછી ત્રીજો. પણ કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, અસત્ય, હિંસક વૃત્તિ, નિંદા વગેરે દુર્ગુણોનું શું? એની ઉપર વિજય મેળવવો આસાન છે? મનમાં કોઈના પણ માટે સહેજ પણ નબળો વિચાર ન આવે તે શક્ય છે? મહાવીર સ્વામીએ પોતાની ભીતર રહેલા દુશ્મનો ઉપર સંપૂર્ણ વિજય મેળવ્યો. પોતાને ભયંકર કષ્ટ આપનાર ઉપર જરા પણ ખફા ન થવાય તેવો કરુણાનો ઘૂઘવતો સાગર પોતાની અંદર સમાવ્યો. પછી મહાવીર થવાયું.
મહાવીર સ્વામીના પાછલા જન્મની વાત ઓછી જાણીતી છે. મહાવીર બનતા પહેલા પણ કેટલાં બધા ભવો સુધી સતત કસોટી આપવી પડે છે એ જાણતા ખબર પડે કે મહાત્મા અને પછી તીર્થંકર એમનેમ નથી બનાતું. આ દુનિયાને અને કર્મની અટપટી થિયરીને સમજવા માટે પણ મહાવીર સ્વામીના પૂર્વ ભવો વિશે જાણવું તે થોડી મદદ કરશે. મહાવીર સ્વામીનો બહુ શરૂઆતનો અને નોંધની દૃષ્ટિએ ત્રીજો ભવ તો પ્રથમ તીર્થંકર ઋષભદેવના પુત્ર ભરતના પુત્ર તરીકે. બાહુબલીના મોટા ભાઈ ભરત ચક્રવર્તી હતા એમના દીકરાનું નામ મરીચિ હતું. મરીચિના ભવમાં જ તેમને વૈરાગ્યની ભાવના થઈ હતી. ઋષભદેવ ભગવાન પાસેથી દીક્ષા લીધી હતી પણ લાંબો સમય સુધી બધા જ નિયમોને અનુસરી શક્યા નહિ. સાધુપણાનો ત્યાગ કર્યો અને ત્રિદંડ હાથમાં લઈને સંન્યાસી બન્યા. શરીરને કષ્ટ ન પડે એવો વેશ ધારણ કર્યો.
ઋષભદેવ એટલે કે આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન થઈ ચૂક્યું હતું. તે તો ગામેગામ વિહાર કરી રહેલા અને દેશના આપતા હતા. તે દરમિયાન તેમના જ સંસારી પુત્ર ભરતે પૂછ્યું કે, ભગવન, આ સમવશરણમાં એવો કોઈ આત્મા છે કે જે આ ચોવીસીમાં આપની જેમ જ તીર્થંકર થાય? ઋષભદેવે કહ્યું કે તારો પુત્ર મરીચિ, આ ભરત ક્ષેત્રમાં મહાવીર નામથી પ્રખ્યાત તીર્થંકર થશે. આ વાત મરીચિ સુધી પહોંચી. મરીચિના હર્ષનો કોઈ પાર ન રહ્યો. હર્ષનો અતિરેક મદમાં ફેરવાઈ ગયો. પોતાના કુળનો તીવ્ર મદ કર્યો માટે તેમણે નીચ ગોત્ર કર્મ બાંધ્યું. જે તેમણે આવતાં ભવોમાં ભોગવવાનું હતું.
પછી કોઈ કપિલ નામનો શિષ્ય તેમની પાસે આવ્યો. પહેલા તો મરીચિએ એમ જ કહ્યું કે ઋષભદેવે બતાવેલો ધર્મ જ સાચો છે. પણ થોડી ચર્ચા પછી મરીચિના મિથ્યાત્વનો મોહ ઉદય પામ્યો અને પછી મરીચિ બોલ્યા કે “ધર્મ તો જેમ ત્યાં છે એમ અહીં પણ છે. બસ આ એક જ વાક્ય અને મહાવીર સ્વામી બનતા પહેલા તેના આત્માના સેંકડો ભવો અને લાખો વર્ષ વધી ગયા. આ કર્મ ખોટું બંધાઈ ગયું.
