રોજ બરોજ -અભિમન્યુ મોદી
પ્રાણીશાસ્ત્રમાં કાચિંડો એક એવું પ્રાણી છે જે ઋતુ પ્રમાણે ત્રણ રંગ બદલે છે. એ પ્રકારે વિચારશ્રેણીમાં, સિદ્ધાંતોમાં કે રાજકીય ગઠબંધનમાં કોઈ પરિવર્તન આવે તો તેને તજજ્ઞો ‘મેટામોર્ફોસીસ’ તરીકે સંબોધે છે. મેટામોર્ફોસીસ શબ્દ પરથી વિખ્યાત જર્મન લેખક ફ્રાંઝ કાફકાએ ‘ધ મેટામોર્ફોસીસ’ નામની નવલકથા લખી છે. એ જર્મન શબ્દનો અર્થ થાય છે ટ્રાન્સફોર્મેશન. મેટામોર્ફોસીસ શબ્દ જ્યારે માનવીની વિચારધારામાં આમૂલ પરિવર્તન આવે છે ત્યારે વપરાય છે અને તે રચનાત્મક અર્થમાં છે. ખરેખર તો મેટામોર્ફોસીસ એક જીવરાસાયણિક પરિવર્તન છે. કુદરતની પ્રક્રિયા મુજબ દરેક જીવ, વનસ્પતિ અને વાતાવરણમાં ફેરફાર થાય છે. એનસાઈકલોપીડિયા બ્રિટાનિકા કહે છે કે રાજકીય પરિવર્તનનો લાભ લેવા સ્વેચ્છાએ અથવા યેનકેન પ્રકારે નેતાઓનું માનસ બદલાય તેને પણ મેટામોર્ફોસીસ કહે છે. ઈરાનમાં જન્મેલી પરિવર્તનની ક્રાંતિથી સરકારે મોરાલિટી પોલીસને હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે, પરંતુ મૌખિક, લેખિતમાં નહીં. આંદોલનકારી પ્રજા હવે ઈરાનના સત્તાધીશો પાસે મેટામોર્ફોસીસની અપેક્ષા કરે છે.
ઈરાનની મોરાલિટી પોલીસ ‘ગશ્ત-એ-ઈર્શાદ’ તરીકે ઓળખાય છે. મોરાલિટી પોલીસનું કામ ઈરાનમાં ઈસ્લામિક કાયદા અને ડ્રેસ કોડને કડક રીતે લાગુ કરવાનું છે. આખી પોલીસ ટુકડીની નિમણૂક માત્ર સ્ત્રીઓ કેવાં પરિધાન ધારણ કરે છે તે ચેક કરવાનું છે. એ સિવાય પોલીસકર્મીઓ બીજું કંઈ ન કરે અને જો કાયદાનો ભંગ થાય તો સ્ત્રીઓના શિયળ લૂંટવાં સુધીની સત્તા મોરાલિટી પોલીસ પાસે છે. ખનીજોનો ખજાનો ધરાવતા ઈરાનનું યુવાધન આવી નમાલી પોલીસમાં ભરતી થવા માટે મહેનત કરે છે. કોઈને દેશની સુરક્ષામાં રસ નથી. બસ મોરાલિટી પોલીસમાં ઘૂસીને મહિલાઓ સાથે કાયદાના નામે કંઈ પણ કરી શકાય તેનો વિકૃત આનંદ ઈરાનના યુવાનોને મેળવવો છે. પરંતુ ચાર મહિનાથી ચાલતી પરિવર્તનની આંધી સામે આવી પોલીસ પણ વામણી પુરવાર થઈ છે.
