(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યમાં ભાજપની સરકાર સત્તામાં આવતાં જ નવી મુંબઈની ‘વીજળી’ અદાણી જૂથને સોંપી દેવાની હિલચાલ શરૂ થઈ અને તેની સાથે જ હવે મહાવિતરણના કર્મચારીઓ આને રોકવા માટે હવે આક્રમક બની રહ્યા છે.
અત્યારે બાંદ્રાથી મીરા-ભાઈંદર સુધીના પટ્ટામાં અને ભાંડુપ મુલુંડને બાદ કરતાં મુંબઈના બધા જ પરાંમાં વીજ પુરવઠો કરી રહેલી અદાણી કંપનીએ પૂર્વના વિસ્તારોમાં પોતાનો વ્યાપ વધારવાનું લક્ષ્યાંક રાખ્યું છે અને આથી તેમણે ભાંડુપ-મુલુંડ, નવી મુંબઈ, ખારઘર, થાણે, પનવેલ, તળોજા અને જેએનપીટી સુધી વીજ વિતરણ કરવા માટેની તૈયારી દાખવી છે. અત્યારે થાણે, નવી મુંબઈ અને અન્ય વિસ્તારોમાં મહાવિતરણ દ્વારા વીજળીનો પુરવઠો કરવામાં આવે છે. હવે આ વિસ્તારમાં મહાવિતરણની સાથે અદાણીની વીજળીનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વીજળી માટે ગ્રાહકોને નવો વિકલ્પ મળશે, પરંતુ હવે આનાથી મહાવિતરણના કર્મચારીઓના પેટમાં તેલ રેડાયું છે અને તેમણે અદાણીનો વિરોધ કર્યો છે અને હડતાળની ચેતવણી ઉચ્ચારી છે.
અદાણી ઈલેક્ટ્રિસિટી નવી મુંબઈ લિમિટેડના નામથી નવી કંપનીએ આ વિસ્તારમાં વીજળીના વિતરણ માટે પોતાનો દાવો માંડ્યો છે. અપેક્ષા મુજબ જ મહાવિતરણે આને માટે પોતાનો વિરોધ દર્શાવ્યો છે. હવે મહાવિતરણના કર્મચારીઓ દ્વારા આનો વિરોધ કરીને હડતાળની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે હજી તો અદાણીના દાવા માટે વાંધા-વિરોધ-સૂચનો મગાવવા માટે ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. અત્યારે મુંબઈને બાદ કરતાં આખા મહારાષ્ટ્રમાં મહાવિતરણ દ્વારા વીજળીનો પુરવઠો કરવામાં આવે છે, પરંતુ તેમની સર્વિસ અંગે લોકોમાં કાયમ ફરિયાદ રહેતી હોય છે. બીજી તરફ નવી મુંબઈમાં આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને અદાણીએ આ વિસ્તારમાં અત્યારથી પોતાનો ગઢ બનાવવાનું ચાલુ કર્યું છે. હવે આગામી દિવસોમાં આ પ્રકરણે શું થાય છે તે જોવાનું રહેશે.
અદાણીની એન્ટ્રી સામે મહાવિતરણના કર્મચારીઓ આક્રમક
RELATED ARTICLES