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીનો અઢારમો ભવ પણ મહત્ત્વનો છે. ત્યારે તેઓ ત્રિપુષ્ઠ વાસુદેવ હતા. તે વાર્તા તો મોટી છે પણ તેનો અંત કંઇક આવો છે કે એક રાતે સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને સંગીત સાંભળતા સાંભળતા આમ પ્રજાપ્રિય શાસક પણ અનુશાસનમાં આગ્રહી એવા વાસુદેવને ઊંઘ આવી ગઈ. તેમણે કહ્યું હતું કે મને ઊંઘ આવે ત્યારે સંગીતનો કાર્યક્રમ બંધ કરાવજો. ચોકીદાર એટલે કે શય્યાપાલક સંગીતની મધુરતામાં કાર્યક્રમ બંધ કરાવવાનું ભૂલી ગયો. ઊંઘમાં ખલેલ પહોંચતા ત્રિપૃષ્ઠ વાસુદેવને ખૂબ ક્રોધ ચડ્યો. તેમણે સજારૂપે શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું. આ બહુ મોટું પાપ કર્યું. માટે મહાવીર સ્વામીનો આત્મા નરકમાં ગયો. એ જ શય્યાપાલક વર્ધમાનના ભવમાં ગોવાળિયો બનીને આવ્યો જેમણે મહાવીર સ્વામીના કાનમાં ખિલ્લા ઠોક્યાં હતા.
કર્મની સત્તામાંથી કોઈ જ બાકાત નથી, તીર્થંકર નામ કર્મ જેમણે નિશ્ર્ચિત સ્વરૂપમાં બાંધી લીધું હોય એવી મહાન આત્મા પણ કર્મ ભોગવીને જાય છે. જે પણ કઈ કરીએ છીએ તે ફરીને આપણી પાસે જ પાછું ફરે છે. સારું કરીએ તો સારું મળે, ખરાબ કરીએ તો ખરાબ મળે. અહીંનું અહીંયા હોય છે. ભલે અમુક લોકો પાછલા કે આગલા જન્મમાં માનતા નથી. માત્ર એક જ વખત જિંદગી મળી છે ને આત્મા જેવું કઈ હોતું નથી એવું કહેનારા પણ ઘણા માણસો હોય છે. આ ખોટા છે એમ કહેવાનો અર્થ નથી. મુદ્દો એ છે કે એક જ જન્મ હોય તો પણ બુરાઈનું પરિણામ ખરાબ જ આવે. ખાડો ખોદે તે વહેલો કે મોડો પડે તે નિશ્ર્ચિત છે. કોઈ પણ જીવમાત્રને સહેજ પણ ખલેલ પહોંચડાવી એ દુનિયામાં અવ્યવસ્થા સર્જવા જેવું મોટું કર્મ છે. સૂક્ષ્મ ગણાતી હિંસા પણ મોટું સ્વરૂપ લઇ શકે છે. ગુસ્સો કે નફરત કે નિંદા કે અસત્ય વિશ્ર્વશાંતિના મોટા દુશ્મનો છે. આત્મિક વિકાસ માટે પણ મનની અંદર રહેલી ખરાબ બાબતો કે કુવિચારો નાબૂદ થવા જોઈએ. મન ઉપર વિજય મેળવવો સૌથી મોટી વાત છે. મહાવીર થવું સહેલું નથી. મહાવીર થવું અસંભવ પણ નથી. મહાવીર જેવી આત્મા ભારતવર્ષમાં જન્મે એ બાબતે આપણે સૌ નસીબદાર છીએ. હવે ક્યારે આવી મહાન આત્મા આપણે ત્યાં અવતરશે?