સરકારને જે રીતે હિજાબનાં ફરજિયાત અમલમાં પીછેહઠ કરવી પડી છે તે પછી લોકતંત્ર અને સ્વતંત્રતાની ભાવનામાં વિશ્ર્વાસ રાખનારાઓનો જુસ્સો બેવડાયો છે. સરકાર અને વિરોધ પ્રદર્શનો હવે કેવો વળાંક લે છે તેના પર સૌની નજર છે. મોરાલિટી પોલીસ ફોર્સને વિખેરી નાખવાની જાહેરાત કરીને સરકાર આંદોલનકારીઓનો નાડ પારખવા માગે છે. ઈરાનની આ જાહેરાત પ્રજાને છેતરામણી લાગી રહી છે. આંદોલનકારીઓ કોઇપણ ભોગે નમતું જોખવા તૈયાર નથી. પબ્લિક તેલ જુઓ તેલની ધાર જુઓનો અભિગમ અપનાવી રહી છે. હિજાબ પહેરવાના મુદ્દાને મહિલાઓ પર ફરજિયાત ઠોકી બેસાડવાનો નિયમ સરકારને મોંઘો પડી રહ્યો છે. લોકોનો જ્વાળામુખી સરકારનો ભોગ લે તે પહેલાં સરકાર સાનમાં સમજીને રાજહઠ છોડે તેમાં જ તેની ભલાઇ છે. આંદોલનનો વ્યાપ હવે વિસ્તરી રહ્યો છે તેમાં હિજાબનો મુદ્દો ઉપરાંત અન્ય મુદ્દા ઉમેરાઇ રહ્યા છે.
ઈરાન સરકાર દ્વારા જો કોઇપણ મુદ્દા પર કાચું કાપવામાં આવશે તો તેનું અસ્તિત્વ ભૂંસાઈ શકે છે. સત્તા છોડવાનો વારો આવી શકે છે. આ આંદોલનમાં ભલે ઇરાનની મહિલાઓની જીત થઇ હોય પણ તેઓએ આખી દુનિયા સમક્ષ મહિલા શક્તિની એક નવી મિસાલ પેદા કરી છે. કઈ રીતે સંઘર્ષ કરવો અને કેવી રીતે જીત મેળવવી તેનું જ્ઞાન લોકોને આપ્યું છે. હિજાબનો વિરોધ કરી રહેલી મહિલાઓએ અહિંસક રીતે સરકાર સમક્ષ તેમની તાકાતનું પ્રદર્શન કરીને સરકારને હંફાવી છે. ઈરાનની સરકારે મોરાલિટી પોલીસને વિખેરી છે પણ હિજાબ ફરજિયાત બનાવતો કાયદો રદ કર્યો નથી. એટલે હજી સંકટ હટયું નથી. અને ઈરાન સરકારના મનસૂબા પ્રજા સામે ઝુકવાના પણ નથી. ઇસ્લામિક કાયદો એકલો ઇરાનમાં જ નહી પરંતુ સાઉદી અરેબિયા, દુબઇ, કતાર, પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોમાં છે જો બધા દેશ ઇરાનની જેમ નમતું જોખે તો કાયદાનું અસ્તિત્વ જ નાબૂદ થઈ જાય. મૂળ તો ઈરાનના નિર્ણય પર ઇસ્લામિક રાષ્ટ્રો મીટ માંડીને બેઠા છે. એટલે ધર્મના નામે રાજ કરતા ઈરાન પ્રમુખ ઇબ્રાહિમ રાયસી ખુદ ધર્મસંકટમાં ફસાયા છે.
