મુંબઈ: દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની અત્યંત ઘાતકી રીતે હત્યા કરવાના કેસમાં પકડાયેલા આરોપી પ્રેમી આફતાબ અમીન પૂનાવાલાને આ મહિનાના પ્રારંભમાં વસઈની માણિકપુર પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો ત્યારે તે આત્મવિશ્ર્વાસથી ભરેલો દેખાતો હતો અને તેના ચહેરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો નજરે પડતો નહોતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
કૉલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરની કોઈ ભાળ ન મળતાં તેના પરિવારે વસઈ સ્થિત માણિકપુર પોલીસ સ્ટેશનમાં મીસિંગની ફરિયાદ નોંધાવી હતી. માણિકપુર પોલીસે ગયા મહિને અને ૩ નવેમ્બરે એમ બે વાર આફતાબને પૂછપરછ માટે બોલાવ્યો હતો. બન્ને વખત તેણે એવું કહ્યું હતું કે શ્રદ્ધા તેને છોડીને જતી રહી હતી અને તે સાથે રહેતાં નહોતાં, એમ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર સંપતરાવ પાટીલે જણાવ્યું હતું.
શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના શરીરના ૩૫ ટુકડા કરવાના આરોપસર દિલ્હી પોલીસે પૂનાવાલા (૨૮)ની ધરપકડ કરી હતી. વસઈમાં રહેતો પૂનાવાલા શ્રદ્ધા સાથે હત્યાના થોડા દિવસ પહેલાં જ દિલ્હીના ફ્લૅટમાં ભાડે રહેવા ગયો હતો. પૂનાવાલાએ શ્રદ્ધાના શરીરના ટુકડા નજીકના જંગલમાં ફેંક્યા હોવાનું દિલ્હી પોલીસનું કહેવું છે.
પાટીલે જણાવ્યું હતું કે પૂનાવાલાને પહેલી વાર ઑક્ટોબરમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ પછી તેને જવા દેવાયો હતો. જોકે ત્રીજી નવેમ્બરે તેને ફરી બોલાવવામાં આવ્યો હતો અને બે પાનાંનું તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બન્ને વખત તે આત્મવિશ્ર્વાસથી છલોછલ હતો અને તેના ચહેરા પર પસ્તાવાનાં કોઈ નિશાન નહોતાં.
અધિકારીએ જણાવ્યું હતું કે ગયા મહિને અમે દિલ્હીના મહરૌલી પોલીસ સ્ટેશનમાં ગયા અને આફતાબની પૂછપરછ કરી હતી, પરંતુ તે સમયે પણ તેણે શ્રદ્ધા તેની સાથે ન રહેતી હોવાનું રટણ ચાલુ રાખ્યું હતું. આનાથી વધુ તેણે કોઈ માહિતી આપી નહોતી.
‘દિલ્હીના પોલીસ સ્ટેશનમાં અમે કલાકો સુધી તેની પૂછપરછ કરી હતી, પરંતુ અમને તેના પર ક્યારેય શંકા ઊપજી નહીં,’ એમ પાટીલે જણાવ્યું હતું.
શ્રદ્ધાના મિત્ર રજત શુક્લાએ કહ્યું હતું કે પૂનાવાલા તેને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ કરતો હશે, એવી શક્યતા છે.
‘તે (પૂનાવાલા) સાધારણ માણસ નથી. લવ જિહાદ, આતંકવાદ અથવા આ કેસમાં અન્ય કોઈ ધ્યેય હોઈ શકે. તેની ઊંડાણથી તપાસ થવી જોઈએ અને સત્ય બહાર આવવું જોઈએ. તે લોકોને ગેરમાર્ગે દોરતો હતો,’ એમ શુક્લાએ જણાવ્યું હતું. (પીટીઆઈ)