કવર સ્ટોરી -વિજય વ્યાસ
અમેરિકાની હિંડનબર્ગ રિસર્ચે કરેલા ધડાકાએ ભારતના સૌથી ધનિક ગૌતમ અદાણી અને તેમના અદાણી જૂથને તો હચમચાવી જ નાખ્યાં છે પણ ભારતીય શૅરબજારને પણ હચમચાવી નાંખ્યું છે. છેલ્લા ઘણા સમયથી સ્થિર ચાલતા શૅરબજારને હિંડનબર્ગના રિપોર્ટે મોટો આંચકો આપી દીધો છે.
હિંડનબર્ગે પોતાના રિપોર્ટમાં અદાણી ગ્રૂપ પર છેતરપિંડી અને મની લોન્ડરિંગ સહિતના મોટા આક્ષેપ કર્યા તેના કારણે અદાણી ગ્રૂપની કંપનીઓના શૅર તો ભમ્મ થઈ જ ગયા છે પણ સૂકા ભેળું લીલું બળે એમ બીજી ઘણી કંપનીઓના શૅર પણ ભમ્મ થઈ ગયા છે.
અદાણી ગ્રૂપે ૪૧૩ પાનાનાં જવાબમાં આ બધા જ આરોપો ખોટા છે એવો દાવો કર્યો છે પણ ભારતનાં લોકોને અદાણી કરતાં વધારે વિશ્ર્વાસ હિંડનબર્ગના રિપોર્ટ પર છે તેથી અદાણીના શૅરોનું કચુંબર થઈ ગયું છે. અદાણી ગ્રૂપે હિંડનબર્ગના રિપોર્ટને ભારત પરનો હુમલો ગણાવીને નરેન્દ્ર મોદીની સ્ટાઈલ મારવા કોશિશ કરી. અદાણીએ પોતાના પાપને છુપાવવા રાષ્ટ્રવાદનો સહારો લીધો પણ પૈસાની વાત આવે ત્યારે લોકો આવી બધી વાતોમાં લપેટાતા નથી તેથી અદાણીની વાત પર કોઈ ભરોસો કરતું નથી.
અદાણીના બચાવમાં ભાજપનું આઈટી સેલ પણ કૂધ્યું છે. એક પોસ્ટ ફરતી કરીને અદાણી ધોવાઈ રહ્યા છે તેના કારણે દેશનો મધ્યમ વર્ગ પણ ધોવાઈ રહ્યો છે ત્યાંથી શરૂ કરીને હિંડનબર્ગ આર્થિક ફાયદા માટે આ બધું કરી રહ્યો છે ત્યાં સુધીની વાતો કરીને અદાણીને સપોર્ટનું એલાન કરાયું છે. લોકોને આ વાત પણ ગળે ઉતરી નથી. અદાણીની મથરાવટી પહેલેથી મેલી છે તેથી લોકો તેમના બદલે એક વિદેશી પર વધારે ભરોસો કરી રહ્યાં છે.
અદાણીને મુદ્દે રાજકીય ઘમાસાણ પણ જામ્યું છે. હિંડનબર્ગનો રિપોર્ટ આમ તો અદાણી જૂથની આર્થિક પ્રવૃત્તિઓને લગતો છે તેથી આર્થિક કે કોર્પોરેટ મુદ્દો છે પણ અદાણીની નરેન્દ્ર મોદી સાથેની નિકટતાના કારણે રાજકીય મુદ્દો બની ગયો છે. અદાણીને સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બૅંક સહિતની સરકારી બૅંકોએ જંગી લોન આપી છે. એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓએ પણ જંગી રોકાણ કર્યું છે. આ કારણે પણ રાજકીય આક્ષેપબાજીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
આ મુદ્દાના કારણે સાવ નવરી થઈ ગયેલી કૉંગ્રેસ અને બીજા વિપક્ષોને ગોળનું ગાડું મળી ગયું છે. વિપક્ષી નેતાઓએ સંસદમાં ને સંસદની બહાર પણ હલ્લાબોલ કરી દીધું. કૉંગ્રેસ, તૃણમૂલ કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, સમાજવાદી પાર્ટી, ડીએમકે, જેડીયુ, ડાબેરીઓ સહિતના તમામ વિપક્ષો આ મુદ્દાનો લાભ લેવા કૂદી પડ્યા છે. વિપક્ષી નેતાઓએ અદાણી ગ્રૂપને મહાકૌભાંડી ગણાવીને અદાણીની પ્રવૃત્તિઓને શૅરબજારના અમૃતકાળનો સૌથી મોટો મહાગોટાળો ગણાવી છે.