આજે ઇરાનમાં હિજાબનો વિરોધ કરી રહેલી મહિલાઓ તેમની માતાનો બાળપણનો મોર્ડન ફોટો જોતી હશે ત્યારે તેને ખ્યાલ આવતો હશે કે ૧૯૭૯માં થયેલી ઇસ્લામિક ક્રાંતિ પહેલાનું ઇરાન ઘણું જ આધુનિક હતું. એ સમયના પહલવી વંશની રાજાશાહી દેશને ચલાવવા માટે પુરુષો અને સ્ત્રીઓ બંનેને શિક્ષિત કરવા પર ભાર મૂકતી હતી. તહેરાન યુનિવર્સિટીમાં પશ્ર્ચિમી પોષાકમાં સજજ યુવતીઓ બિંદાસ ટહેલતી જોવા મળતી. તહેરાનની ગલીઓમાં કોઇ ખચકાટ વિના ફૂલ સાઇઝ સ્મિત સાથે મહિલાઓ વિન્ડો શોપિંગ કરવા નિકળી પડતી. ઇરાન જાણે કે મધ્યપૂર્વ નહીં, પરંતુ યુરોપનો કોઇ દેશ હોય એવાં દૃશ્યો ઠેરઠેર જોવાં મળતાં. એવું નથી કે હિજાબનું અસ્તિત્વ જ ન હતું, પરંતુ મહિલાઓ ઘરની બહાર નિકળે ત્યારે તેણીએ માથું-વાળ ઢાંકવા એવો કોઇ કાયદો ન હતો.
૧૧ ફેબુ્રઆરી, ૧૯૭૯ના રોજ ઇરાનમાં પહલવી રાજવંશના શાસનનો અંત આવ્યો હતો. તેના છેલ્લા શાસક મોહમ્મદ રાજ શાહ પર આયાતોલ્લાહ ખોમૈનીની ટુકડીએ હુમલો કર્યો અને ઈરાનની પુરુષ પ્રજાતિના પ્રચંડ જન સમર્થનના જોરે ઇસ્લામિક રાષ્ટ્ર જાહેર કર્યુ હતું. ડિસેમ્બર ૧૯૭૯માં નવું બંધારણ તૈયાર કરીને ખૂદને સર્વોચ્ચ ધાર્મિક નેતા જાહેર કર્યા અને આ ઇરાની ક્રાંતિ પછી સામાજિક પ્રશ્ર્નોના નિરાકરણ માટે મોરાલિટી પોલીસ અસ્તિત્વમાં આવી હતી. તેના અનુસાર મહિલાઓના હિજાબથી માંડીને પુરુષો અને મહિલાઓની જાહેર વતર્ણુક જેવી બાબતોમાં શું કરવું અને શું ન કરવું તેની માર્ગદર્શિકા જાહેર થઈ. આયાતોલ્લાહ ખોમૈનીએ કાર્યાલયો અને જાહેર સ્થળોએ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત બનાવ્યો હતો. એ સમયે એવું ફરમાન થયેલું કે જે મહિલાએ હિજાબ નહીં પહેર્યો હોય તેની ગણના દેહ વ્યાપાર કરતી સ્ત્રી સાથે થશે. છેક ત્યારથી હિજાબ ઇરાનમાં હંમેશાં સળગતો મુદ્દો રહ્યો છે. સમયાંતરે હજારો ઇરાની મહિલાઓ વિરોધ કરવા બહાર નિકળતી રહી છે. હિજાબ વિરોધી આંદોલનો થતાં રહ્યાં છે, પરંતુ સરકારમાં પગ જમાવી બેઠેલા રૂઢિચૂસ્તોએ કયારેય મચક આપી નથી.
ગાઇડલાઇનની આ ગૂંગળામણથી જ કંટાળીને મહિલાઓએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. હજજારો નિર્દોષ નાગરિકોનું રક્ત વહ્યું, વૈશ્ર્વિક સ્તરે ભારે ઉહાપોહ થયો ત્યારે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રાયસીએ લોકોનો રોષ શાંત કરવા પૂરતું જાહેર કરી દીધું કે તેઓ કાયદામાં ફેરફાર કરશે, પરંતુ ભ્રષ્ટ અને પેધી ગયેલા રાજનેતાઓની જેમ તેના પોકળ દાવા પર ઈરાનની સ્ત્રીઓને ભરોસો નથી, ડગલા જેવો પોષાક શરીરને માથા સુધી ઢાંકે એ ઇરાની મહિલાઓને હવે મંજૂર નથી. એટલે કાયદામાં અબઘડીએ પરિવર્તન કરવામાં આવે તેની માગ સાથે આંદોલન થઈ થયું છે અને ખરેખર ઈરાનમાં આવી મહાક્રાંતિની આવશ્કયતા છેલ્લા ૩ દાયકાથી ઉત્પન્ન થઈ હતી.
