ગાંધીનગર: પ્રવક્તા પ્રધાન ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યનાં ૭૨ જળાશયો આધારિત જે જૂથ યોજનાઓ પાણી મેળવે છે, તે તમામ જળાશયોમાં પર્યાપ્ત માત્રામાં પીવાનું પાણી આરક્ષિત કરવામાં આવ્યું છે. ઉનાળાને ધ્યાને લઇ ચાલુ વર્ષે રાજ્યના ૧૩ જિલ્લાઓમાં ૩૨૫ નવીન ટ્યુબ વેલ પણ સારવામાં આવી છે તેમજ ૪૩૨ નવીન મિનિ યોજનાઓ પણ કાર્યરત કરવામાં આવી છે. રાજ્યના દરેક નાગરિકને પૂરતું પાણી મળી રહે તે માટે બેઠકમાં ચર્ચા-વિચારણા કરાઈ હતી. જેની વિસ્તૃત વિગતો આપતા પ્રવક્તા પ્રધાને જણાવ્યું હતું કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્વારા રાજ્યના નર્મદા આધારિત ૧૦,૦૪૦ ગામ અને અન્ય સરફેસ સોર્સ આધારિત ૪,૪૨૦ ગામને મળી કુલ ૧૪,૪૬૦ ગામને પાણી પુરવઠો પૂરો પાડવા ૨૬૬ જૂથ યોજનાઓ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતાં ગામો મીની યોજના, ટ્યુબ વેલ, કૂવા, હેન્ડ પમ્પ જેવા સ્થાનિક સોર્સ આધારિત સ્વતંત્ર યોજના મારફત પાણી મેળવી રહ્યા છે. આગામી દિવસોમાં જરૂરિયાત જણાયે નવા ૨૦૦ ડી.આર. બોર તેમજ ૩૦૦૦ જેટલા ડી.ટી.એચ. બોર બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.