અદાણીના મોદી સાથેના કનેક્શનને ચગાવીને વિપક્ષોએ ભાજપને ભિડાવવા પૂરી તાકાત લગાવી દીધી છે તેથી એક કોર્પોરેટ ગ્રૂપને લગતો મુદ્દો રાજકીય વધારે બની ગયો છે. કૉંગ્રેસે તો આ મુદ્દે ૬ ફેબ્રુઆરીએ દેશભરના જિલ્લામાં આવેલી એલઆઈસી અને સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા સામે દેખાવો કરવાનું એલાન પણ કરી દીધું છે.
કૉંગ્રેસ વધારે જોરમાં છે કેમ કે રાહુલ ગાંધી કેટલાંય વરસોથી અદાણીના નામનો ઉપયોગ નરેન્દ્ર મોદી પર પ્રહારો કરવા માટે કરતા હતા પણ તેમની વાતોને કોઈ ગંભીરતાથી લેતું નહોતું. બલકે રાહુલના આક્ષેપો પછી મોદી અને અદાણી બંને વધારે મજબૂત થયેલાં.
હવે હિંડનબર્ગના રિપોર્ટને લોકોએ એકદમ ગંભીરતાથી લીધો છે ને રિપોર્ટની વાતોને સાવ સાચી માનીને બજાર પણ રીએક્શન આપી રહ્યું છે. તેના કારણે રાહુલ સાચા હતા એવું કહેવાની કૉંગ્રેસને તક મળી ગઈ છે. કૉંગ્રેસ જે રીતે મચી છે એ જોતાં આ તક ગુમાવે એવું લાગતું નથી તેથી આ મુદ્દો રાજકીય રીતે લાંબો સમય ગાજે એવાં એંધાણ છે.
હિંડનબર્ગના રિપોર્ટને બહાર પાડવાના ટાઈમિંગનો મુદ્દો પણ મહત્ત્વનો છે. અદાણી ગ્રૂપનો ૨૦ હજાર કરોડ રૂપિયાનો એફપીઓ આવવાનો હતો તેના ત્રણ દિવસ પહેલાં જ આ રિપોર્ટ બહાર પડાયો તેના કારણે એવું સૌ માને છે કે, અદાણીના એફપીઓને નિષ્ફળ બનાવવા જ રિપોર્ટ બહાર પડાયો પણ વાસ્તવમાં આ રિપોર્ટ બહાર પાડવાના ટાઈમિંગના પોલિટિકલ કનેક્શનને જોવાની જરૂર છે.
અદાણીએ પોતાનો એફપીઓ રદ કરવો પડ્યો તેના કારણે આ ઉદ્દેશ પાર પડ્યો છે એમ માનીને સૌ ટાઈમિંગને મુદ્દે ચર્ચા બંધ થઈ ગઈ છે પણ રિપોર્ટના ટાઈમિંગને રાજકીય સંદર્ભમાં જોવાની જરૂર છે.
આપણે ત્યાં ૨૦૨૪માં લોકસભાની ચૂંટણી છે ને ચૂંટણી આડે માંડ સવા વરસ પણ બાકી નથી. લોકસભાની ચૂંટણીમાં પહેલાં આ વરસે દેશમાં મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણા એ નવ રાજ્યોની ચૂંટણી છે. આ પૈકી મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ નાનાં રાજ્યો છે તેથી રાષ્ટ્રીય રાજકારણમાં બહુ મહત્ત્વનાં નથી પણ કર્ણાટક, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગણા એ પાંચ રાજ્યો મહત્ત્વનાં છે.
ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં જીતવું હોય તો ૨૦૧૯ની જેમ ૨૦૨૪માં પણ આ રાજ્યોમાં જોરદાર દેખાવ કરવો પડે. ટૂંકમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે. ભાજપની જીતનો બધો મદાર મોદી પર છે તેથી મોદીની પ્રતિષ્ઠા દાવ પર છે.આ પ્રતિષ્ઠાને ફટકો મારવા આ રિપોર્ટ બહાર પડાયો હોય એવી પૂરી શક્યતા છે. આ મુદ્દો આખું વરસ ગાજવાનો છે એ જોતાં વિધાનસભાની ચૂંટણીમાં તેની અસર પડી શકે. હિંડનબર્ગ હજુ કશુંક નવું લાવે તો લોકસભાની ચૂંટણીમાં પણ તેની અસર પડી શકે.
હિંડનબર્ગના રિપોર્ટ સાથે સંકળાયેલો એક બીજો મુદ્દો પણ બહુ મહત્ત્વનો છે પણ તેના તરફ કોઈનું ધ્યાન જ ગયું નથી. હિંડનબર્ગે દાવો કર્યો છે કે, અદાણી ગ્રૂપ વિશે બે વર્ષ સુધી રિસર્ચ કર્યા પછી તેમણે આ ૩૨ હજાર શબ્દોનો રિપોર્ટ બનાવ્યો છે. હિંડનબર્ગના દાવા સામે વાંધો લેવાનું કોઈ કારણ નથી કેમ કે રિપોર્ટમાં પુષ્કળ
પ્રમાણમાં માહિતી અપાઈ છે એ જોતાં બે વર્ષનો સમય લાગે જ. અદાણી ગ્રૂપ સાથે સંકળાયેલી ઝીણી ઝીણી વિગતો આ રિપોર્ટમાં છે.