ઇરાન દૂધે ધોયેલું નથી. ઇરાન ઇઝરાયલ વિરોધી હઝિબુલ્લાહ જૂથ સહિત જુદાં જુદાં ૪૦ જેટલાં ત્રાસવાદી સંગઠનોને આર્થિક મદદ કરી રહ્યું છે. દુનિયાભરમાં ત્રાસવાદના મુખ્ય એક્સપોર્ટર તરીકે અત્યારે ચાર દેશોનાં નામ લેવાય છે: પાકિસ્તાન, કતાર, ઇરાન અને સાઉદી અરેબિયા. ઇરાનના આયાતૌલા ખૌમેનીએ તો દુનિયાના નકશામાં ઇઝરાયલ નામનું રાષ્ટ્ર જ ન હોવું જોઇએ એવું આત્યંતિક વિધાન પણ કર્યું હતું. ખૌમેનીએ એક સમયે કાશ્મીર અને ગાઝાની સમસ્યાને એક્સરખી ગણાવીને ભારતના આંતરિક મામલે વિવાદ ઊભો કર્યો હતો. ખૌમેનીની એ ટિપ્પણીથી ભારત દેખીતી રીતે જ નારાજ થયું હતું અને પાકિસ્તાન રાજીનું રેડ થઇ ગયું હતું. પાકિસ્તાનને એવું લાગ્યું કે ઇરાન તેને કાશ્મીર મામલે મદદ કરશે. જોકે ભારતની વધતી જતી આર્થિક તાકાત અને પેટ્રોલિયમ પેદાશના જંગી ખરીદદાર હોવાને લીધે ઇરાન ભારત સાથે દુશ્મની વહોરે નહિ, પરંતુ ઇરાન અણુબૉંબથી દુનિયાનો નકશો અને રંગ બદલવા માગે છે. ન્યુક્લિઅર ક્ષમતા મેળવવાનો દાવો કરતું ઇરાન ગ્લોબલ ટેરરિઝમનું નવું એપિસેન્ટર છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઇરાકમાં અંધાધૂંધી હજી શમી નથી ત્યાં ઇરાન રમણે ચડ્યું છે. પેટ્રોલિયમ પાવરહબ ઇરાનના તેવર અમેરિકાને હવે આકરા લાગવા માંડ્યા છે. ઇરાનના મામલે હવે વિશ્ર્વભરના દેશોમાં બે ભાગ પડી ગયા છે. ચીન અને રશિયા ઇરાનને ટેકો આપે છે તો અમેરિકા અને યુરોપના દેશો ઇરાનની સામે પડ્યા છે. આવા સમયે ઈરાનમાં ચાલી રહેલું આંદોલન ખરેખર દેશને આતંકવાદની નાગચૂડમાંથી શાંતિ પ્રિય રાષ્ટ્ર બનાવવા જેટલું સક્ષમ છે. ચાર મહિના પહેલાં મહસા અમીની નામની હિજાબનો વિરોધ કરતી મહિલાની મોરાલિટી પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસની કસ્ટડીમાં જ તેનું મોત નીપજ્યું હતું. આજે આખો દેશ તેની મોતના નામે મુક્તિ માગવા નીકળ્યો છે ત્યારે ઈરાની મહિલાઓનો સંઘર્ષ ઇસ્લામિક રાષ્ટ્રમાં વસ્તી મહિલાઓ માટે કેટલો ફળદાયી નીવડશે એ જોવાનું રહેશે.