એક દિવસમાં વિક્રમી પ્રવાસીની અવરજવર
૨૦૧૮ પછી એક દિવસમાં દોઢ લાખથી વધુ પ્રવાસીની અવરજવર એરપોર્ટ પર
ક્ષિતિજ નાયક
મુંબઈ: કોવિડના નિયંત્રણો સંપૂર્ણ હટાવવામાં આવ્યા પછી સૌથી મોટો ફાયદો પરિવહન ક્ષેત્રે થયો છે, જે અંતર્ગત મુંબઈની લાઈફલાઈન લોકલ ટ્રેનોની સાથે મુંબઈ એરપોર્ટ પર પણ પ્રવાસીઓની અવરજવરમાં નોંધપાત્ર વધારો થયો છે. દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (સીએસએમઆઈએ) ખાતે એક દિવસમાં ૧.૫૦ લાખથી વધુ પ્રવાસીએ અવરજવર કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
દસમી ડિસેમ્બરના એક દિવસ દરમિયાન ૧,૫૦,૯૮૮ પ્રવાસીએ અવરજવર કરી હતી. મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તાએ કહ્યું હતું કે એક દિવસમાં ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ૧,૧૧,૪૪૧ તથા ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૩૯,૫૪૭ પ્રવાસીએ અવરજવર કરી હતી. કોરોનાને કારણે પ્રવાસીઓની અવરજવર સંબંધિત અનેક પ્રકારના પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા, જેમાં અગાઉ ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૧માં એક દિવસમાં પ્રવાસીની સંખ્યા ઘટીને ૭૩,૫૦૯ નોંધાઈ હતી, જે ૨૧ મહિના પછી પ્રવાસીની સંખ્યા વધીને દોઢ લાખને પાર કરી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે ૨૦૧૮માં ૨૧ ડિસેમ્બરના રોજ ૧.૫૬ લાખ પ્રવાસીએ અવરજવર કરી હતી, જેમાં ચાર વર્ષ પછી પહેલી વખત દોઢ લાખથી વધુ પ્રવાસીએ અવરજવરની સંખ્યા નોંધાઈ છે. આ વર્ષે સીએસએમઆઈએ ૯૭ ટકાથી વધુ પેસેન્જર ટ્રાફિક નોંધાયો છે. અગાઉ ૨૨ ડિસેમ્બર, ૨૦૧૭માં ૧.૫૨ લાખ જેટલા પ્રવાસીએ એરપોર્ટમાંથી અવરજવર કરી હતી. કોરોના સંબંધિત નિયંત્રણો દૂર કરવામાં આવ્યા પછી સૌથી વધુ મૂવમેન્ટ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જોવા મળી છે. દસમી ડિસેમ્બરના રાષ્ટ્રીય સ્તરે પણ ૨,૭૯૮ ફ્લાઈટ્સ મારફત ૪,૧૪,૧૧૪ પ્રવાસીએ અવરજવર કરી હતી, જ્યારે કુલ મળીને ૫,૫૮૬ ફલાઈટ્સ મારફત કુલ મળીને ૮,૨૭,૪૨૯ પ્રવાસીએ અવરવજર કરી છે. નિયંત્રણો દૂર કરવામાં આવ્યા પછી પણ હજુ એરપોર્ટ પર સુરક્ષાને કારણે બિનજરૂરી વિલંબ થતો હોય છે, જેમાં પ્રશાસન ફક્ત સુરક્ષાને નામે બિનજરૂરી બેલ્ટ કે પગના મોજા કાઢવામાં આગ્રહ રાખતા હોય છે. ડોમેસ્ટિક એરપોર્ટમાં સૌથી વધુ પ્રવાસીઓને હાલાકી પડતી હોય છે, જે બાબતનું પ્રશાસને ધ્યાન રાખવું જોઈએ, એમ કુર્લાના રહેવાસી મનીષ મહેતાએ જણાવ્યું હતું.
એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે દિગિ યાત્રા ટૂંક સમયમાં ચાલુ કરવામાં આવશે, જે ટૂ-ટૂ (ટર્મિનલ ટૂ) પર ઉપલબ્ધ થશે. પ્રવાસીઓની અવરજવર વધુ ઝડપથી થઈ શકે તે ઉદ્દેશને લઈને આ સુવિધા ચાલુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા એક વર્ષ દરમિયાન એરપોર્ટના પરિસરમાંથી આ પ્રમાણે અવરજવર રહી હતી. એક વર્ષની તુલના કરીએ તો ગયા વર્ષે ડોમેસ્ટિક એરપોર્ટ પરથી ૮૮,૨૪૩ પ્રવાસીએ અવરવજર કરી હતી, જ્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ૧૬,૪૫૬ પ્રવાસી સાથે કુલ ૧.૦૪ લાખ પ્રવાસીએ અવરજવર કરી હતી. એક વર્ષની તુલનામાં ડોમેસ્ટિક ક્ષેત્રે ૨૬ ટકાનો વધારો થયો છે, પરંતુ ઈન્ટરનેશનલ ૧૪૦ ટકાનો વધારો થયો છે, જે વિક્રમ કહી શકાય, એમ અધિકારીએ જણાવ્યું હતું.
તારીખ વર્ષ ડોમેસ્ટિક ઈન્ટરનેશનલ કુલ પ્રવાસી
૧૦મી ડિસેમ્બર ૨૦૨૨-૨૩ ૧,૧૧,૪૪૧ ૩૯,૫૪૭ ૧,૫૦,૯૮૮
૧૦મી ડિસેમ્બર ૨૦૨૧-૨૨ ૮૮,૨૪૩ ૧૬,૪૫૬ ૧,૦૪,૬૯૯