અદાણી ગ્રૂપે આ રિપોર્ટને જૂઠો ગણાવ્યો છે. સામે હિંડનબર્ગે અદાણી ગ્રૂપને પોતાના રિપોર્ટને પડકારવા માટે અમેરિકાની કોર્ટમાં પોતાની સામે લડવાનો પડકાર ફેંક્યો હતો. અદાણી જૂથે હિંડનબર્ગનો આ પડકાર ઉપાડ્યો નથી ને હિંડનબર્ગના રિપોર્ટને અમેરિકાની કોર્ટમાં પડકારવાની હિંમત બતાવી નથી તેના કારણે રિપોર્ટ સાચો છે એવું અત્યારે તો કહી શકાય. અત્યારે પોતાનું આખું સામ્રાજ્ય ધરાશાયી થઈ રહ્યું છે છતાં અદાણી હાથ પર હાથ મૂકીને બેસી કેમ રહ્યા છે?? આ રિપોર્ટ ખોટો હોય તો અદાણી હિંડનબર્ગ સામે અમેરિકા નહીં પણ બીજી કોઈ પણ કોર્ટમાં જાય. અદાણી કોર્ટમાં જવાનું ટાળી રહ્યા છે તેનો મતલબ એ જ કે, રિપોર્ટમાં દમ છે.
હવે સવાલ એ છે કે, હિંડનબર્ગને આવો દમદાર રિપોર્ટ બનાવવામાં કોણે મદદ કરી? અદાણી અને તેમના પરિવારજનો સામે થયેલા કેસોથી માંડીને સરકારી ચોપડે અદાણીના નામે ક્યા ક્યા ગોટાળા બોલે છે તેની ઝીણામાં ઝીણી વિગતો સરકાર સિવાય બહારથી તો મળે નહીં.
અદાણી મોદીના માનીતા છે એ જોતાં આ બધી વિગતો રસ્તે રઝળતી તો હોય જ નહીં એ કહેવાની જરૂર નથી. કોઈ બહુ મોટા માથાએ મદદ કરી હોય તો જ આ બધું હિંડનબર્ગ સુધી પહોંચે. અગેઈન, સવાલ એ જ છે કે, હિંડનબર્ગને સરકારમાંથી મદદ કોણે કરી? હિંડનબર્ગનો મદદગાર કોઈ પણ હોઈ શકે. કોઈ મોટો ઉદ્યોગપતિ હોઈ શકે ને કોઈ મોટો મંત્રી પણ હોઈ શકે. મોટો અધિકારી પણ હોઈ શકે. અથવા તો આ બધાંનું બનેલું પાવરફુલ ગ્રૂપ પણ હોઈ શકે.
હિંડનબર્ગને મળેલી મદદને ભાજપમાં વર્ચસ્વ જમાવવા માટે છેલ્લા કેટલાક સમયથી શરૂ થયેલી લડાઈ સાથે તો કોઈ સંબંધ નથી ને ? કેન્દ્રમાં લગભગ અક દાયકા લગી સત્તા ભોગવ્યા પછી ભાજપમાં સત્તાની સાઠમારી શરૂ થઈ ગઈ છે. મહત્ત્વાકાંક્ષાઓ ઉછાળા મારવા માંડી જ છે. તેના કારણે તો હિંડનબર્ગને મદદ નથી કરાઈ ને?
ભાજપ અદાણીનો બચાવ કરી રહ્યો છે ને સાથે સાથે પ્રાર્થના પણ કરતા હશે કે અદાણીની નૈયા ડૂબે નહીં કેમ કે તેમને ખબર છે કે અદાણી તેમને ડૂબાડી શકે છે. અદાણી ગ્રૂપના પાટિયાં પડી જાય તો સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બૅંક સહિતની સરકારી બૅંકો તથા એલઆઈસી સહિતની સરકારી સંસ્થાઓના કરોડો રૂપિયા ડૂબી જાય. એ સંજોગોમાં ભાજપે લોકોને જવાબ આપવો ભારે પડી જાય.
વિજય માલ્યા, મેહુલ ચોકસી, નિરવ મોદી વગેરે કરુબાજોના કિસ્સામાં તો ભાજપે કૉંગ્રેસના સમયમાં બધું શરૂ થયેલું એમ કહીને હાથ ખંખેરી નાંખેલા પણ અદાણીના કિસ્સામાં એવું કરી શકાય તેમ નથી. અદાણી ડૂબે તો જેના કારણ ઉપર આવ્યા તેને પણ લઈ ડૂબે.
એ રીતે જોઈએ તો અદાણીનો મુદ્દો દેશમાં પોલિટિકલ ટર્નિંગ પોઈન્ટ બનવાની તાકાત ધરાવ છે.