આજે આટલું જ -શોભિત દેસાઈ
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે.
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
‘મરીઝ’નો આ અજરાઅમર શેર છે. અતિશયોક્તિ વગર કહું તો માનવજાતનું જ્યાં સુધી અસ્તિત્વ હશે આ શેર રહેશે, કારણ માનવજાતનો, સમગ્ર માનવજાતનો સ્વભાવ સલાહ આપવાનો ક્યારેય નથી જવાનો, નથી જવાનો, નથી જ જવાનો. હાસ્યકારોના પરમાત્મા જ્યોતીન્દ્ર દવેએ કોઈકનું અવતરણ ટાંકતા કહ્યું જ હતું: એવી કઈ વસ્તુ છે જે આખી દુનિયાને આપવાની બહુ ગમે પણ કોઈને લેવાની ન ગમે? ઉત્તર: સલાહ. નાનપણમાં અમને અમારા વડીલો/ મુરબ્બીઓ/ શુભેચ્છકોએ અમારા વ્યસન સંદર્ભમાં અમને જે કૈં કહ્યું હતું એના જવાબરૂપે મા વાગિશ્ર્વરીએ અમને એક જડબેસલાક શેર થોડા વર્ષો પછી મોકલી આપેલો, આગળ ફરતો કરવા માટે… નર્યા તત્ત્વજ્ઞાનથી ઠાંસોઠાંસ ભરેલો –
મોતનું નિશ્ર્ચિત ગણિત છે, એટલે-
જીવવામાં હું જરા ગાફેલ છું.
અને એમાંય સાહેબ! ધાર્મિક આત્માઓ તો એકાધિકાર ધરાવે છે સલાહ આપવાના વ્યવસાયનો! દરેક ધર્મના… અમૃત ‘ઘાયલ’ સાહેબે તો રમૂજ પણ કરેલી એકવાર
અભરખા હોય દર્શનના તો બંધુ! આવજે રાતે
દિવસના કોઈને મહારાજશ્રી દર્શન નથી દેતા
અને બીજી પણ એક વાર
શેખની દાઢીમાં નાંખ્યો હાથ, તો-
કૈંક લગડી બિનહિસાબી નીકળી
ઓશોએ અદ્ભુત વાર્તા કહી હતી એક સૂફી ફકીરની. એક મા-બાપ આવ્યા ફકીર પાસે એમના સાત વરસના દીકરાને લઈને, અને કહ્યું: બહુ જ ગોળ ખાય છે આ… કેટલી વખત સમજાવ્યો, કેટલી વાર ના પાડી પણ માનતો જ નથી. ફકીરે અઠવાડિયા પછી આવવા કહ્યું. અઠવાડિયા પછી પાછું અઠવાડિયા પછી આવવા કહ્યું. ૧૪ દિવસ પછી પાછું એક વાર. કાઠિયાવાડી ગુજરાતીમાં કહું તો મા-બાપ મૂંઝાણા: ‘કેમ સાહેબ અમને આમ ફેરા ખવડાવો છો?’
તમે આવોને તમતમારે અઠવાડિયા પછી. બીજું કાંઈ ના પૂછશો. પાછા ગયા ત્રણેય પહેલીવાર ગયા’તા એના એકવીસ દિવસ પછી. ફકીર છોકરાની આંખમાં આંખ પરોવીને એટલું જ બોલ્યા: ગોળ ખાવાનો છોડી દે… અને મા-બાપને કહ્યું: જાઓ. તમારું કામ થઈ ગયું. હવે એ ગોળને અડશે નહીં… મા બોલી: બસ આટલું જ કહેવા એકવીસ દિવસ લગાડ્યા?! ફકીરે કહ્યું: મને પોતાને ગોળ ખાવાની તમારા ચિરંજીવી જેટલી જ આદત હતી. ગઈ કાલે વીસ દિવસ મારે ગોળ સમૂળગો બંધ કરે થયા. સાત વરસનો દીકરો ફકીર અને મા-બાપ તરફ જોઈ બોલે છે: આજથી હું પ્રતિજ્ઞા લઉં છું કે ક્યારેય ગોળ નહીં ખાઉં. દમ તો જ આવે સલાહમાં જો એનું પાલન પૂરેપૂરી નૈતિકતાથી સલાહ આપનારે પોતે કર્યું હોય. મનહર મોદી સામાન્યજનમાં અલ્પજ્ઞાત પણ મોટા ગઝલકાર ગુજરાતીના. એમના બે શેર તો જુઓ!
રોજ સવારે એ જ શીખું છું,
બોલું એ આચરવું હોજી.
કાલ વધારે સુંદર લાગે
આજે એવું કરવું હોજી
વાત તો આજે આ જ સંદર્ભમાં ઓશો દ્વારા કહેવાયેલી ગુર્જિયેફ અને એમના પટ્ટશિષ્ય ઓસપેન્સ્કીની કરવી હતી, પણ
હમ થે વો થી ઔર સમા રંગીન, સમજ ગયે ના?!
જાતે તે જાપાન, પહોંચ ગયે ચીન સમજ ગયે ના?!
– મજરૂહ સુલતાનપુરી
આવતો રવિવાર છે જ એ વાત કરવા…
જાત, દુનિયામાં ખરી ખોવાઈ ગઈ
કૂવે રવ વહેતો કરી, ખોવાઈ ગઈ
બાળપણમાં જઈ પહોંચ્યો, શોધતાં
વારતામાંથી પરી ખોવાઈ ગઈ
છેકવા અકબંધ, રચવા સદ્યસ્નાત
વીંટી પાણીમાં સરી, ખોવાઈ ગઈ
એક-બે ક્ષણની હતી શાહી સફર
છોળ, સાગર પર તરી, ખોવાઈ ગઈ
આ મુગટ, આ દ્યૂતસભા, આ ધર્મયુદ્ધ
આ બધાંમાં બંસરી ખોવાઈ ગઈ
આજે આટલું જ…